Tue Sep 08 2026

Logo

સુરતના યુવકે અમેરિકા રહેતી NRI મહિલાને પ્રેમજાળમાં ફસાવી લાખોની છેતરપિંડી કરી...

2026-02-18 22:50:49
Author: Chandrakant Kanoja
સુરતના યુવકે અમેરિકા રહેતી NRI મહિલાને પ્રેમજાળમાં ફસાવી લાખોની છેતરપિંડી કરી...

સુરત: સુરતના રામપુરા વિસ્તારમાં રહેતા એક શખ્સે અમેરિકા સ્થિત મૂળ ગુજરાતી NRI મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લાખોની છેતરપિંડી આચરી હોવાનો ગુનો નોંધાયો હતો. આ વિધર્મી યુવકે યુવતીને પહેલા તો ધર્મપરિવર્તન કરાવ્યું હતું. આરોપી એઝાઝ પટેલે વીડિયો કોલ દ્વારા લગ્ન કરી મહિલા પાસેથી 60 લાખ રોકડા અને 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

એઝાઝે તેને પ્રેમજાળમાં ફસાવી હતી

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ હિંમતનગરની વતની 40 વર્ષીય મહિલા વર્ષ 2014માં હૈદરાબાદના એક આઈ.ટી. એન્જિનિયર સાથે લગ્ન કરી 2018માં અમેરિકા સ્થાયી થઈ હતી. આ દરમિયાન તે પોતાની પુત્રી માટે સુરતના G-3 શો રૂમમાંથી ઓનલાઇન કપડાં મંગાવતી હતી. ત્યાં નોકરી કરતા એઝાઝ સલીમ પટેલ સાથે તેનો ફોન પર પરિચય થયો હતો. તેવામાં વર્ષ 2020માં મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થતાં એઝાઝે તેને પ્રેમજાળમાં ફસાવી હતી.

મે-2024માં તેમણે વીડિયો કોલ દ્વારા લગ્ન કર્યા હતા

વર્ષ 2024માં એઝાઝ મહિલાને સાઉદી અરેબિયા લઈ ગયો હતો, જ્યાં દબાણપૂર્વક તેનું ધર્મપરિવર્તન કરાવી તેને મુસ્લિમ બનાવી દીધી હતી. ત્યારબાદ તે મહિલા સાઉદીથી અમેરિકા ગઈ અને એઝાઝ ભારત આવ્યો હતો, ત્યારબાદ મે-2024માં તેમણે વીડિયો કોલ દ્વારા લગ્ન કર્યા હતા. વર્ષ 2025માં બંને ઇન્ડોનેશિયામાં મળ્યા હતા, જ્યાં એક હોટલમાં સાત દિવસ રોકાણ દરમિયાન એઝાઝે મહિલા પાસે મિલકતની માંગણી શરૂ કરી હતી.

18 તોલા સોનાના દાગીના પણ સુરત મંગાવી લીધા હતા

પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, એઝાઝે અલગ-અલગ બહાને તેની પાસેથી કુલ 60 લાખ રૂપિયા પડાવ્યા હતા. એટલું જ નહીં, અમેરિકા દાગીના પહોંચાડવાના બહાને મહિલાના ભાઈ પાસેથી 18 તોલા સોનાના દાગીના પણ સુરત મંગાવી લીધા હતા. આ ઉપરાંત, મહિલાનો હૈદરાબાદમાં આવેલો ફ્લેટ પચાવી પાડવાના ઈરાદે તેની ચાવીઓ પણ મેળવી લીધી હતી.

ગુનો નોંધી ધરપકડ કરી

મહિલા હાલ અમેરિકામાં હોવાથી તેના હિંમતનગર રહેતા મોટા ભાઈએ આ સમગ્ર મામલે હિંમતનગર અને સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે રામપુરાના છડાઓલ ખાતે રહેતા આરોપી એઝાઝ સલીમ પટેલ વિરુદ્ધ ખંડણી, છેતરપિંડી અને ધર્મપરિવર્તન સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.