Sun Oct 04 2026

Logo

સાયન્સ સેન્ટરથી પ્લૅનેટોરિયમ વચ્ચેના બ્રિજનું નિર્માણ ચાર મહિનામાં કરવાનું પાલિકાનું લક્ષ્ય

2026-10-01 19:41:13
Author: Yogesh C. Patel
સાયન્સ સેન્ટરથી પ્લૅનેટોરિયમ વચ્ચેના બ્રિજનું નિર્માણ ચાર મહિનામાં કરવાનું પાલિકાનું લક્ષ્ય

ફ્લાયઓવર અને સબવે તૈયાર થયા પછી વરલી નાકા ખાતેનો ટ્રાફિક ઓછો થવાની સંભાવના

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વરલી નાકા ખાતેની ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે અને વાહનધારકો કોસ્ટલ રોડ સહેલાઈથી પહોંચી શકે તે માટે નહેરુ સાયન્સ સેન્ટરથી નહેરુ પ્લૅનેટોરિયમ દરમિયાન નિર્માણાધીન ફ્લાયઓવર અને સબવેનું કામ ચાર મહિનામાં પૂરું કરવાનું લક્ષ્ય મુંબઈ મહાનગરપાલિકાએ રાખ્યું છે. પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે નિર્માણકાર્યની ગતિ વધારી 31 જાન્યુઆરી સુધીમાં કામ પૂરું કરવાના નિર્દેશ આપ્યા હતા.

નહેરુ સાયન્સ સેન્ટર ફ્લાયઓવરનું બાંધકામ પૂર્ણ થયા પછી મુસાફરોનો સમય બચશે. હાલમાં આ માર્ગે જનારા વાહનચાલકોએ વરલી નાકાથી વળાંક લઈને જવું પડે છે. પ્રસ્તાવિત બ્રિજથી પ્રવાસનો સમય ઓછામાં ઓછો 15 મિનિટ ઘટી જવાની અપેક્ષા છે, એવું પાલિકાનું કહેવું છે.

આ ફ્લાયઓવરથી ઈ મોઝેસ રોડથી સીધા ઍની બેસન્ટ રોડ તેમ જ કોસ્ટલ રોડ જવું સહેલું થઈ જશે. લોઅર પરેલ, મહાલક્ષ્મી અને કરી કરોડથી આવનારાં વાહનો આ પુલનો ઉપયોગ કરી શકશે. પરિણામે વરલી નાકા પરિસરમાં ટ્રાફિક જૅમની સમસ્યામાંથી ઘણે અંશે રાહત મળવાની સંભાવના છે.

પાલિકાના એડિશનલ કમિશનર બાંગર બુધવારે બ્રિજ અને સબવેના બાંધકામના સ્થળે ગયા હતા અને અહેવાલ મેળવ્યો હતો. સાયન્સ સેન્ટર અને જીજામાતા નગર, બન્ને તરફનું 1,200 મિલીમીટર વ્યાસના મુખ્ય પાઈલિંગનું કામ પૂરું થઈ ગયું છે તો અન્ય 70 ટકા જેટલું કામ પૂર્ણતાને આરે છે. 

પોર્ટલ બીમ અને ગર્ડર નિર્માણનું કામ પ્રોજેક્ટના સ્થળે તેમ જ કારખાનામાં ચાલી રહ્યું છે. પોર્ટલ બીમ અને ગર્ડર સ્પૅન ગોઠવવાનું કામ પણ ગતિ પર હોવાનું જણાયું હતું. વધુમાં ડેક સ્લૅબ કોન્ક્રીટાઈઝેશનનું કામ અડધાથી વધુ થઈ ગયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.