પ્રતીક્ષા થાનકી
આજકાલ `ટ્રોલ' શબ્દ કાને પડતાં જ ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયાના ટ્રોલ જ મગજમાં આવે, અને ટ્રોલિંગ જાણે કોઈને ચીઢવવા અને બૂલિંગ માટે એક અલગ શબ્દ બની ગયો છે. બાકી ફેન્ટસીની દુનિયામાં તો ટ્રોલ મોટાભાગે બુદ્ધિ વગરના, મહાકાય અને ગંદાગોબરા જીવ તરીકે વર્ણવવામાં આવતાં. `લોર્ડ ઓફ ધ રિગ્સ'થી માંડીને `હેરી પોટર', દરેક ફેન્ટસી સીરીઝનાં પણ પોતાનાં અલગ ટ્રોલ્સ અને તેની આગવી લોકવાયકાઓ હોય છે. બસ સ્કેન્ડિનેવિયાનું ટ્રોલ પ્રત્યે અલગ જ બંધાણ છે.
આ ટ્રોલનાં બીજાં ફીચર્સ ભલે ગમે તેવાં હોય, તે પહાડોમાં ગુફાઓમાં રહે અને તેમનો દેખાવ, ખાસ કરીને નાક વિચિત્ર હોય, એટલું તો આખી દુનિયામાં કોમન છે. આપણી દંતકથાઓમાં પણ ભૂત-પિશાચની કોઈ વેરાઇટીમાં આ ટ્રોલ ફિટ જરૂર બેસતાં હશે. ખાસ એટલે પણ કે ભાગ્યે જ એવો કોઈ દંતકથાનો રેફરન્સ હોય છે જેનું કોઈ ભારતીય પેરેલલ ન હોય. આપણી પાસે આખી દુનિયાની વાર્તાઓને સમાવી લે તો પણ વધી પડે એવો લોકવાયકાઓ અને દંતકથાઓનો ખજાનો છે. એવામાં નોર્વેનું ટ્રોલ ઓબ્સેશન અમને એક તરફ બાલિશ લાગતું હતું અને બીજી તરફ ક્યુટ.
આલેસુન્ડ પાસે રહીને અમારે હજી ટ્રોન્ડહાઇમ જતાં પહેલાં આ ટ્રોલનો રસ્તો, ટ્રોલસ્ટિગન સર કરવાનો હતો. તેને પગે ચાલીને છેક ઉપર સુધી જવા માટેની તો હવે કોઈને કેપેસિટી બચી ન હતી, પણ તેનો અર્થ એ પણ નહીં કે અમે મજેદાર વ્યુવાળું લોકેશન મિસ કરી દઈએ. નોર્વેનાં ટ્રોલ પણ અમને યાદ રહી જવાં જોઈએ. અહીં પ્રમાણમાં સ્થાનિક જમવાનું અને કુદરત વચ્ચે રિલેક્સ થવાનું મળી રહ્યું હતું. રેન્ટલ કાર અને દરેક સ્ટોપનાં એરબીએન્ડબી મજેદાર હતાં.
રસ્તામાં ભાગ્યે જ ટ્રાફિક મળતો, અને જ્યાં જુઓ ત્યાં બસ કુદરત પોતાના રંગો બદલ્યા કરતી. એમાં ટ્રોલની કાલ્પનિક વાર્તાઓ જ કલ્ચરને જરા રસપ્રદ અને ડ્રામેટિક બનાવતી હશે એ સ્વાભાવિક લાગ્યું. બાકી અહીંનાં લોકોની જિંદગીમાં કોઈ કોનલિક્ટ જ નથી. અહીંનું પોલિટિક્સ પણ મોડરેટ પડ્યું આવે છે, વસતી માપની છે, પેટ્રોલનો રૂપિયો ઇન્વેસ્ટ થયેલો છે, ન નોકરીની કમી છે, ન ખાસ સોશિયલ તકલીફો, એવામાં નોર્વે મજા કરવા માટે કલ્પનાના ઘોડા દોડાવવા માંડે તે સમજી શકાતું હતું. કુદરત પણ સાવ બોરિગ ન થઈ જવી જોઈએ.
અમે ટ્રોલસ્ટિગનની ટેકરી તરફનો રસ્તો લીધો. હવે રોડ સાઇડ પર આવતાં યોર્ડની ન કોઈને નવાઈ લાગતી હતી, ન કોઈ તેની નોંધ લેતું. ગાઇરેન્ગર યોર્ડને અંદર અને બહારથી સરખોથી માણ્યા પછી અમે જાણે હવે યોર્ડના ચાર્મથી પ્રૂફ થઈ ગયાં હોઈએ એવું લાગતું હતું. જોકે એવું હજી ટ્રોલ વિષે કહી શકાય તેમ ન હતું, અને આ ટ્રોલસ્ટિગન તરફ જવામાં તો વચ્ચે આવતાં રેસ્ટ એરિયાનાં ડેકોરેશન પણ ટ્રોલનાં સ્ટેચ્યુથી ભરેલાં હતાં. ક્યાંક ટ્રોલ બાઇક પર નીકળેલાં, ક્યાંક હાઇક પર.
કોઈ ટ્રોલ પોતાનાં બેબી ટ્રોલને સાઇકલ શીખવતું હતું, તો કોઈ ટ્રોલ કોફી પીવા બેસેલું. વાઇકિગ કોશ્ચુમથી માંડીને વોરિયર અને મોડર્ન પ્રોફેશન, ટ્રોલનાં સ્ટેચ્યુએ કોઈ સ્ટાઇલ છોડી ન હતી. એવામાં અમને ખરો ટ્રોલ રસ્તામાં દેખાઈ જાય તો પણ અમે તેને ગંભીરતાથી લઈને તેનાથી ડરવાને બદલે તેનો ફોટો પાડીને તેની મજાક ઉડાવતાં આગળ ચાલી ગયાં હોત. કોને ખબર, કદાચ અમે એવું કર્યું પણ હોઈ શકે અને ખબર જ ન પડી હોય.
પહેલાં નોર્વેજિયનોના માથે ટ્રોલ સવાર થયાં, પછી તેમણે આવા વિસ્તારોમાં એવી રીતે પ્રતીકાત્મક ટ્રોલ ફેલાવી દીધાં છે કે હવે દુનિયાભરનાં મુલાકાતીઓ પણ અહીંથી સુવિનિયરમાં સાથે ટ્રોલનાં મેગ્નેટ્સ, પોસ્ટકાર્ડ, સ્ટેચ્યુ અને યાદો લઈને જ જાય. અમે પણ ટ્રોલ પાસે બેસીને નાસ્તો કર્યો, અને આગળ રસ્તા પર પહાડોની હારમાળા કઈ રીતે એક ટ્રોલનું મોઢું બનાવતી હતી તેની ચર્ચા ચાલુ થઈ.
ગાડી સરળતાથી ટ્રોલસ્ટિગન તરફ સરકી રહી હતી. એમાં વેસ્ટમાં ટેકરીઓ એવી રીતે ગોઠવાયેલી હતી કે એક મોટી ટેકરી કોઈનું નાક, એક ટેકરીમાં કપાળ, બે ટેકરીઓમાં હોઠ દેખાઈ રહૃાાં હતાં. વળી બધાંને આ ચિત્ર અલગ અલગ સ્તરે દેખાઈ રહૃુાં હતું. અંતે તો તમારે જે જોવું હોય એ જ દેખાતું હોય છે એ અમારા અલગ અલગ પરસ્પેકટિવમાં સાબિત થઈ રહૃુાં હતું.
જોતજોતામાં ટ્રોલસ્ટિગન આવી ગયું. અમે તે વાંકાચૂંકા રસ્તાની ઘણી તસવીરો જોઈ હતી. અમને ખબર હતી કે ઉપરના પેનોરમા પ્લેટફોર્મ સુધી કાર લઈને જ જવાનું હતું. ત્યાંથી આ ટ્રોલસ્ટિગન એટલે કે ટ્રોલનો રસ્તો દેખાવાનો હતો. પણ અમને એ ખબર ન હતી કે આ અશક્ય લાગતા વળાંકોવાળો રસ્તો જ બધી કાર, ટૂરિસ્ટ બસ અને કારવેન્સને ઉપર લઈ જતો હતો. કાર ચઢવા તો લાગી, પણ પાછાં આવવાનું પણ ઘણું સ્ટ્રેસફૂલ બની રહેવાનું હતું.
ઢાળ અને વળાંકો ચઢવામાં ધીમેથી જવાતું હતું, પણ એ જ રસ્તો ઊતરવામાં ગબડતાં ગબડતાં આવવાનું હતું. અમે બધાં ઘણા મુશ્કેલ રસ્તાઓ પર કાર ચલાવવાનાં અનુભવી હતાં, પણ આ એવો રસ્તો હતો જ્યાં દિવસમાં જો એક બસ ટર્ન લેવામાં ફસાઈ જાય તો આખો રસ્તો બંધ કરી દેવાતો હતો. અહીં અવારનવાર અકસ્માતો પણ થતા રહેતા.
ઇન ફેક્ટ અમે એ રીતે પ્લાન નહોતું કરેલું પણ અમે જે દિવસે ત્યાં પહોંચ્યાં ત્યારે આ દુર્લભ રસ્તો બે મહિના પછી ફરી મુલાકાતીઓ માટે ખૂલ્યો હતો. ત્યાં પેનોરમા પ્લેટફોર્મ પાસે એક લોકલ ન્યુઝ ચેનલ લોકોના ઇન્ટરવ્યુ લેવા ઊભી હતી. અને બરાબર એક અઠવાડિયા પછી ત્યાં એક બસ ફસાઇ જતાં ફરી તે રસ્તો એક મહિના માટે બંધ થઈ ગયેલો. એ રસ્તો અમારા માટે ખૂલી તો ગયો હતો, પણ તે મોટાભાગે ત્યાંનાં મુલાકાતીઓની ટ્રોલિંગ કરતો હોય એવું જ લાગ્યું. ઉપર પહોંચ્યાં પછી જાણે દુનિયા બદલાઈ ગઈ હતી. ત્યાં સુધીનો રસ્તો ત્યાંથી દેખાતા વ્યુને બરાબર જસ્ટિફાય કરતો હતો. રસ્તો અને મંઝિલ બંને યાદગાર હોય તો પછી થોડું ટ્રોલિંગ તો ચાલે.