Tue Sep 15 2026

Logo

"લી. હું આવું છું": એ પત્રથી કોલકાતાના વૈભવને ઠોકર મારી મેઘાણીએ સોરઠની ધૂળને વહાલી કરી!

2026-03-09 10:48:00
Author: Devayat Khatana
"લી. હું આવું છું": એ પત્રથી કોલકાતાના વૈભવને ઠોકર મારી મેઘાણીએ સોરઠની ધૂળને વહાલી કરી!

ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યની વાત ઉખેરવામાં આવે ત્યારે તે વાત એક નામ વિના ક્યારેય પૂરી થઈ શકે નહિ અને તે છે રાષ્ટ્રીય શાયર તરીકે પોંખાયેલા ઝવેરચંદ મેઘાણી. મેઘાણીએ માત્ર સૌરાષ્ટ્રના લોકને લિખિત સ્વરૂપ નથી આપ્યું પરંતુ સૌરાષ્ટ્રના લોક જીવનને, લોક સાહિત્યને સ્વાભિમાન ભરેલું અસ્તિત્વ આપ્યું છે. ગુજરાતી સાહિત્ય માટેનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રકથી જ્યારે મેઘાણીને એનાયત થયો ત્યારે તે સન્માન માત્ર મેઘાણીનું નહિ પણ સમગ્ર સૌરાષ્ટ્રના લોક જીવનનું હતું. આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ છે. 

જ્યારે વાત ઝવેરચંદ મેઘાણીની કરીએ ત્યારે તેના જીવનનો એક સૌથી અમૂલ્ય ભાગ છે તેનું કાઠીયાવાડમાં પુનઃ આગમન. કારણ કે કોલકાતામાં નોકરી માટે ગયેલા મેઘાણીનો જીવ કાઠીયાવાડના લોક જીવનથી ઘેરો રંગાયેલો હતો. કોલકાતા ગયા, ત્યાં જઈને બંગાળી શીખ્યા, ટાગોરના સાહિત્યના રસિક બન્યા પણ અંતે તેમની હ્રદયની પોચી ભૂમિ પર કાઠીયાવાડના લોકજીવનની સોડમ એટલી હદે મહેકી ઉઠી કે તેમણે તેના જીવનનો સૌથી અઘરો કહી શકાય તેવો નિર્ણય કર્યો અને તે હતો કોલકાતાને છેલ્લા રામરામ કરવાનો. આ નિર્ણય બાદ તેમણે તેમના મિત્ર ગુલાબચંદ વખારીયા પર એક ઐતિહાસિક પત્ર લખ્યો, એ પત્ર એટલે "લી. હું આવું છું."

વર્ષ 1921માં લખેલા આ પત્રમાં કોલકાતા છોડવાની જે વાત મેઘાણીએ કરી છે તે ખાસ વાંચવા જેવી છે.  "મેઘાણીના પત્રજીવન" પુસ્તકમાં આ પત્ર સ્થાન પામેલો છે. અહી એ પત્રના મુખ્ય અંશો મૂકેલા છે. 

"આખરે તો મારે જ હાર માનવી પડી. મનમાં ઘણુંયે એમ હતું કે બરાબરની રિસાઈ જાઉં, મને બોલાવો તે પણ બોલું નહીં, પણું એ બાળકનું કામ તે મારાથી થયું નહીં, થઈ શક્યું નહીં.

"એક અદશ્ય હાથની ઈશારત જેઈ રહ્યો છું, અને જવાબ આપું છું કે “આવું છું, આવું છું.”...

હું ફરી વાર કહું છું કે તમે આ વાતો સમજશે નહીં. બે વરસ પહેલાં હું પોતે ૫ણુ ન સમજી શક્ત. દરમ્યાન નવા જીવનની છોળી આવી છે. છવનનો ગંભીર ધ્વનિ કાને પડ્યો છે. એક અદૃશ્ય હાથની ઈશારત હું મારી સામે જેઈ રહ્યો છું અને જવાબ આપું છું કે “આવું છું, આવું છું.” મને ઘણુંય એમ થાય છે કે મારી વાતને હું એક બાળકની બોબડી ભાષામાં સ્પષ્ટ કરું, અલંકાર કે શણગાર બધા અળગા કરી નાખું, પણ એ ફરી વાર બાળક ક્યાંથી બનાય? ભાષાની અંદર વ્યાપી ગયેલો ડોળડામાક ક્યાંથી છોડાય? એ ડામાક જીવનનો છે, માત્ર ભાષાનો નથી.

આજ લખ્યા જ કરુ, મારા જીવનની એક નાની સરખી લીટી સમજાવવા આજ ઉલટાવી–પલટાવીને લખ્યા જ કરું, પણ સ્પષ્ટ નહીં કરી શકું. હું જુદા દેશની વાણી બોલું છું. તમે એ ન પણુ સમજી શકો.

અંધારું થતું જાય છે. ગોધુલિને વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનેો ગંભીર અવાજ કાને પડે છે, મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ–બે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગધુલિને સમયે, અંધકારને પ્રકાશની મારામારીને વખતે, મારી ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું. હું બંધુહીન નથી એમ કહેવા દેજે. વધુ શું?
લિ. હું આવું છું.