Tue Aug 18 2026

Logo

સૌરાષ્ટ્રના આ શહેરમાં હડકાયુ કૂતરું એટલાં લોકોને કરડ્યું કે તાત્કાલિક બહારથી હડકવાની રસીઓ મંગાવવી પડી !

2026-08-14 09:33:00
Author: Mumbai Samachar Team
Article Image

ધોરાજીઃરાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રખડતા પશુઓ બાદ હવે હડકાયા શ્વાનનો ભારે આતંક સામે આવ્યો છે. શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારથી જ એક હડકાયા શ્વાને આતંક મચાવી રાહદારીઓ તેમજ અબાલ-વૃદ્ધો સહિત 15 થી 18 લોકોને બચકાં ભરતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ઘટના બનતાં જ સ્થાનિકો અને પરિવારજનો દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપી એન્ટિ-રેબીઝ ઇન્જેક્શન અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. કેટલાક ઈજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

રખડતા ઢોર અને પશુઓની સમસ્યાથી લોકોને ભારે હાલાકી 

એક તરફ ધોરાજીમાં રખડતા ઢોર અને પશુઓની સમસ્યાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હડકાયા શ્વાનના આતંકથી લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ બનાવ અંગે સરકારી હોસ્પિટલના અધિકારીઓ દ્વારા ધોરાજી નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોમાં પાલિકાની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હડકાયા શ્વાનને તાત્કાલિક પાંજરે પૂરવા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે..