Sat Aug 22 2026

Logo

‘ફાંસી આપશો તો પણ વંદે માતરમ નહીં ગાઉં’, AIMIM નેતા વારિસ પઠાણના વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું

2026-08-22 14:52:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દેશમાં વંદે માતરમને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે AIMIM ના નેતા વારિસ પઠાણે એક વિવાદિત નિવેદન આપ્યું છે. વારિસ પઠાણે  સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘ ભલે મને ફાંસી પર લટકાવી દેવામાં આવે તો પણ હું વંદે માતરમ નહીં ગાઉં’. જોકે, તેમણે ઉમેર્યું હતું કે તેઓ રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું સન્માન કરે છે, પરંતુ તેને કોઈના પર બળજબરીથી લાદી શકાય નહીં. આ મામલે હવે ફરી રાજકારણ ગરમાયું છે. 

કેવી રીતે શરૂ થયો વંદે માતરમનો નવો વિવાદ?

સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા ધ પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર (એમેન્ડમેન્ટ) બિલ, 2026 હેઠળ વંદે માતરમને પણ રાષ્ટ્રગીત 'જન ગણ મન' જેવો જ કાનૂની દરજ્જો આપવામાં આવ્યો છે. સંસદ અને સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પણ પ્રથમ વખત વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. જોકે, સ્વતંત્રતા દિવસે કોંગ્રેસ મુખ્યાલય ખાતે વંદે માતરમ સંપૂર્ણ ગવાયું ન હોવાનો વિપક્ષ પર આરોપ લાગતા આ નવો વિવાદ છેડાયો હતો. હવે આ મુદ્દે AIMIM ના નેતા વારિસ પઠાણે ‘વંદે માતરમ’ ગાવાની સ્પષ્ટરૂપે ના પાડી દીધી છે. 

વિદ્યાર્થીઓના મુદ્દે રાહુલ ગાંધી પર પરોક્ષ પ્રહાર

AIMIM નેતા વારિસ પઠાણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમને પણ આડેહાથ દીધી અને વિદ્યાર્થીઓના આંદોલન મુદ્દે રાજનીતિ ના કરવા માટે સલાહ આપી છે. AIMIM ના નેતાએ કહ્યું કે, GenZ અને વિદ્યાર્થીઓના નામે રાજકારણ રમાવું ન જોઈએ. યુવાનો અને વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપ્યું છે. કહ્યું કે, અમે વિદ્યાર્થીઓ સાથે છીએ, પરંતુ આ મુદ્દાનો રાજકીય રોટલો શેકવો અયોગ્ય છે. સ્વાભાવિક છે કે, અત્યારે રાહુલ ગાંધી દ્વારા આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ મરાઠી મામલે પણ આપ્યું નિવેદન

અત્યારે મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ ચાલી રહ્યો છે. દરેક રિક્ષા ચાલકે ફરજિયાત પણ મરાઠી ભાષા સિખવી પડશે તેવું રાજ્ય સરકારને નક્કી કર્યું હતું. મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા વારિસ પઠાણે મરાઠી ભાષાના મુદ્દે પણ પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે કહ્યું કે, મરાઠી ભાષા દરેક નાગરિકે શીખવી જોઈએ, પરંતુ ડરાવી-ધમકાવીને કે નોટિસો ફટકારીને બળજબરીથી મરાઠી શીખવવાનો નિર્ણય યોગ્ય નથી. આ સાથે જ તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, જો સરકારમાં હિંમત હોય તો બોલિવુડના મોટા ફિલ્મ કલાકારો અને દેશના અબજોપતિ ઉદ્યોગપતિઓ માટે પણ મરાઠી ભાષામાં વાતચીત કરવી ફરજિયાત કરી બતાવે! 

ઈદ-એ-મિલાદના દિવસે દારૂબંધીની માંગ

વારિસ પઠાણે મહારાષ્ટ્રમાં આવનારા ઈદ-એ-મિલાદના તહેવાર પ્રસંગે એક દિવસ માટે દારૂબંધી લાદવાની માંગ કરી છે. તેમણે દલીલ કરી હતી કે જો દેશમાં સમાનતા છે અને બંધારણ સૌના માટે સરખું છે, તો જે રીતે હિન્દુ તહેવારો દરમિયાન દારૂ અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે છે, તે જ રીતે ઈદ-એ-મિલાદના દિવસે પણ મહારાષ્ટ્રમાં દારૂની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવી જોઈએ.