ભુજઃ આગવી વન્યજીવ સંપદા ધરાવતા ભાતીગળ કચ્છ જિલ્લામાં વન્યજીવ સંરક્ષણની દિશામાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક સફળતા મળી છે. જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર વન વિભાગ અને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર્સની ટુકડીએ કોઈ એક જ સ્થળેથી એકસાથે ૬ જેટલા મહાકાય મગરોને જીવના જોખમે સુરક્ષિત રીતે બચાવી લીધા છે. ગજોડ ડેમનો વિસ્તાર સુકાઈ જતાં કાદવ-કીચડમાં ફસાયેલા આ મગરોને ભારે જહેમત બાદ ઊંડા પાણીમાં મુક્ત કરવામાં આવ્યા છે.
સિંચાઈ વિભાગ દ્વારા કેરાના ફોરેસ્ટર દિનેશભાઈ ગોજિયાને ગજોડ ડેમના ડાબા કાંઠાના સુકાઈ ગયેલા વિસ્તારમાં મગરો ફસાઈ ગયા હોવા અંગેની જાણકારી પ્રાપ્ત થઇ હતી. 'ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨' ના શેડ્યૂલ-૧ હેઠળ મગર સંરક્ષિત પ્રાણી હોવાથી, દક્ષિણ કચ્છ વન વિભાગના આર.એફ.ઓ. નરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક બચાવ કામગીરીનું આયોજન કરાયું હતું. વન વિભાગની ટુકડી સાથે માન્ય સરિસૃપ નિષ્ણાત અને રેસ્ક્યુઅરે તપાસ કરતાં કાદવમાં ૧૦ ફૂટ લાંબો એક મહાકાય મગર, ૮ ફૂટના ત્રણ મગર અને ૫ ફૂટના બે મગરો મળી આવ્યા હતા. કોઈપણ વન્યજીવને ઈજા ન પહોંચે તે રીતે અત્યંત સિફતપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. સતત ૪ કલાકની ભારે જહેમત અને દિલધડક ઓપરેશન બાદ તમામ ૬ મગરોને પાંજરામાં પૂરવામાં સફળતા મળી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, મારા અત્યારસુધીના જીવનના આ સૌથી મોટા ઓપરેશનમાં ૧૦ ફૂટના મગરને શાંત કરવા સૌપ્રથમ તેની આંખ પર પટ્ટી બાંધવામાં આવી હતી. મગર શાંત થતાં જ વન વિભાગની ટુકડીના એક સભ્યએ પૂંછડી, બીજાએ પીઠ અને મેં મોઢું બાંધી લીધું હતું. તમામ મગરોને સલામત સ્થળે ઊંડા પાણીમાં છોડતી વખતે ખાસ તકેદારી રખાઈ હતી. વન-ટુ-થ્રી કમાન્ડને અનુસરીને પહેલાં મગરોના પગ મુક્ત કરાયા, ત્યારબાદ તેમની આંખની પટ્ટી ખોલીને એક પછી એક નદીના ઊંડા પાણીમાં જવા દેવાયા હતા. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીને વન્યજીવ પ્રેમીઓએ બિરદાવી હતી.
(ઉત્સવ વૈદ્ય)