Tue Aug 18 2026

Logo

ભારતીય ટીમના કેપ્ટન રહી ચુકેલા આ ક્રિકેટરે સતત ઉપેક્ષાથી થાકીને લઈ લીધી નિવૃત્તિ

2026-07-30 12:00:00
Author: Mayur Patel
Article Image

મુંબઈઃ ભારતીય ટીમના કેપ્ટન રહી ચુકેલા અજિંક્ય રહાણેએ સતત ઉપેક્ષાથી થાકીને નિવૃત્તિ લઈ લીધી હતી. તે ઘણા સમયથી ભારતીય ટીમની બહાર હતો. એક સમયે તે વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા સાથે ભારતીય ટેસ્ટ ટીમના મિડલ ઓર્ડરનો આધાર સ્તંભ હતો. સતત કથળી રહેલા ફોર્મના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. રહાણે ભારત તરફથી અંતિમ ટેસ્ટ 20 જુલાઈ, 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો. જે બાદ તે ટીમમાંથી બહાર હતો. રહાણેની કેપ્ટનશિપમાં ભારતે ઐતિહાસિક બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં જીત મેળવી હતી. તે મેચમાં વિરાટ કોહલી નહોતો અને ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા.

રહાણેએ ભાવુક સંદેશમાં શું કહ્યું?

અજિંક્ય રહાણેએ પોતાની નિવૃત્તિની સ્પીચમાં સોશિયલ મીડિયા પર કહ્યું, જિંદગીની વાસ્તવિકતા એ છે કે દરેક વસ્તુની એક શરૂઆત હોય છે અને દરેક વસ્તુનો એક અંત હોય છે. જ્યારે એ સમય આવે છે, ત્યારે તમારે બસ તેનો આદર કરવાનો હોય છે અને આગળ વધવાનું હોય છે. મેં હંમેશા મારી બેટિંગમાં ટાઇમિંગ પર ભરોસો રાખ્યો છે અને મેં હંમેશા તેનું મહત્વ સમજ્યું છે. આજે, મને લાગે છે કે મારા માટે આગળ વધવાનો અને ઇન્ટરનેશનલ ક્રિકેટ તથા તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરવાનો યોગ્ય સમય છે.

તેણે કહ્યું કે, એ શરૂઆતના દિવસોથી જ્યારે હું એક નાનો છોકરો હતો અને માત્ર પ્રેક્ટિસ માટે ડોમ્બિવલીથી આવતો હતો, મેં આ રમતને મારું સઘળું આપી દીધું. દરેક એક દિવસ, દરેક ઇનિંગ્સ, દરેક તક પર જ્યારે મને બેટિંગ કરવાનો મોકો મળ્યો, ત્યારે સપનું હંમેશાં 'ઇન્ડિયા કેપ' પહેરવાનું જ હતું. હું એક સરળ નિયમ પર જીવતો હતો—હંમેશા મારા દેશ અને મારી ટીમને મારા પોતાનાથી આગળ રાખતો હતો. મેં આ રમત પૂરી ઈમાનદારીથી રમી છે અને મારું હંમેશાં માનવું રહ્યું છે કે જો તમારો ઈરાદો સાચો હોય, તો રમત પણ હંમેશા તમારું ધ્યાન રાખશે.

પોતાની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતાડનારા રહાણેએ કહ્યું, જ્યારથી મેં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે, ત્યારથી ઇન્ડિયન ક્રિકેટ ઘણું આગળ વધ્યું છે અને મને છેલ્લા 20 વર્ષોમાં તેનો એક ભાગ હોવા પર ખૂબ જ ગર્વ છે. એક ઇન્ડિયન ક્રિકેટર તરીકે મારો અધ્યાય પૂરો થઈ ગયો છે, પરંતુ રમત સાથેની મારી સફર પૂરી થઈ નથી. હું આવનારી પેઢીને મદદ કરવા, આ રમતે મને જે મૂલ્યો શીખવ્યા છે તેને શેર કરવા અને જે રમતે મને બધું જ આપ્યું છે તેને પરત આપવા માટે આતુર છું.

મુંબઈ માટે લાંબા સમય સુધી પ્રોફેશનલ ક્રિકેટમાં સક્રિય રહેલા રહાણેએ કહ્યું, મુંબઈમાં એક યુવા ખેલાડી તરીકે શરૂઆત કરવાથી લઈને ભારત માટે રમવા સુધી, આ મારા માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. રસ્તામાં ઘણી જીત અને હાર મળી, પરંતુ ક્રિકેટ રમવાની, અલગ-અલગ ટીમોનો ભાગ બનવાની અને આજીવન યાદો બનાવવાની જે મિશ્ર ખુશી છે, એ જ મારા કરિયરનો સૌથી મોટો આનંદ રહ્યો છે. BCCI, MCA, મારા સાથી ખેલાડીઓ, મારા કોચ, દરેક IPL ફ્રેન્ચાઇઝી, રાધિકા, મારો પૂરો પરિવાર, મારા મિત્રો અને મારી સાથે અડીખમ ઊભા રહેનાર દરેક વ્યક્તિનો આભાર.

રહાણેની કરિયર
અજિંક્ય રહાણેએ 85 ટેસ્ટમાં 38.46ની સરેરાશથી 5077 રન બનાવ્યા હતા. જેમાં 12 સદી અને 26 અડધી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 188 રન છે. આ ઉપરાંત 90 વન ડેમાં તેણે 35.26ની સરેરાશથી 2962 રન બનાવ્યા હતા. વન ડેમાં તેણે ત્રણ સદી અને 24 અડધી સદી ફટકારી હતી. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 111 રન છે. જ્યારે 20 ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 113.30ના સ્ટ્રાઈક રેટથી 375 રન ફટકાર્યા છે.