Fri Jul 24 2026

Logo

અમે દીકરીઓને પ્રેમથી જ ઉછેરતા હતા, કોઈ ભેદભાવ ન હતોઃ ઢોસાકાંડમાં પિતાનું નિવેદન

2026-04-16 15:41:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરના ચર્ચાનો વિષય બનેલા ઢોસાકાંડમાં બન્ને દીકરીનાં પિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણે ફરી બજારમાંથી લીધેલા ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ તબિયત લથડી અને બે દીકરીના મોત થયા હોવાનું જ કહ્યું હતું. 

આ કેસમાં તપાસ દરમિયાન ઘણી વિસંગગતાઓ જોવા મળી છે અને દીકરાના મોહમાં કે અન્ય કોઈ કારણોને લીધે દીકરીઓના મોત થયા હોવાની એક થિયરી ચર્ચાયા કરે છે ત્યારે પિતા વિમલ પ્રજાપતિના જણાવ્યા અનુસાર પોતે ખૂબ જ આઘાતમાં છે અને દીકરીઓને બચાવી ન શક્યાનો તેમને વસવસો છે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે દીકરીઓનું પોસ્ટમોર્ટમ કરવાની માગણી તેમણે પોલીસ સમક્ષ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અઢી મહિનાની રાહાનો દાટેલો મૃતદેહ પોલીસે પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢ્યો હતો. 

ઢોસા ખાધા બાદ માતા-પિતાની તબિયત પણ ખરાબ થઈ હતી. બંનેને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ એક પછી એક તેમને પોલીસ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, અહીં તેમણે ઢોસાનું ખીરું ખરાબ હોવાનું જ રટણ કર્યું હતું. 

વિમલે એમ પણ જણાવ્યું હતું કે અમે દીકરીઓ સાથે ઘરમાં કોઈ ભેદભાવ ન હતો રાખ્યો અને તેમની પૂરતી દેખભાળ કરતા હતા. મારા માતા-પિતા પણ તેમનું ધ્યાન રાખતા હતા. આ ઘટના બાદ મારા માતા અને પત્ની શોકમાં છે. આ ઘટના અંગે ઘણા તર્કવિતર્ક ચાલી રહ્યા છે ત્યારે વિમલ પ્રજાપતિએ કહ્યું હતું કે આ પ્રકારની અફવાઓ અમારા દુઃખને વધારી રહી છે. કોઈ પુરાવા વિના જેમ ફાવે તેમ લોકો બોલી રહ્યા છે. મારા પરિવારને જે નુકસાન થયું છે તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ તેણે કર્યો હતો. 

1લી એપ્રિલે ઘનશ્યામ ડેરીમાંથી લાવેલા ખીરાના ઢોસા ખાધા બાદ આ સ્થિતિ સર્જાઈ હોવાના તેના દાવાઓ બાદ ઘણા સવાલો ઊભા થાય હતા. સૌ પ્રથમ તો આ ડેરીમાંથી અન્ય સેંકડો કસ્ટમર  ખીરું લઈ ગયા હતા, તેમાંથી કોઈની કોઈ ફરિયાદ આવી ન હતી. આ સાથે અઢી મહિનાની બાળકી ઢોસો કઈ રીતે ખાઈ, નાની બાળકીનું મોત થયું તો પરિવારે પોલીસને જાણ કર્યા વિના તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સાથે બાળકીઓના દાદા-દાદીના નિવેદન પોલીસને ગળે નથી ઉતરતા. આ બધા વચ્ચે એફએસએલ અને વિસેરાનો અહેવાલ ચિત્ર સ્પષ્ટ કરશે, તેમ લાગી રહ્યું છે.