ભરત ભારદ્વાજ
ચીનના પ્રમુખ શી જિનપિંગ અમેરિકા પહોંચી ગયા છે અને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જિનપિંગને મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે જે આવકાર આપ્યો એ ઘણું બધું કહી જાય છે. જિનપિંગ 23 સપ્ટેમ્બર, 2026 ને બુધવારે અમેરિકાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે મેરીલેન્ડ પહોંચ્યા ત્યારે જિનપિંગને આવકારવા માટે અમેરિકાના પ્રમુખ પોતે સજોડે એરપોર્ટ પર હાજર હતા. સામાન્ય રીતે અમેરિકાના પ્રમુખ બીજા દેશના વડાને આવકારવા માટે એરપોર્ટ પર નથી જતા પણ વિદેશ મંત્રી જાય છે. રોમન કેથોલિક સંપ્રદાયના વડા પોપ સિવાય બીજા કોઈ દેશના વડાને આવકારવા માટે અમેરિકાના પ્રમુખ એરપોર્ટ પર હાજર રહ્યા હોય એવું છેલ્લે 1962માં બનેલું. અમેરિકાના પ્રમુખ જ્હોન એફ. કેનેડી બ્રિટનના વડા પ્રધાન હેરોલ્ડ મેકમિલનને આવકારવા માટે એરપોર્ટ પર ગયા પછી કોઈ અમેરિકન પ્રમુખ બીજા દેશના વડાને આવકારવા એરપોર્ટ નહોતા ગયા.
જિનપિંગને આવકારવા માટે ટ્રમ્પ પોતે પ્રોટોકલ તોડીને એરપોર્ટ પર તો પહોંચ્યા જ પણ જિનપિંગ તેમનાં પત્ની પેંગ લિયુઆન સાથે વિમાનમાંથી નીચે ઊતરતા હતા ત્યારે લાલ જાજમ પર તેમને આવકારવા માટે પ્લેનની બાજુમાં ઊભા પણ રહ્યા. ટ્રમ્પે પોતાની સાથે ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પને પણ હાજર રાખ્યાં. જિનપિંગે અમેરિકાની ધરતી પર પધરામણી કરી ત્યારે આર્મીએ સલામી પણ આપી. જિનપિંગના સ્વાગતમાં મિલિટરી બેન્ડ પણ તૈનાત હતું ને છેલ્લે ઇ-1 બોમ્બર વિમાને ગર્જના સાથે ફ્લાયઓવર એટલે કે ઉડ્ડયન કરીને જિનપિંગને ફરી સલામી આપી. એ પછી 100 મીટર લાંબી લાલ જાજમ પર ટ્રમ્પ જિનપિંગને છેક કાર લગી બેસાડવા પણ ગયા. જિનપિંગને અપાયેલો આવકાર જોતાં એવું જ લાગે કે, આખું અમેરિકા જિનપિંગનાં પગોમાં આળોટી ગયું છે.
અમેરિકામાં જિનપિંગને મળેલો આવકાર અભૂતપૂર્વ છે ને આપણે જિનપિંગને આવો ભવ્ય આવકાર કેમ મળ્યો એ વિચારવાની જરૂર છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014થી અત્યાર લગી 10 વાર અમેરિકાના પ્રવાસે ગયા પણ એક પણ વાર અમેરિકાના પ્રમુખ તેમને આવકારવા માટે એરપોર્ટ પર નથી આવ્યા. બલ્કે છેલ્લે 2025માં તો મોદી અમેરિકા ગયા ત્યારે તો અમેરિકાની સરકારમાંથી પણ કોઈ તેમને આવકારવા નહોતું આવ્યું. અમેરિકામાં ભારતના રાજદૂત ને દૂતાવાસના અધિકારીઓ સિવાય કોઈ એરપોર્ટ પર નહોતું.
મોદીની અમેરિકા યાત્રામાંથી મોટા ભાગની યાત્રા દરમિયાન ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા ને મોદી ટ્રમ્પને ને ટ્રમ્પ મોદીને ડીયર ફ્રેન્ડ કહીને ઓવારણાં લેતાં થાકતા નથી પણ સમ ખાવા પૂરતા એક પણ વાર ટ્રમ્પ મોદીને આવકારવા માટે એરપોર્ટ પર નથી આવ્યા. ભક્તજનોને થોડી અકારી વાગે એવી વાત એ છે કે, અત્યારલગી બે વાર જ એવું થયું છે કે, ભારતના વડા પ્રધાનને આવકારવા માટે અમેરિકાના પ્રમુખ એરપોર્ટ પર આવ્યા હોય ને બંને વાર વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ હતા. નહેરૂ 1949માં પહેલી વાર અમેરિકા ગયા ત્યારે પ્રમુખ હેરી એસ. ટ્રુમેન તેમને આવકારવા એરપોર્ટ પર આવેલા. 1961માં નહેરૂ અમેરિકા ગયા ત્યારે પ્રમુખ જ્હોન એફ. કેનેડીએ પોતે એરપોર્ટ પર નેહરૂનું સ્વાગત કર્યું હતું. ભારતમાં અત્યારે નહેરૂને ગાળો દેવાની ફેશન ચાલે છે પણ નહેરૂ વડા પ્રધાન હતા ત્યારે અમેરિકા જેવો દુનિયાનો દાદો દેશ પણ તેમને માન આપતો હતો.
