શ્રીલેખા યાજ્ઞિક
ચોમાસાની શરૂઆત મુંબઈમાં તો ધીમી ગતિએ થઈ ગઈ છે. અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં થોડી ઠંડક અનુભવાય છે. ચોમાસું આવે તેની સાથે પેટમાં ગરબડ અચૂક અનુભવાતી હોય છે. તો વળી ક્યારેક શરદી-ખાંસી-ઝીણા તાવના કેસો વધી જતાં હોય છે. આવા સંજોગોમાં સુપાચ્ય આહાર લેવો આવશ્યક બની જાય છે. ખાસ ગુજરાતી કુટુંબમાં પ્રતિદિન બપોરના ભાણામાં તુવેરની ગરમા-ગરમ દાળ તથા ભાત ખાવાની આદત જોવા મળે છે. જ્યારે રાત્રિના ભોજનમાં આજે પણ કાઠિયાવાડમાં ગરમા-ગરમ ખીચડી-કઢી-ઓસામણ બનાવવાનો રિવાજ છે.
માન્યું કે સમય બદલાયો છે. સંતાનો રોજ નવી-નવી, ચટપટી, મસાલેદાર ભારતીય કે પાશ્ર્ચાત્ય દેશોની વાનગીનો સ્વાદ માણવાનું પસંદ કરતાં હોય છે. જ્યારે વડિલો સાદું, ઓછા મસાલાવાળું સુપાચ્ય ભોજન લેવાનું પસંદ કરે છે. જેમાં તંદુરસ્ત જીવનનું રહસ્ય સમાયેલું જોવા મળે છે. જો આપ મુંબઈ-અમદાવાદ કે સૌરાષ્ટ્રના હાઈ-વે ઉપરથી પસાર થયા હશો તો એક વાત અચૂક ધ્યાન ખેંચે તેવી જોવા મળે છે. તે છે થોડા-થોડા અંતરે દેખાતા કાઠિયાવાડી ધાબા. જ્યાં સ્વાદિષ્ટ કાઠિયાવાડી વાનગીઓ પીરસવામાં આવે છે.
આપણા આયુર્વેદમાં ખાસ ઉલ્લેખ જોવા મળે છે કે તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવવા માટે તાજો, ઋતુ તેમજ રાજ્ય પ્રમાણેનો આહાર લેવો જરૂરી છે. આજે આપણે દાળોમાં સર્વશ્રેષ્ઠ ગણાતી પીળી મગની દાળ વિશે જાણકારી મેળવવાના છીએ. તેને અંગ્રેજીમાં વિગ્ના રેડિયાટા તરીકે ઓળખાય છે. તો સંસ્કૃતમાં તેને મુદ્ગા, આંધ્ર પ્રદેશમાં પેસારા પપ્પૂ, તમિલનાડુમાં પચઈ પયારૂ, કર્ણાટકમાં હેસારૂ કાલુ, કેરળમાં ચેરૂપયાર, તો ઉત્તરી ભારતમાં મગની પીળી દાળ કહેવામાં આવે છે.
મગની દાળને ગરીબોની ‘સોનેરી દાળ’ તરીકે ઓળખ મળી છે. એશિયાઈ દેશોમાં તે લોકપ્રિય દાળ તરીકે જાણીતી છે. તેનો ઉપયોગ ભોજનની સાથે ઓષધી, સૌંદર્ય પ્રસાધનોમાં કરવામાં આવે છે. પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે જેઓ માંસાહાર છોડવા માંગતા હોય તેમને માટે ઉત્તમ વિકલ્પ ગણાય છે. ખનીજ તેમજ ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો ધરાવે છે. કૅન્સર જેવી બીમારીના ખતરાથી બચાવમાં મદદ કરી શકે છે. વળી તેમાં એવા ફાઈટોકૅમિકલ સમાયેલાં છે જે શરીર ઉપર આવતાં સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે.
મગની દાળના સ્વાસ્થ્યવર્ધક લાભ
નાના બાળકોને માટે લાભકારી : નાના બાળકોને જ્યારે પ્રથમ વખત અનાજ ખવડાવાનું કહેવામાં આવે છે તે સમયે નિષ્ણાતો દ્વારા બાફેલી મગની દાળનો સૂપ પીવડાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. કેમ કે તેમાં રહેલાં વિવિધ પોષક તત્ત્વો શિશુના વિકાસમાં અત્યંત ઉપયોગી બને છે. મગની દાળમાં પોટેશ્યિમ, આયર્ન, કૅલ્શ્યિમ, કૉપર, ફૉલેટ, રાઈબોફ્લેવીન, ફોસ્ફરસ, ફાઈબર, મેગ્નેશિયમ જેવાં પોષક તત્ત્વો સમાયેલાં હોય છે. જે શિશુના સંપૂર્ણ વિકાસમાં મદદ કરે છે.
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી : મગની દાળ માટે એવું કહેવાય છે કે તેમાં પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલો છે. પોટેશ્યિમ તથા આયર્નની માત્રા ભરપૂર હોવાને કારણે માંસપેશીમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યામાં રાહત મળે છે. બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. અનિયમિત હૃદયના ધબકારાને સુધારવામાં મદદ કરે છે. તેમ છતાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ બાદ જ પ્રમાણભાન રાખીને સેવન કરવું જોઈએ. જે લોહીમાં કૉલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
વિવિધ સંશોધનો દ્વારા જાણવા મળે છે કે મગની દાળમાં રહેલું પ્રોટીન શરીરના કુલ કૉલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લિસરાઈડના સ્તરને ઘટાડે છે. લાભકારક ગણાય છે કેમ કે પાચન સંબંધિત સમસ્યા વખતે તેનું સેવન ખાસ કરવામાં આવે છે. હૃદયની તંદુરસ્તી જાળવી રાખવા માટે મગની દાળનું સેવન નિયમિત આહારમાં કરવું આવશ્યક છે.
કૅન્સરનું જોખમ ઘટાડવામાં ગુણકારી : મગની દાળમાં ફેનોલિક યોગિક ફ્લેવોનોઈડસ્, લેક્ટિન, ફાઈટોટેસ્ટેરૉલ તથા સેલેનિયમ જેવાં ખનીજ તત્ત્વો સમાયેલાં હોય છે. મગની દાળમાં સમાયેલાં ઍન્ટિ ઓક્સિડન્ટ રક્ત કોશિકાને સુચારુ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. પાચનમાં હલકી હોવાને કારણે આંતરડા ઉપર વધતો બોજો ઘટી શકે છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રમાણભાન રાખીને લેવાતો પોષ્ટિક આહાર કૅન્સરના જોખમથી વ્યક્તિને બચાવી શકે છે પરંતુ તેને કૅન્સરના ઉપચાર કે તેને ઘટાડવાનાં સચોટ ઉપાય તરીકે ઉપયોગ ન કરવો જોઈએ.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ફાયદાકારક : મગની દાળનો અત્યંત મહત્ત્વનો ગુણ જોઈએ તો તે છે હાઈપોગ્લાઈસેમિક. જે ડાયાબિટીસના રોગમાં લાભકારક ગણાય છે. મગની દાળમાં સ્ટાર્ચની માત્રા ભરપૂર જોવા મળે છે. જે એક ઓછો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ તેમજ કાર્બોહાઈડ્રેટ ધરાવે છે. જેના સેવન બાદ લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખવામાં તેમજ મોટાપો વધતો અટકાવવામાં મળે છે.
પોષ્ટિક ગુણોનો ભંડાર: મગનો છોડ એક લોકપ્રિય તેમજ પૌષ્ટિક છોડ ગણાય છે. તેના બીજને અંકુરિત કરીને ખાઈ શકાય છે. બીજનો ઉપયોગ મગની દાળ બનાવવામાં થાય છે. મગની દાળમાં પ્રોટિનની માત્રા 32.6 ટકા જેટલી સમાયેલી જોવા મળે છે. સ્વાસ્થ્ય માટે જરૂરી એમિનો એસિડનું પ્રમાણ ભરપૂર સમાયેલું જોવા મળે છે. જેને કારણે એશિયાઈ દેશોમાં મગની દાળ એક લોકપ્રિય આહાર ગણાય છે. મગની દાળમાં ખનીજ, આયર્ન, ફાઈબરની માત્રા સમાયેલી છે. જે વ્યક્તિના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં ગુણકારી બને છે.
વજન નિયંત્રિત કરવા માટે લાભકારી: પીળી મગની દાળમાં કોલેસીસ્ટોકિનિન હાર્મોનનું કામ વધારવામાં મદદ કરે છે. જેને કારણે તેનો ભોજનમાં ઉપયોગ ર્ક્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. મેટાબોલિઝમ રેટમાં સુધારો જોવા મળે છે. વારંવાર, તળેલું-તીખું ભોજન ખાવાથી વજન ઝડપથી વધવા લાગે છે. મગની દાળનું સેવન ર્ક્યા બાદ તંદુરસ્ત ભોજન કર્યાનો સંતોષ મળે છે.
પાચન સુધારવામાં લાભકારી : પીળી મગની દાળ ખાધા બાદ આંતરડામાં બ્યુટારેટ નામક ફૈટી એસિડ બનવા લાગે છે. જે આંતરડાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. વળી મગની પીળી દાળમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં હોય છે. જે પેટમાં ગેસ બનતાં રોકે છે. જેથી પાચનતંત્ર મજબૂત બને છે. મગની દાળ પચવામાં હલકી હોવાથી તેના સેવન બાદ કબજિયાતની તકલીફથી રાહત મેળવી શકાય છે.
વિટામિન બી-9 (ફૉલેટ)મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે ગુણકારી : ગર્ભાવસ્થા દરમિયાન ફૉલેટ સ્વાસ્થ્ય માટે તેમજ ગર્ભસ્થ શીશુ માટે ગુણકારી ગણાય છે. કેમ કે તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ લગભગ (38)ની આસપાસ હોય છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે લાભકારક છે. ભારતીય આયુર્વેદમાં દર્શાવ્યા મુજબ 100 ગ્રામ બાફેલી મગની દાળમાં 7.02 ગ્રામ પ્રોટીન, 19.15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7.60 ગ્રામ ફાઈબર, તથા વિટામિન બી-9 જે ફૉલેટ તરીકે ઓળખાય છે તે સમાયેલું હોય છે. વિટામિન બી શરીરના વિવિધ કાર્યો સુચારુ રીતે થાય તે માટે આવશ્યક છે.
મસ્તિષ્કની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે. વિટામિન બી મનુષ્યના શરીરનું ડીએનએ બનાવવામાં મદદ કરે છે. મગની દાળ માટે એવું કહેવાય છે કે 4500 વર્ષ પહેલાં હિમાલયના પહાડી વિસ્તારમાં રહેતાં સ્થાનિકો દ્વારા તેમજ હરપ્પન સંસ્કૃતિમાં તેનો ઉપયોગ થતો હતો. મગને સૂકવીને તેને હાલમાં મશીનો દ્વારા તોડીને લીલી મગની દાળ બનાવવામાં આવે છે. તેના છોતરાં કાઢી લીધા બાદ જે તૈયાર થાય છે, તે મગની પીળી દાળ કે સોનેરી દાળ ગણાય છે.
ભારત મગની ખેતીમાં વિશ્ર્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. મગની ખેતી ભારતના બધા જ રાજ્યોમાં થતી જોવા મળે છે. લગભગ 36 હજાર હૅક્ટર જમીનમાં મગની ખેતી થાય છે. જેના દ્વારા લગભગ 17 લાખ ટન અનાજનું ઉત્પાદન થાય છે. ઉત્પાદક્તાની વાત કરીએ તો લગભગ 500 કિલોગ્રામ પ્રતિહૅક્ટર જોવા મળે છે. ભારતમાં મગની દાળના પ્રમુખ ઉત્પાદકોમાં મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ તેમજ બિહાર છે. મગની દાળનો ઉપયોગ પશુઓ માટે લીલા ઘાસચારા તરીકે કરવામાં આવે છે. તો ખાતર તરીકે પણ થાય છે. ભારતમાં તેની ખેતી ત્રણે મોસમમાં કરવામાં આવે છે, ગ્રીષ્મ, રવી, ખરીફ.
મગની દાળમાંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. જેમ કે મગની દાળના ઢોકળાં, મગની દાળનો શિરો, મગનીદાળના પૂડલાં. મગની છૂટી દાળ, પાલક-મગની દાળ, મગની દાળનાં પકોડાં વગેરે બનાવી શકાય છે. મગની દાળના ભજિયા. મગની દાળની કચોરી બનાવી શકાય છે.
પહેલાં વરસાદમાં મજા પડી જાય તેવી સ્વાદિષ્ટ મગની દાળની પૂરી
સામગ્રી: 1 કપ મગની પીળી દાળ, 2 કપ ઘઉંનો લોટ, 2 ચમચી રવો, 1 ચમચી કસૂરી મેથી, 1 ચમચી અજમો, 2 નંગ લીલા મરચાં, 1 નાનો ટૂકડો આદું, ચપટી હિંગ, સ્વાદ…