દર વર્ષે 23મી મેના રોજ દુનિયાભરમાં 'વર્લ્ડ ટર્ટલ ડે' (World Turtle Day) ઉજવવામાં આવે છે. કાચબા પૃથ્વી પરના સૌથી અદ્ભુત, શાંત અને રહસ્યમય જીવોમાંના એક છે. વૈજ્ઞાનિકોના મતે, કાચબા પૃથ્વી પર ડાયનાસોરના સમયથી એટલે કે કરોડો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. તેઓ સાપ, ગરોળી અને મગર કરતાં પણ પહેલાંથી આ ધરતી પર વસવાટ કરી રહ્યા છે. ચાલો આજે વર્લ્ડ ટર્ટલ ડે પર જાણીએ કાચબા સંબંધિત કેટલાક રસપ્રદ રણ ખૂબ જ ઓછા જાણીતા તથ્યો વિશે...
સૌથી લાંબુ આયુષ્ય અને સ્પેસની સફર
પૃથ્વી પર સૌથી લાંબુ જીવતા પ્રાણીઓમાં કાચબા મોખરે છે. તેમનું સરેરાશ આયુષ્ય 150થી 200 વર્ષનું હોય છે. આ ધીમો જીવ અંતરિક્ષની મુસાફરી પણ કરી ચૂક્યો છે! વર્ષ 1968માં સોવિયેત સંઘે બે કાચબા સહિત અન્ય પ્રાણીઓને સ્પેસ મિશન પર મોકલ્યા હતા. અંતરિક્ષમાં એક અઠવાડિયું વિતાવીને જ્યારે તેઓ પૃથ્વી પર પાછા ફર્યા, ત્યારે તેમનું વજન 10 ટકા ઘટી ગયું હતું.

મગજ વગર પણ 6 મહિના જીવતા રહી શકે છે!
જી હા, સાંભળવામાં ભલે આ વિચિત્ર લાગે, પરંતુ હકીકત છે. વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, જો કાચબાના મગજને તેના શરીરથી અલગ કરી દેવામાં આવે, તો પણ તે આશરે છ મહિના સુધી કાચબો જીવંત રહી શકે છે, જે ખરેખર અવિશ્વસનીય છે.
મોંમાં દાંત નથી હોતા અને ઈંડામાંથી બચ્ચા નીકળવાનો સમય
કાચબાના મોંમાં કોઈ દાંત હોતા નથી. તેના બદલે તેમના મોંમાં હાડકાની એક અત્યંત તીક્ષ્ણ પ્લેટ જેવી રચના (ખૂંટો) હોય છે, જે ખોરાકને ચાવવામાં અને કાપવામાં મદદ કરે છે. માદા કાચબો જમીન પર માટી ખોદીને એકસાથે એકથી 30 ઈંડા મૂકે છે. આ ઈંડામાંથી બચ્ચા બહાર આવવામાં 90થી 150 દિવસનો લાંબો સમય લાગે છે.
કવચના રંગ પાછળનું તાપમાનનું રહસ્ય
કાચબાના પીઠ પરના કવચના રંગ પરથી જાણી શકાય છે કે તે કેવા વાતાવરણમાં રહે છે. ગરમ પ્રદેશોમાં રહેતા કાચબાના કવચનો રંગ આછો હોય છે, જ્યારે ઠંડી જગ્યાએ રહેતા કાચબાના કવચનો રંગ ઘેરો હોય છે.
બંદૂકની ગોળી પણ બેઅસર, પણ બાજ પક્ષી જાણે છે તોડવાની ટ્રીક!
કાચબાનું કવચ એટલું મજબૂત હોય છે કે તે બંદૂકની ગોળીનો વાર પણ સહન કરી શકે છે. તેના કવચને તોડવા માટે કાચબાના વજન કરતાં ૨૦૦ ગણું વધુ વજન તેના પર મૂકવું પડે. જ્યારે કાચબો પોતાના કવચની અંદર છુપાય છે, ત્યારે તેણે પોતાના ફેફસામાંથી બધી હવા બહાર કાઢવી પડે છે, જેથી તે કવચમાં ફિટ થઈ શકે.
આ સમયે તેનો શ્વાસ છોડવાનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે. જો કે, 'બાજ' પક્ષી તેને તોડવાની અનોખી યુક્તિ જાણે છે. તે કાચબાને પંજામાં પકડીને આકાશમાં ખૂબ ઊંચે ઉડી જાય છે અને ત્યાંથી તેને ખડકો અથવા પથ્થરો પર નીચે ફેંકી દે છે, જેથી કવચ તૂટી જાય છે.

રોમન આર્મીએ કાચબામાંથી શીખી હતી યુદ્ધકળા
પ્રાચીન રોમન મિલિટરી કાચબાની રક્ષણાત્મક શૈલીથી ખૂબ પ્રભાવિત થઈ હતી. રોમન સૈનિકોએ કાચબાના કવચની જેમ જ યુદ્ધ દરમિયાન પોતાની ઢાલને માથાની ઉપર એક લાઈનમાં ગોઠવવાની કળા શીખી હતી, જેથી દુશ્મનોના તીર કે પથ્થરોના વારથી બચી શકાય.
આજે 129 પ્રજાતિઓ સંકટમાં!
દુનિયાભરમાં આજે કાચબાની કુલ 300 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી અત્યારે 129 પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. આ જ કારણે લોકોમાં તેમના સંરક્ષણ અને બચાવ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 23મી મેના રોજ વિશ્વ કાચબા દિવસ મનાવવામાં આવે છે.
