બેઈજિંગ : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ચીનની પ્રતિક્રિયા આવી છે. જેમાં ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે ઈરાન, લેબનોન અને આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષથી ગંભીર રીતે પ્રભાવિત બે અન્ય પશ્ચિમ એશિયાઈ દેશોને કટોકટીમાં માનવતાવાદી સહાય પૂરી પાડશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું હતું કે ચીને યુદ્ધના લીધે સ્થાનિક વસ્તીને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ઈરાન, જોર્ડન, લેબનોન અને ઇરાકને કટોકટી માનવતાવાદી સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.
ઈરાન અને અન્ય પ્રાદેશિક દેશોના લોકો સંકટમાં
તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઈરાન અને અન્ય પ્રાદેશિક દેશોના લોકો સંકટનો સામનો કરી રહ્યા છે. ચીન સંબંધિત દેશોના લોકો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરે છે. તેમજ યુએન શરણાર્થી એજન્સીએ તાજેતરમાં જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં મોટી માનવતાવાદી કટોકટી ઉદભવી છે અને આ પ્રદેશોમાં આશરે 2.5 કરોડ લોકો પહેલાથી જ પ્રભાવિત છે. તેથી ચીન સંબંધિત દેશોને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું વિચારી રહ્યું છે.
ઈરાનમાં ઘણા નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા
ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા લિને જણાવ્યું હતું કે ઈરાનમાં ઘણા નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે લેબનોનમાં આશરે 800,000 લોકો વિસ્થાપિત થયા છે. જોર્ડન, ઇરાક અને અન્ય દેશો પણ તેનાથી પ્રભાવિત થયા છે. ગત સપ્તાહે ચીને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે ઈરાનમાં એક પ્રાથમિક શાળા પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા પીડિતોના પરિવારો માટે 200,000 ડોલરની કટોકટી માનવતાવાદી સહાયની જાહેરાત કરી હતી.