Fri Jun 12 2026

Logo

અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસનો ₹૫૪૭ કરોડના ખર્ચે થશે કાયાકલ્પ

2026-06-12 11:26:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું આજે એક વર્ષ થયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના મેઘાણીનગર સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતોને દૂર કરી આધુનિક આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ સંદર્ભે આરોગ્ય રાજ્યમંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, દુઃખદ વિમાન દુર્ઘટના બાદ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને પરિવારજનો માટે તાત્કાલિક રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે આ સમગ્ર વિસ્તારને આધુનિક આરોગ્ય મંદિર અને શૈક્ષણિક મંદિર તરીકે નિર્માણ કરવાનો સંકલ્પ રાજ્ય સરકારે કર્યો છે. 

ન્યૂ મેન્ટલ કેમ્પસમાં વિમાન દુર્ઘટનાથી નુકસાન પામેલી ઇમારતોને દૂર કરી નીચે મુજબના નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.

મુખ્ય આયોજન 

પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપી કોલેજ અને ૫૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ...

અંદાજિત ખર્ચ : રૂ. ૨૯૫ કરોડ
અંદાજે ૨૫,૦૦૦ ચો.મી. જમીનનો ઉપયોગ થશે. 

મેરિડ પી.જી. વિદ્યાર્થીઓ માટે ૫૧૦ યુનિટ ધરાવતા નવા હોસ્ટેલ બ્લોક્સ જી+૭ ઊંચાઈના અંદાજે ૮ બ્લોક્સનું નિર્માણ અંદાજિત ખર્ચ : રૂ. ૧૯૨ કરોડ..... 

૮૦૦ વિદ્યાર્થીઓ માટે આધુનિક કેન્ટીન બિલ્ડિંગ
જી+૧ માળનું નવું નિર્માણ
અંદાજિત ખર્ચ : રૂ. ૧૦ કરોડ ...

 નવીન ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી NABL ધોરણ મુજબની જી+૭ માળની અદ્યતન લેબોરેટરી અંદાજિત ખર્ચ : રૂ. ૫૦ કરોડ.
અંદાજે ૩,૧૦૦ ચો.મી. જમીનનો ઉપયોગ થશે. 

આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ન્યૂ મેન્ટલ કેમ્પસ રાજ્યના અગ્રણી આરોગ્ય, સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે નિર્માણ પામશે, જે વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.

વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગત વર્ષે ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોને પ્રથમ વરસીએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અણધારી ઘટનાથી શોકગ્રસ્ત બનેલા પરિવારજનો પ્રત્યે આરોગ્ય મંત્રીએ હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી.