Tue Aug 18 2026

Logo

‘વૉટ અ કૅચ!: સુપરમૅન શુભમન ગિલની આ કમાલ વારંવાર જોવાનું પસંદ કરશો...

2026-08-17 13:38:00
Author: Ajay Motiwala
Article Image

Image Source: BCCI


ગૉલ: ટીમ ઇન્ડિયાના નવા ફીલ્ડિંગ-કોચ તરીકે ટી. દિલીપના સ્થાને પશ્ચિમ બંગાળના શુભદીપ ઘોષે ચાર્જ સંભાળ્યો ત્યાર પછી ભારતીય ખેલાડીઓની ફીડિંગમાં સુધારો જોવા મળ્યો છે અને એનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત સોમવારે સવારે ગૉલમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે જોવા મળ્યું જેમાં કૅપ્ટન શુભમન ગિલે સુપરમૅનની સ્ટાઈલમાં ડાઇવ મારીને કૅચ ઝીલ્યો હતો.

ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં સોમવારના ત્રીજા દિવસે પહેલા દાવમાં શ્રીલંકાનો સ્કોર ત્રણ વિકેટે 59 રન હતો ત્યારે 85 આંતરરાષ્ટ્રીય મૅચનો અનુભવી ખેલાડી કામિન્ડુ મેન્ડિસ (Mendis) એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી બનાવેલા 14 રને હજી ક્રીઝમાં માંડ સેટ થયો હતો ત્યાં ચાઈનામૅન તરીકે જાણીતા લેફટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવની કાંડાની કરામતનો શિકાર થઈ ગયો હતો. ફૂલ લેન્ગથમાં ઑફ સ્ટમ્પની બહાર પડેલો બૉલ લેફ્ટી બૅટ્સમૅન મેન્ડિસે એક્સ્ટ્રા કવર તરફ ધકેલ્યો હતો જ્યાં તે શુભમન ગિલની બાજ નજરથી છટકી નહોતો શક્યો.

Image Source: BCCI

હજી ચાર દિવસ પહેલાં જ હાથની આંગળીની ઈજામાંથી મુક્ત થયેલા ગિલે ડાબી તરફ ડાઈવ લગાવીને ઘાસથી થોડી જ ઇંચ ઉપર બૉલ પોતાના કબજામાં લઈ લીધો હતો. તેનાથી બૉલ ઘાસને અડી ગયો એવી શંકા હતી, પરંતુ હકીકતમાં તેણે એ કૅચ કમ્પ્લીટ કર્યો હતો. કૉમેન્ટેટરના પણ માનવામાં નહોતું આવ્યું અને તેમણે આ અકલ્પનીય કૅચ બદલ બૂમો પાડીને ગિલ (Gill)ના ભારોભાર વખાણ કર્યા હતા. ખુદ બૅટ્સમૅન મેન્ડિસના પણ માનવામાં નહોતું આવ્યું અને તે ડઘાયેલી હાલતમાં ગિલને જોતો રહ્યો હતો.

ભારતના પહેલા દાવમાં 462 રન હતા. શ્રીલંકાએ 59 રનના કુલ સ્કોર પર મેન્ડિસના રૂપમાં એ ચોથી વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ લંચ પહેલાં 90 રનના સ્કોર પર રવીન્દ્ર જાડેજા ત્રાટક્યો હતો અને તેણે કૅપ્ટન ધનંજય ડીસિલ્વા (21 રન)ને સ્લિપમાં કે. એલ. રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

શ્રીલંકાએ લંચ પહેલાં પહેલી પાંચ વિકેટ કૅચઆઉટમાં ગુમાવી હતી અને એ પાંચ કૅચ અનુક્રમે દેવદત પડિક્કલ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, શુભમન ગિલ અને કે. એલ. રાહુલે ઝીલ્યા હતા. આજ બતાવે છે કે નવા ફીલ્ડિંગ-કોચ શુભદીપ ઘોષનું કોચિંગ ભારતીય ટીમને ફળી રહ્યું છે.