રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ રાજ્યમાં ફરી એક વખત ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં ગત મોડી રાત્રે એક સાથે 12 મંદિરો પર બુલડોઝર ફેરવીને તોડી પડાયાં હતા. જેમાંથી 8 મંદિર તો હનુમાનજીનાં જ હતા.
આ 12 મંદિર પર ફરી વળ્યું બુલડોઝર
1. શ્રી હનુમાનજી મંદિર — શ્રીનાથજી કૃપા, વિકાસ વૃંદાવન સાથે, ઉદય નગર-2, શેરી નં.13, મવડી રાજકોટ
2. શ્રી કસ્તભંજન હનુમાન મહારાજ મંદિર — ઉદય નગર-2, શેરી નં.17, મવડી, રાજકોટ
3. શ્રી કાળીયા હનુમાનજી મંદિર — ભક્તિનંદ એપાર્ટમેન્ટની બાજુમાં, જ્યોતિ કોમ્પલેક્ષની સાથે, ઉદયનગર-19, મવડી મેઈન રોડ, રાજકોટ
4. શ્રી જય બાલાજી મંદિર — માનસ સ્ક્વેર (જય ભવાની જવેલર્સ), મવડી મેઈન રોડ, રાજકોટ
5. શ્રી હનુમાનજી મંદિર — માયાણી ચોક, બકુલબેન શાપિંગ સેન્ટર, રાજકોટ
6. શ્રી હનુમાનજી મંદિર — માયાણી ચોકની બાજુમાં, રાજકોટ
7. માતાજી મંદિર — આર.એમ.સી. વેસ્ટ ઝોન રોડની બાજુમાં, ચંદ્ર પાર્ક, ચૌરસિયા, નાનામવા, રાજકોટ
8.હનુમાનજીની દેરી,12 મીટર ટી.પી. રોડ
9. હનુમાનજીની દેરી — અપાર્ટમેન્ટ વાળી શેરી નં.2, યોગીનગર મેઈન રોડ, દેશા ચૌકી પાસે, રાજકોટ
10. માપા સાહેબ-મેલડીમાં મંદિર — માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ
11. અંબાજી મંદિર - પવળપુર હનુમાન મંદિર — માયાણી આવાસ યોજના, ગોકુલ ગ્રીનલેન્ડ રેસીડન્સી પાસે, રાજકોટ
12. ઉદ્યાનપાલની મેલડીમાં મંદિર — વિકાસનગર-3, માયાણી આવાસ યોજનાના બાજુમાં, રાજકોટ
વહેલી સવાર સુધી ચાલ્યું ઓપરેશન
રાજકોટ મહાનગરપાલિકાદ્વારા શહેરના ટ્રાફિકને નડતરરૂપ એવા ધાર્મિક દબાણો દૂર કરવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ કે ઘર્ષણ ન થાય તે માટે તંત્રએ રાત્રે 1:30 થી વહેલી સવારે 5 વાગ્યા સુધી આ ઓપરેશન ચલાવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ 9 મંદિરો તોડી પાડવાનું આયોજન હતું.આ કામગીરી માટે પોલીસ ઇન્સ્પેક્ટર, 5 PSI અને 60 જેટલા પોલીસ જવાનો સાથે PGVCL અને ફાયર વિભાગની ટીમો તૈનાત રહી હતી.
લોકોએ કર્યો વિરોધ
આ દરમિયાન મવડી ચોક પાસે આવેલા વર્ષો જૂના કેસરિયા હનુમાન મંદિરને તોડવા જ્યારે તંત્ર પહોંચ્યું, ત્યારે મામલો ગરમાયો હતો.નોટિસની જાણ થતા જ સ્થાનિક યુવાનો અને લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને રસ્તા પર બેસીને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.વહેલી સવારે 4 વાગ્યે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ભારે રકઝક થઈ હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે મંદિર નડતરરૂપ નથી. આખરે સ્થાનિકોએ ખાતરી આપી કે તેઓ આગામી 48 કલાકમાં મંદિરને જાતે જ નાનું કરી દેશે. આ ખાતરી બાદ તંત્રએ આખું મંદિર તોડવાને બદલે માત્ર રસ્તા પરનો ઓટો (ચોતરો) બુલડોઝરથી તોડી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.10 અને વોર્ડ નં.11માં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા ત્રણ દિવસ પહેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.