Fri Jul 24 2026

Logo

મૅગીથી ભરેલી ટ્રક નદીમાં પડી: ડ્રાઈવરનું મોત

2026-07-24 21:06:24
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ: મૅગી નૂડલ્સનું ક્ધસાઈન્મેન્ટ લઈ જતી ટ્રક ધોધમાર વરસાદને કારણે બે કાંઠે વહેતી રત્નાગિરિની જગબુડી નદીમાં પડતાં ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની સાંજે બની હતી. છેલ્લા અમુક દિવસથી પડતા અનરાધાર વરસાદે રાજ્યના અનેક ભાગોને ધમરોળી નાખ્યા છે, જેને કારણે નદીઓમાં પૂર આવ્યાં છે.અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રક બ્રિજ પરથી આશરે 100 ફૂટ નીચે નદીના પાણીમાં પડી હતી. પાણીનો પ્રવાહ વેગીલો હોવાથી ટ્રક 400 મીટર સુધી તણાઈ ગઈ હતી અને ડ્રાઈવર અંદર જ ફસાઈ ગયો હતો.

બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ પાણીનું વહેણ જોરદાર હતું અને ઊંડું હતું. વળી, ટ્રકની સ્થિતિ એવી અગવડપૂર્ણ હતી કે ડ્રાઈવર સુધી સહેલાઈથી પહોંચી શકાયું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. કલાકોની જહેમત બાદ બચાવ કામગીરીમાં જોડાયેલાઓ ડૂબી ગયેલી ટ્રકમાંથી ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢી શક્યા હતા. મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. અકસ્માત ચોક્કસ કઈ રીતે થયો તેની તપાસ પોલીસ કરી રહી છે.