Thu Jul 23 2026

Logo

અમદાવાદમાં પંચવટી સર્કલ પાસે પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને ઢોર માર મારનાર મહિલા PSI સસ્પેન્ડ

2026-06-04 17:16:45
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
અમદાવાદના પંચવટી સર્કલ નજીક પાનનું પાર્લર ચલાવતા 57 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ સાથે મહિલા પોલીસ અધિકારી અને તેમના પતિ દ્વારા મારપીટ અને ગેરવર્તન કરવાની ચોંકાવનારી ઘટના ઘટી હતી. આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ વધુ ચર્ચાયા પછી પોલીસ સામે મોટી કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પહેલી જૂનના બપોરે ફરિયાદી પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજી તેમના પાર્લર પર બેઠા હતા તે સમયે પાર્લરની બહાર લટકાવેલા પેકેટને કોઈ તોડતું હોય તેવો અવાજ આવ્યો હતો અને આથી તેમણે પકડવા માટે હાથ લંબાવતા એક બાળકને અજાણતા તેમનો હાથ અડી ગયા હતા અને બાદમાં વિવાદ સર્જાયો હતો. જેના પગલે બાળકના પિતાએ 112 પર ફોન કરી પોલીસ બોલાવી હતી, અને ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાંગોદરના પી.એસ.આઇ. સોનલબેન રાઠોડે આવીને આ પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને ગડદાપાટુ તેમ જ લાકડી વડે ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ અનુસાર આંખોની ખામી ધરાવતા ફરિયાદી છેલ્લા 32 વર્ષથી 'આશા મંદિર અંધજન મંડળ' નામની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. બનાવના દિવસે બપોરે તેમના પાર્લર પર નાસ્તાનું પેકેટ તોડવાનો અવાજ આવતા તેમણે અવાજની દિશામાં હાથ લંબાવ્યો હતો, જે અજાણતા પી.એસ.આઇ. સોનલબેનના દીકરાને અડી ગયો હતો. 

આ બાબતનો રોષ રાખીને પી.એસ.આઇ.ના પતિએ ગાળો આપી પોલીસ બોલાવી હતી. ત્યાર બાદ સાંજે પાંચેક વાગ્યે પોલીસ સ્ટેશનમાં બેઠેલા ફરિયાદીને પી.એસ.આઇ. સોનલબેન રાઠોડે અપશબ્દો કહ્યા હતા. તેમને તેમ જ તેના પરિવારને પતાવી દેવાની ધમકી આપી માર માર્યો હતો. 

આ હુમલામાં ફરિયાદીને જમણી આંખે અને થાપાના ભાગે ઈજાઓ પહોંચી હતી, આથી તેમને ડો. જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસે પી.એસ.આઇ. સોનલ રાઠોડ અને તેમના પતિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, આ મામલે આરોપી મહિલા પી.એસ.આઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.