Fri Jul 24 2026

Logo

અમદાવાદ શહેર-જિલ્લામાં આકાશી આફત! વિરમગામ-બાવળામાં અનેક લોકોનું રેસ્ક્યૂ કરાયું;

2026-07-24 20:24:26
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આજે શહેરની તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રહેશે. વરસાદી પાણીના અસરકારક વ્યવસ્થાપન માટે પૂર્વ ઝોનના 37 તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. મનપાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ચોવીસ કલાક કાર્યરત રહી છેલ્લા બે દિવસમાં મળેલા 132 ઇમરજન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ આપ્યો હતો, જ્યારે ઝાડ પડવાની 166 ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ કરી માર્ગો તાત્કાલિક ખુલ્લા કરાયા હોવાનો દાવો તંત્રએ કર્યો હતો.

શુક્રવારે પણ શહેરમાં વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરાકાવ થઈ ગયા હતા. થલતેજના મલાવ તળાવ વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જ્યારે પારસનગરમાં રિડેવલપમેન્ટ હેઠળની એક સોસાયટીની સેફ્ટી વોલ ધોધમાર વરસાદના કારણે ધસી પડી હતી. કર્ણાવતી ક્લબ પાછળના વિસ્તારના બંગલાઓમાં કેડસમાં પાણી ભરાતાં ફાયરની ગાડી પણ ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા જેસીબીની મદદ લેવી પડી હતી.


પાણી ભરાવાના કારણે દૂધના વાહનો કેટલાક વિસ્તારોમાં પહોંચી ન શકતાં લાખો અમદાવાદીઓની સવાર બગડી હતી અને દુકાનોમાં પણ પાણી ભરાતાં દૂધ-બ્રેડ જેવી ચીજોની તંગી સર્જાઈ હતી, જેના પગલે લોકોએ દૂધ પાર્લર અને ડેરી પર લાંબી લાઈનો લગાવી હતી. કરોડોના બંગલા ધરાવતા બોપલ સહિતના અનેક વિસ્તારો પાર્ક વિસ્તાર પણ પાણી-પાણી થઈ જતાં ત્યાંના રહેવાસીઓને બહાર કાઢવા આર્મીની 5 ટ્રક ટીમ બોટ સાથે ઉતારવી પડી હતી.

શહેરના વેજલપુર વિસ્તારમાં પણ દર વર્ષની જેમ તમામ રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ત્યાંના શ્રી નંદનગરમાં પાણી ભરાવાથી હજારો લોકોને અસર પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, જેમને બચાવવા બે બોટ અને લાઇફ જેકેટ સાથે 50થી વધુ આર્મી જવાનો મેદાનમાં ઉતર્યા હતા. આ ઉપરાંત નહેરુનગર નજીક સહજાનંદ કોલેજ રોડ પર પાંજરાપોળ ચાર રસ્તાથી નહેરુનગર તરફ જતા મુખ્ય માર્ગ પર બીઆરટીએસ ટ્રેક નજીક મોટો ભુવો પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશને સલામતી માટે બેરિકેટ લગાવ્યા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો નિકોલનો સંગાથ ચાર રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, અને છેલ્લા 5 વર્ષથી અહીં સતત 24 કલાકથી પાણી ભરાયેલા રહેવાની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

શહેરમાં વરસાદ બાદ આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે મનપા દ્વારા પાણીજન્ય રોગો અટકાવવા 71,431 ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મોબાઇલ મેડિકલ ટીમોને સતત કાર્યરત રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.  અંદાજે બાદ 46 હજારથી વધુ ઘરોની તપાસ કરીને અત્યાર સુધીમાં 1,784 ક્લોરીન ટેસ્ટ કરાયા હોવાનું તંત્રએ જણાવ્યું હતું. 

આ સાથે જ અમદાવાદ જિલ્લામાં પણ તંત્રએ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ધોળકાના ભગલપુર-લીલજપુર સ્થિત ડૉ. બી.આર. આંબેડકર કન્યા છાત્રાલયમાંથી 45 દીકરીઓ અને 2 સ્ટાફ સભ્યોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વિરમગામના જોગમાયાનગર વિસ્તારમાં ફસાયેલા આશરે 150 નાગરિકોને પોલીસની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. સાણંદના મોડાસર ગામમાં પ્રસુતિની નજીકના દિવસો ધરાવતી સગર્ભા મહિલાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ્બ્યુલન્સ મારફત સાણંદ ખાતે રિફર કરાઈ હતી, જ્યારે ધોળકાની એક  સોસાયટીમાં ફસાયેલા નાગરિકોને રેસ્ક્યૂ બોટની મદદથી બહાર કઢાયા હતા.

વિરમગામના ફૂલવાડી વિસ્તારમાં પણ ફસાયેલી ગર્ભવતી મહિલા અને નાના બાળકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બાવળાના ગેલપ્સ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં વિવિધ કંપનીઓના પ્લાન્ટમાં ફસાયેલા લોકોને બચાવવા એસડીઆરએફની ટીમે બોટ મારફતે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત સાણંદ-બાવળા હાઇવે પર ડિવાઈડર સુધી પાણી ભરાઈ જતાં માર્ગ અને મકાન વિભાગે જેસીબીની મદદથી ડિવાઈડર તોડી પાણીના ઝડપી નિકાલની કામગીરી કરી હતી, જેનાથી  વાહનવ્યવહારને પુનઃ સામાન્ય બનાવી શકાય.