Wed Aug 19 2026

Logo

અરાવલી એક્સપ્રેસમાં સીટ મુદ્દે એક્ટ્રેસ અંતરા બેનરજીનો હંગામો, RPF જવાન પર બ્લેડથી કર્યો હુમલો

2026-08-16 20:55:51
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં અરાવલી એક્સપ્રેસમાં ટિકિટ વગર એસી કોચમાં સવાર થઈને મુસાફરો અને પોલીસ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરવાના કેસમાં અભિનેત્રી અંતરા બેનરજી સામે એફઆઈઆર નોંધાઈ હતી. RPF જવાન પર બ્લેડ વડે હુમલો કરવા અને ટ્રેનની બારીના કાચ તોડવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રોફેશનલ મોડલ કમ વેબ સિરીઝ એક્ટ્રેસ અંતરા બેનરજીની અરાવલી એક્સપ્રેસમાં ધમાલ કરવા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. આ કેસ અંગે પોલીસે જણાવ્યું હતું કે ટ્રેનમાં અંતરા બેનરજીએ રિઝર્વ્ડ સીટને લઈને ઝઘડો કર્યો હતો. ઝઘડો કર્યા બાદ તે પોલીસ સાથે પણ ગુસ્સામાં વાત કરી રહી હતી. એટલું જ નહીં અભદ્ર વ્યવહાર પણ કર્યો હતો. 

તેને ઝઘડો કર્યા બાદ તે પોતાના કપડાં ઊતારવા લાગી હતી અને રેલવે પ્રોટેક્શન ફોર્સના કર્મચારી પર રેઝર બ્લેડથી હુમલો કર્યો હતો. અંતરાએ એક શૂટિંગ માટે સુરત જઈ રહી હતી એવા સમયે આ ઘટના ઘટી હતી. એની પાસે સ્લિપર કોચની ટિકિટ હતી છતા તે રિઝર્વ્ડ એસી કોચમાં બેસવા માટે દોડી ગઈ હતી જેનું સૌને આશ્ચર્ય થયું હતું. 

આ ઘટના બોરીવલી અને દહાણુ વચ્ચેના બારમી ઓગસ્ટના આશરે 9.30 વાગ્યાથી 10.50 વાગ્યાની વચ્ચે બની છે. ફરિયાદના રિપોર્ટ અનુસાર એક પ્રવાસીએ અંતરાને રિઝર્વ્ડ સીટ ખાલી કરવા માટે કહ્યું હતું. ના પાડતા એક્ટ્રેસને ગુસ્સો આવી ગયો હતો. આ મુદ્દે પ્રવાસીએ પોતાની ટિકિટ અંગે ટિકિટ ક્લેક્ટરને જાણ કરી, એના પછી આરપીએફ એક્શનમાં આવી હતી. RPFના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર યામિનીકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, તેમણે અને કોન્સ્ટેબલ રાજેશ કુમારે મામલો સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતરા બેનર્જીએ અધિકારીઓ સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ કરવા લાગી હતી. 

પોલીસે કરી મોટી અને મહત્ત્વની સ્પષ્ટતા

પોલીસે જણાવ્યું હતું કે પછી એક્ટ્રેસે પોતાના કપડાં ઉતાર્યા, બ્લેડથી હુમલો કરવો અને મિશ્રા અને પોતાને બંનેને ઇજા પહોંચાડી. મિશ્રાનો આરોપ મૂક્યો હતો કે એક્ટ્રેસે તેના યુનિફોર્મ અને મોબાઇલ ફોનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિ બગડતા કર્મચારીઓએ AC કોચનો દરવાજો જ બંધ કરી દીધો હતો. દહાણુ રેલવે સ્ટેશન પર એને ઊતારી દેવાતા મામલો ગરમાયો હતો. પછી મામલો પોલીસ અધિકારી સુધી પહોંચ્યો હતો.  અંતરા બાહર નીકળવા માટે બારીનો કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. 

એક કલાકથી વધુ સમય સુધી ચાલુ રહેલી બબાલમાં અન્ય પ્રવાસીઓના જીવ પણ જોખમમાં મૂકાઈ ગયા હતા. આ કેસમાં બીજા દિવસે સવારે બોરીવલી રેલવે પોલીસે બેનર્જીને કસ્ટડીમાં લીધી હતી. બોરીવલી જીઆરપી ઇન્સ્પેક્ટર કુંડા ગાવડેએ જણાવ્યું કે, સાક્ષીઓના મતે તે કદાચ એસી કોચ માટે ટિકિટ નહીં મેળવી શકવાને કારણે દુઃખી થઈ હશે, જ્યારે તેના સંબંધીઓ અથવા વકીલનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે બેનર્જીએ ઇનકાર કર્યો હતો અને પોતાની ધરપકડની માંગ કરી. ગાવડેએ કહ્યું એફઆઈઆર નોંધાયા પછી તે શાંત થઈ ગઈ હતી.