મુંબઈઃ મલ્ટી ટેલેન્ટેડ આદિત્ય નારાયણે સંગીતક્ષેત્રે સારૂ એવું નામ કમાયું છે. ઈન્ડિયન આઈડલ અને સારેગામાપાના મંચ પરથી એન્કર તરીકે સ્થાયી થયા બાદ સંગીત ક્ષેત્રમાં જ આગળ નામ કમાવવા માટે એમના પ્રયાસો રહ્યા. પણ ઘણા ઓછા લોકોને એ વાતની જાણ હશે કે, 'પરદેશ' જેવી ફિલ્મમાં આદિત્યએ એક બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું છે.
હકીકત એ પણ સ્વીકારવી પડે કે, પિતા ઉદિત નારાયણ જેટલી ઊંચાઈ ન તો ગાયીકી ક્ષેત્રે મળી ન તો સંગીત ક્ષેત્રે. પોતાના પિતાના બેનરનો ખાસ કોઈ ઉપયોગ કર્યા વગર અલગ ઓળખ પ્રાપ્ત કરી છે. નાનપણથી જ રીયાઝ અને સંગીતના સૂરનું જ્ઞાન લઈને ગાવાનું શરૂ કરી દીધું હતું. સાત વર્ષની ઉંમરમાં તેણે એક નેપાળી ફિલ્મ માટે ગીત ગાયું હતું. સંગીત વારસામાં મળ્યું પણ સફળતાની ઊઁચાઈ ખાસ પ્રાપ્ત ન થઈ.

નેપાળી ફિલ્મથી ગાવાનો ચાન્સ મળ્યો
વર્ષ 1994માં આવેલી ફિલ્મ 'મોહિની' માટે તેણે પહેલીવાર ગીતને પોતાનો કંઠ આપ્યો હતો. એ પછી ઉદિતને મળેલા અસાઈમેન્ટ 'અકેલે હમ, અકેલે તુમ'માં સાઈડ સિંગર તરીકે ગાવાનો ચાન્સ મળ્યો. પણ એની સંગીતની સૂરીલી સફરમાં એક ગીત એવું રહ્યું જેનાથી તેને એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકેની ઊંડી છાપ છોડી. આ ગીત હતું 'છોટા બચ્ચા જાન કે હમકો ના સમજાના રે'આ ફિલ્મ હતી 'માસુમ' જે વર્ષ 1996માં આવી હતી. માત્ર 'પરદેશ'માં નહીં પણ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' માં સલમાન ખાન સાથે પણ બાળ કલાકાર તરીકે આદિત્ય એ કેમેરા સામે બેસ્ટ એક્ટિંગ કરી છે. એ પછી વર્ષ 2010માં 'શાપિત' ફિલ્મમાં લીડ એક્ટર તરીકેનો પણ ચાન્સ મળ્યો. પણ આ ફિલ્મ એના ઓવરઓલ ફિલ્મી કરિયરમાં શાપિત જ સાબિત થઈ.

ખરાબ રીતે પીટાઈ ગઈ. શ્વેતા અગ્રવાલ સાથે એનું ટ્યુનિંગ ફેન્સને બિલકુલ પસંદ ન આવ્યું. બેક ટુ મ્યુઝિક ઝોન. એ સમયે 'ઈડિયન આઈડોલ' સીઝન શરૂ થઈ રહી હતી એમાં એન્કર તરીકે ચાન્સ મળ્યો અને પૈસા બચી ગયા. નામ મોટું થઈ ગયું. પછીથી ઓફ સ્ક્રિનમાં શ્વેતા જ એમની જીવનસાથી બની અને કેમેરા સિવાની રીયલ ફ્રેમમાં તેઓ એકબીજાથી ખૂબ નજીક આવ્યા. ટ્યુનિંગ સ્વીકારી લીધું.

18 વર્ષની ઉંમરે મળ્યું મોટું સ્ટેજ
પહેલીવાર જ્યારે સારેગામાપા માં કામ કરવાનો ચાન્સ મળ્યો એ સમયે તેની ઉંમર 18 વર્ષની હતી. હોસ્ટ તરીકે એની સ્ક્રિપ્ટિંગ અને શૈલી લોકોએ સ્વીકારી. અહીંયાથી એક અલગ ઓળખ મળી અને કામ પણ મળ્યું. એ પછી આવી ફિલ્મ 'રામલીલા' જેના એક ગીતે રણવીરને સ્ટાર અને આદિત્યને સિંગિગ સ્ટાર બનાવી દીધો. આ ગીત હતુ 'રામજી કી ચાલ દેખો, કરે યે કમાલ દેખો'. એન્કર તરીકેની હાજરજવાબી અને સ્ટેજ અવેરનેસથી તેણે ઈડિયન આઈડલ જેવી મોટી સીઝન પણ હોસ્ટ કરી અને પર એપિસોડથી કમાણી પણ કરી.
વાત જ્યાં ગાયિકીની કરવામાં આવે તો ઉદિત સામે તેનો પનો ટૂંકો પડે. ઉદિત નારાયણના છોકરા તરીકેની ફ્લેર એને બોલિવૂડમાં કામ માટે તો લઈ ગઈ પણ નામ માટે ઉદિત જેવો કંઠ ન મળ્યો. લોકપ્રિયતા ટીવી ક્ષેત્રે મળી, સફળતા પણ મળી અને પૈસા પણ મળ્યા. એન્કર અને હોસ્ટ ક્ષેત્રે સ્થાપિત થયા બાદ મ્યુઝિકલ અસાઈમેન્ટ પર કામ કરવાનું બંધ થયું એ કારણ પણ માનવમાં આવે છે કે, આદિત્યને એ સ્ટેજ ન મળ્યું જે એના પિતાને મળ્યું.
આ વિવાદ કોઈ નહીં ભૂલે
ગાયિકીના સૂરની જાણ હોવા છતા સંગીત ક્ષેત્રે ન પ્રાથમિકતા મળી ન કરિયરમાં ફાયદો થયો. પણ ટીવીની દુનિયામાં સંગીતના ઝોનમાંથી જે નામ કમાયું એવું અગાઉ કોઈએ કમાયું નથી. ખૂબ ઓછા સોલો પણ ટીવી ક્ષેત્રના કાર્યક્રમમાં બેસ્ટ ગીત લલકારીને પણ અનોખો રેકોર્ડ બનાવી દીધો છે. ઉદિત જે ફેમ, ફ્રેમ અને ફોર્મમાં છે એમાં આદિત્ય નારાયણ નથી એમ કહેવા કરતા ટીવી ક્ષેત્રે સંગીતની દુનિયામાં આદિત્ય જેવું નામ બીજુ કોઈ નથી. સફળતા દરેકને પચે નહીં એમ પોતાના હોવાપણાનો અપચો આદિત્યને પણ થયેલો.

રાયપુરમાં એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સના વર્કરને ધમકી આપી બેઠો. એક કોન્સર્ટમાં લાફાવાળી કરી. કેટલાક ફિમેલ સિંગર જે કરિયર બનાવવા આવે છે એની સાથે પણ એનું નામ ચર્ચામાં રહ્યું. આમ વિવાદ સાથે પણ મોટો અને સીધો નાતો રહ્યો.