Thu Sep 03 2026

Logo

ફિટ રહેવા માટે જીમ જરૂરી નથી, બસ ખાલી આટલી આદત જ કાફી છે....

2026-02-20 22:34:00
Author: Devayat Khatana
ફિટ રહેવા માટે જીમ જરૂરી નથી, બસ ખાલી આટલી આદત જ કાફી છે....

આધુનિક જીવનશૈલીમાં બેઠાડું કામ, ઓછી શારીરિક કસરત અને અસંતુલિત આહારના કારણે મેદસ્વિતાની સમસ્યા ઝડપથી વધી રહી છે. મેદસ્વિતા માત્ર દેખાવને અસર કરતી સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, ઉચ્ચ રક્તચાપ, સાંધાના દુખાવા અને અન્ય લાંબા ગાળાના રોગોના જોખમને પણ વધારતી ગંભીર આરોગ્ય સમસ્યા છે. તેથી સમયસર સચેત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અત્યંત જરૂરી બની જાય છે.

નિયમિત ચાલવું સ્વસ્થ રહેવાનો સૌથી સરળ, સુરક્ષિત અને સસ્તો ઉપાય માનવામાં આવે છે. દરરોજ ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ સુધી તેજ ગતિએ ચાલવાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી ઘટાડવામાં મદદ મળે છે, રક્તસંચાર સુધરે છે અને હૃદય મજબૂત બને છે. ચાલવાથી શરીરની ઊર્જા વધે છે, પાચનક્રિયા સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે સાથે નિયમિત ચાલવાથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે, મન પ્રસન્ન રહે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે.

ચાલવાની ખાસ વાત એ છે કે તેમાં કોઈ વિશેષ સાધનો, ખર્ચ અથવા જટિલ તાલીમની જરૂર પડતી નથી. નાના-મોટા દરેક વયના લોકો પોતાના દૈનિક જીવનમાં સરળતાથી ચાલવાની આદત વિકસાવી શકે છે. લિફ્ટની જગ્યાએ સીડીઓનો ઉપયોગ, નજીકના અંતર માટે વાહનના બદલે પગપાળા જવું અને સવારે કે સાંજે નિયમિત ફેરફાર કરવો જેવી નાની નાની આદતો લાંબા ગાળે મોટા આરોગ્યલાભ આપે છે.

નિયમિત ચાલવાની સરળ આદત અપનાવીને આપણે માત્ર મેદસ્વિતાથી જ નહીં પરંતુ અનેક ગંભીર રોગોથી પણ બચી શકીએ છીએ. સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર અને દૈનિક શારીરિક સક્રિયતા દ્વારા વ્યક્તિગત આરોગ્ય સાથે નિરોગી ભવિષ્યનું નિર્માણ શક્ય બને છે.

(સૂચના: અત્રે આપવામાં આવેલી ટિપ્સ માત્ર સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.)