Fri May 15 2026

Logo

ગાંધીનગર ખાતે "AI નો આદિજાતિ વિકાસમાં ઉપયોગ" વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો

2026-05-15 14:10:00
Author: Vimal Prajapati
Article Image

ગાંધીનગરઃ ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાં જનજાતીય વસ્તી ધરાવતા રાજ્યોમાં તા. 10 મે થી 09 જૂન, 2026 દરમિયાન 'જનજાતીય ગરિમા ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલના નેતૃત્વમાં ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી-TRI દ્વારા બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે આજે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-AIનો આદિજાતિ વિકાસમાં ઉપયોગ’ વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના નિયામક આશિષ કુમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

AI ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં સઘન પ્રયાસ

આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના નિયામક આશિષ કુમારે જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાઓને વધુ સુદ્રઢ બનાવવા આશ્રમશાળાઓ, સરકારી હોસ્ટેલો અને ક્લાસરૂમના ડેઇલી મોનિટરિંગ માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવાની દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારી વિભાગો પાસે ઉપલબ્ધ વિશાળ ડેટા સેટ્સ, લાભાર્થીઓની માહિતી અને વિદ્યાર્થીઓના ડેટાનું સચોટ એનાલિસિસ કરવા માટે AI અત્યંત ઉપયોગી સાબિત થશે. તેમણે કર્મયોગીઓને આહવાન કર્યું હતું કે, જો તેમની પાસે વહીવટી સુધારણા કે મોનિટરિંગને લગતા કોઈ મજબૂત પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ હોય, તો તેના સ્માર્ટ સોલ્યુશન્સ તૈયાર કરવા જેથી તેને વ્યાપક સ્તરે લાગુ કરી શકાય. 

ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સમયની માંગ છે
 
નિયામકે વધુમાં જણાવ્યું હતું કે, સરકારી કામગીરીની ગુણવત્તા, ગતિ અને સચોટતા વધારવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સમયની માંગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચેટજીપીટી જેવા આધુનિક મોડલ્સના આગમન સાથે વૈશ્વિક સ્તરે ટેકનોલોજીની સ્પીડ ખૂબ જ ઝડપી બની છે, જેની સીધી અસર આપણા વહીવટી અને રોજબરોજના જીવન પર પણ પડી રહી છે. સરકારી કચેરીઓમાં AI એ માનવ શ્રમનો વિકલ્પ નથી, પરંતુ કર્મચારીઓની ક્ષમતા અને કામની સ્પીડ વધારવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ શકે તેમ છે.

નિયામકે સમય સાથે કદમ મિલાવવા અને પોતાની ક્ષમતા વર્ધન માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને iGOT કર્મયોગી પોર્ટલ પર ઉપલબ્ધ કોર્સીસનો મહત્તમ લાભ લેવા ખાસ તાકીદ કરી હતી. આ પોર્ટલ પર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા તૈયાર કરાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સ્પેશિયલ કસ્ટમાઇઝ્ડ કોર્સ વિનામૂલ્યે ઉપલબ્ધ છે, જે પરફોર્મન્સ એપ્રેઝલ માટે પણ મહત્વના છે. બદલાતા સમયમાં ટેકનોલોજીથી સુસજ્જ બનીને સરકારી સેવાઓને વધુ લોકાભિમુખ અને પારદર્શક બનાવવા માટે આ AI કોર્સ ખૂબ મહત્વના છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં ટ્રાયબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાતના કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરીએ કહ્યું હતું કે, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને કલ્યાણકારી યોજનાઓના પરિણામલક્ષી પ્રભાવને છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડવા માટે ટેકનોલોજી એક શક્તિશાળી માધ્યમ સાબિત થશે. વધુમાં કહ્યું કે, 'જનજાતીય ગરિમા ઉત્સવ'ની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ 25 થી 31 મે, 2026 દરમિયાન સામાજિક સેવા, શિક્ષણ, પરંપરાગત જ્ઞાન અને સમુદાય નેતૃત્વ જેવા ક્ષેત્રોમાં પાયાનું પ્રદાન આપનાર અંદાજે 20-30 જેટલા આદિવાસી સમાજના ‘અનસંગ હીરોઝ’ની ઓળખ કરી તેઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.

આ સત્ર દરમિયાન IIT ગાંધીનગર અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યુટના યુવા ફેકલ્ટી નિવિદ દેસાઈ દ્વારા આદિવાસી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત અધિકારીઓને આધુનિક ટેકનોલોજી ‘જનરેટિવ AI’ થી અવગત કરવામાં આવ્યા હતા. આ ટેકનોલોજી દ્વારા કેવી રીતે આદિવાસી વિસ્તારોમાં યોજનાઓનો પ્રચાર-પ્રસાર વધારી શકાય અને તેમની પોતાની ભાષામાં સંવાદ સાધી શકાય તે અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સરકારી પરિપત્રો તૈયાર કરવા, જટિલ પોલિસીઓને સરળ ભાષામાં અનુવાદિત કરવી અને નાગરિકોના પ્રશ્નોના ત્વરિત જવાબ આપવામાં AI કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની વિસ્તૃતમાં સમજ આપી હતી.