Tue Aug 25 2026

Logo

2008માં રેલવે પરીક્ષા વખતે હુમલાનો કેસ: થાણે કોર્ટે આદેશ 21 મે સુધી અનામત રાખ્યો

2026-05-18 19:59:00
Author: Yogesh D. Patel
2008માં રેલવે પરીક્ષા વખતે હુમલાનો કેસ: થાણે કોર્ટે આદેશ 21 મે સુધી અનામત રાખ્યો

થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2008માં કલ્યાણ સ્ટેશન પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો દ્વારા રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડના પરીક્ષાર્થીઓ પર હુમલા સંબંધી કેસમાં આદેશ 21 મે સુધી અનામત રાખ્યો હતો.આ કેસમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત આઠ લોકોનાં નામ આરોપી તરીકે છે. કેસની સુનાવણી દરમિયાન બે જણનાં મૃત્યુ થયાં હતાં.

તપાસકર્તા પક્ષ તેમ જ બચાવ પક્ષની અંતિમ દલીલો સાંભળ્યા બાદ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ અભિજિત કુલકર્ણીએ મામલો 21 મે સુધી આદેશ માટે મુલતવી રાખ્યો હતો.રાજ ઠાકરે તથા અન્ય આરોપીઓ વતી હાજર એડવોકેટ શૈલેશ સાદેકર, સયાજી નાગરે અને શુભમ કાનાડેએ દલીલ કરી હતી કે તપાસકર્તા પક્ષનો કેસ ‘પાયાવિહોણો’ અને વિરોધાભાસતી ભરેલો છે.

તેમણે દલીલ કરી હતી કે ચાર્જશીટ અથવા મૌખિક પુરાવા કથિત બનાવ સમયે ઘટનાસ્થળે રાજ ઠાકરેની હાજરી પુરવાર કરી શકતા નથી. તેમણે એવી પણ દલીલ કરી હતી કે તપાસકર્તા પક્ષ રાજ ઠાકરે દ્વારા કથિત રીતે કરવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણો અંગે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો છે. તપાસકર્તા પક્ષના સાક્ષીઓ પણ આરોપીઓને ઓળખી શકયા નહોતા.

તેમણે વધુમાં દલીલ કરી હતી કે તપાસકર્તા પક્ષે દાવો કર્યો હતો કે લગભગ 150 વિદ્યાર્થીઓ રેલવે પરીક્ષામાં હાજર રહ્યા હતા, પરંતુ કોર્ટ સમક્ષ પ્રવેશપત્ર, ઓળખના પુરાવાઓ અથવા સંબંધિત રેકોર્ડ રજૂ કરવામાં આવ્યા નહોતા. (પીટીઆઇ)