ખેર, આ અલગ ચર્ચાનો મુદ્દો છે પણ મૂળ વાત જિનપિંગને મળેલા આવકારની છે. મોદીના શાસનમાં ભારત વિશ્વગુરૂ બની ગયું હોવાના દાવા કરાય છે પણ આ કહેવાતા વિશ્વગુરૂ દેશના વડા પ્રધાનને કદી નથી મળ્યું એવું માન જિનપિંગને મળ્યું એ વૈશ્વિક સ્તરે ચીન આપણા કરતાં અનેક ગણું શક્તિશાળી છે અને અમેરિકા જેવો કોઈને ના ગણકારનારો દેશ પણ હવે ચીનને અવગણી શકતો નથી તેનો વધુ એક પુરાવો છે.
બીજી એક મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના નાણાં પ્રધાન સ્કોટ બેસેન્ટે જાહેરાત કરી છે કે અમેરિકા અને ચીને તેમના વેપાર-સંબંધિત યુદ્ધવિરામને બે મહિના માટે લંબાવવાની સમજૂતી કરી છે. ડોનલ્ડ ટ્રમ્પે ચીનને દબડાવવા માટે ચીનથી આવતા માલ પર અઢીસો ટકા લગી ટૅરિફ લાદવાનું એલાન કર્યું પછી ચીને પણ વળતો પ્રહાર કરીને અમેરિકાના માલ પર એટલું જ ટૅરિફ લાદવાની જાહેરાત કરી નાખી તેથી અમેરિકા ફફડી ગયેલું. અમેરિકાએ બે પગ વચ્ચે પૂંછડી દબાવીને ચીન સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી ને સમજૂતી કરેલી કે, તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ કરીને એકબીજા પર હાલ પૂરતી ટૅરિફ લાદવાની ચળને દબાવી દઈએ.
હવે વધુ બે મહિના માટે સમજૂતી લંબાવવાનો અર્થ એ થાય કે, ચાલુ વર્ષે તો અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર યુદ્ધ નહીં થાય. જિનપિંગ અને ટ્રમ્પ આ વરસે શેનઝેનમાં અને પછી મિયામીમાં પણ મળવાના છે. હાલની જિનપિંગની 3 દિવસની મુલાકાત અને એ પછી થમારી આ બે સમિટ લગી બંને દેશો એકબીજા સામે કોઈ પગલાં ના લે ને એ દરમિયાન બંન દેશો વચ્ચે મોટી વ્યાપાર સમજૂતી થઈ જશે એવું અમેરિકાને લાગે છે તેથી આ્ર સમજૂતી લંબાવી છે. અમેરિકાએ હમણાં જ રશિયા અને ઈરાન સાથે વ્યાપાર કરનારા દેશો પર 100 ટકા લગી ટૅરિફ લાદવા માટેનો કાયદો બનાવ્યો તેમાં ચીનને બાકાત રાખેલું ને હવે ચીન સાથેની સમજૂતી લંબાવી તેના પરથી જ ચીન અમેરિકા માટે કેટલું મહત્ત્વનું છે એ સાબિત થઈ જાય.
અમેરિકા ચીનને અછોવાનાં કેમ કરે છે એ સમજવા જેવું છે ને ભારત જેવા દેશે તો તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. ચીને વાતોનાં વડાં કરવાના બદલે પોતાની તાકાત સાબિત કરી છે. ટેકનોલોજી હોય, મેન્યુફેક્ચરિંગ હોય, ડીફેન્સ પ્રોડક્શન હોય, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હોય કે એનર્જી ઈનોવેશન હોય, ચીન બધે મોરચે અવ્વલ છે અને અમેરિકા તથા યુરોપના દેશોને ટક્કર આપે છે. ચીને પોતાના કુદરતી સંસાધનો અને મેન પાવર બંનેનો અદભુત ઉપયોગ કરીને એવી જબરદસ્ત આર્થિક તાકાત ઊભી કરી છે કે કોઈની પણ જરૂર ના પડે. ચીને અમેરિકા વિરોધી દેશોને ભેગા કરીને અમેરિકા વિરોધી ધરી તો ઊભી કરી જ છે પણ પોતાનું વર્ચસ્વ હોય એવું માર્કેટ પણ ઊભું કર્યું છે. ચીન ધીરે ધીરે પોતાનો પગપેસારો અમેરિકાના વર્ચસ્વવાળા વિસ્તારોમાં પણ કરી રહ્યું છે તેથી અમેરિકાને પોતાનો ગરાસ લૂંટાઈ જવાનો ખતરો લાગે છે તેથી ચીનને પોતાના પડખે લેવા માટે તેને અછોવાનાં કરે છે.
આપણી હાલત ચીનથી સાવ વિપરિત છે. આપણે ચીનની જેમ કશું નક્કર કરવાના બદલે વાતોનાં વડાં કર્યા કરીએ છીએ, કોઈ નવા ફિલ્ડમાં લીડર બનવાના બદલે વિકલ્પ બનવા મથીએ છીએ. આપણે ચીન કરતાં કેટલા પાછળ છીએ તેનો પુરાવો આપણી સેમી કંડક્ટર મોરચે આપણી દોડ છે. ચીન વરસો પહેલાં સેમી કંડક્ટરમાં અવ્વલ બન્યું ને આપણે હવે તેનો વિકલ્પ બનવા મથીએ છીએ.