Mon Oct 05 2026

Logo

UPમાં ચૂંટણી! પીએમ મોદી અને સીએમ યોગી વચ્ચે દિલ્હીમાં સવા કલાક સુધી ચાલી બેઠક

2026-09-26 18:16:03
Author: Devayat Khatana
UPમાં ચૂંટણી! પીએમ મોદી અને સીએમ યોગી વચ્ચે દિલ્હીમાં સવા કલાક સુધી ચાલી બેઠક

નવી દિલ્હી: દેશમાં એકતરફ ચૂંટણી પંચ પર થયેલા આક્ષેપો બાદ વિરોધ પક્ષ એક થવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં  હલચલ જોવા મળી રહી છે. આ દરમિયાન નવી દિલ્હી ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે આ બેઠક લગભગ સવા કલાક સુધી ચાલી હતી. આ મુલાકાતને લઈને સત્તાવાર રીતે કોઈ મોટું નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ ઉત્તર પ્રદેશમાં આગામી સમયમાં યોજાનારી રાજ્યસભા અને વિધાનસભા પરિષદની ખાલી બેઠકોની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ખૂબ જ વધી ગયો છે.

રાજ્યમાં હાલમાં રાજ્યસભાની 10 અને વિધાન પરિષદની 11 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. વર્તમાન વિધાનસભ્યોની સંખ્યાબળને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) આરામથી 8 સાંસદો અને એટલા જ MLC જીતાડવાની મજબૂત સ્થિતિમાં છે. રાજકીય સૂત્રોના મતે, આ બેઠકમાં સંભવિત ઉમેદવારોના નામ અને ચૂંટણીની આગામી રણનીતિ પર વિસ્તૃત મંથન કરવામાં આવ્યું છે, જેથી સામાજિક અને ક્ષેત્રીય સમીકરણોને યોગ્ય રીતે સંતુલિત કરી શકાય.

ચર્ચા એવી પણ છે કે કેન્દ્રીય રાજકારણમાંથી કેટલાક મોટા ચહેરાઓને યુપી મોકલવામાં આવી શકે છે. અગાઉના સાંસદોમાં હરદીપ સિંહ પુરીનું નામ ફરી નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે, જ્યારે ડૉ. દિનેશ શર્મા રાજ્યપાલ બન્યા બાદ ખાલી પડેલી જગ્યા પર અને અન્ય બેઠકો માટે સ્મૃતિ ઇરાની તથા હરીશ દ્વિવેદી જેવા ચર્ચિત નામો પર પણ વિચારણા થઈ શકે છે. ભાજપ ઉચ્ચ સદનમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે કોઈ તક છોડવા માંગતી નથી.

આગામી સમયમાં ઉત્તર પ્રદેશની આ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ઝડપથી આગળ વધવાની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યસભા માટે 16 ઓક્ટોબરે મતદાન અને પરિણામ જાહેર થશે, જ્યારે વિધાન પરિષદની બેઠકો માટે 23 ઓક્ટોબરે મતદાન યોજાશે. આ મહત્વપૂર્ણ ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન અને મુખ્યમંત્રી વચ્ચે થયેલી આ બેઠકને અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.