Wed Aug 19 2026

Logo

ગઢચિરોલીમાં પૂરના કારણે 6 ગામ સંપર્કવિહોણા: ગર્ભવતીને બળદગાડામાં હોસ્પિટલ પહોંચાડી

2026-08-02 16:30:36
Author: Mumbai Samachar Team
Article Image

ગઢચિરોલી: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતમાં વરસાદનું જોર વધ્યું છે, જેને કારણે મોટી જાનહાનિના સમાચાર છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સિરોચા તાલુકાના ગ્રામ પંચાયત ગુમાલકોંડા હેઠળ આવતા ગુમાલકોંડા, મુક્તાપુર, સોમનૂર, મુકીડીગુત્તા, જૂના સોમનૂર અને નવા સોમનૂર ગામો ભારે વરસાદના કારણે સંપર્કવિહોણા બન્યા હતા. મુત્તાપુરનો પુલ ડૂબી જતા અવરજવર ઠપ બની હતી, જેથી સમગ્ર ગ્રામીણોના જનજીવન પર માઠી અસર પડી હતી. 

સ્થિતિની ગંભીરતા જોતા એવો અંદાજ લગાવી શકાય કે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઇ જવા એમ્બ્યુલન્સ પણ પહોંચી શકી નહોતી. જોકે, પુલ પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામીણોએ મોટું જોખમ લઈને આ મહિલાને બળદગાડાની મદદથી સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડી હતી. 

બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી 

ગ્રામ્યજનોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં પુલ ડૂબ્યા બાદ દર્દીઓની સારવાર માટે સિરોંચા ઉપજિલ્લા હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલી પડી જાય છે. કોઈ પણ સમયે દર્દીઓની તબિયત લથડતા આપાતકાલીન સ્થિતિ ઉત્પન્ન થતા લોકોના સ્વાસ્થ્ય પર જોખમ આવી શકે છે. વરસાદ અને પુલ ડૂબવાના કારણે સરકારી કામકાજ, વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્કૂલ અવરજવર, જરૂરી સેવાઓ, બજાર અને ગ્રામીણોના દૈનિક જીવન પર પણ વ્યાપક અસર થઈ હતી. 

ઊંચો પુલ બનાવવાની માગ 

ગ્રામીણો દ્વારા શાસન અને પ્રશાસનને મુક્તાપુરમાં ઊંચા પુલના નિર્માણ માટે અને દરેક ઋતુમાં અવરજવર સુગમ બને તે માટે માર્ગવ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની માગ કરવામાં આવી છે. આ સાથે ચેતવણી આપવામાં આવી કે જો તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવી તો તીવ્ર આંદોલન કરવામાં આવશે. આ માંગને લઈને દેવીદાસ લટકરી, ઇન્દ્રકુમાર ગોગુલા, રમેશ જંગમ, હાર્યત કુમારી, શ્રીનિવાસ જંગમ સહિત અન્ય ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ તાત્કાલિક કડક પગલાં ઉપાડવા નિર્દેશ આપ્યો છે. 

મોટી દુર્ઘટનાનું જોખમ 

સ્થાનિકોએ પ્રસાશનને તાત્કાલિક ક્ષતિગ્રસ્ત સ્થળનું નિરીક્ષણ કરી મુત્તાપૂરમાં ઊંચો પુલ અને બારમાસી માર્ગ ઉપલબ્ધ કરવાની માગ કરી હતી. ગ્રામીણ લોકોએ શંકા વ્યક્ત કરી કે જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.