Mon Jul 27 2026

Logo

મહિલા અનામત અને સીમાંકન: દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટશે નહીં, અમિત શાહની સ્પષ્ટતા

2026-04-16 20:02:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે જણાવ્યું હતું કે "સંપૂર્ણપણે ખોટી" વાત ફેલાવવામાં આવી રહી છે કે મહિલા અનામત અને મતવિસ્તારોના સીમાંકનના અમલીકરણ પછી દક્ષિણ રાજ્યોની સંખ્યા ૮૧૬ બેઠકો સુધી વધ્યા બાદ તેમનું પ્રતિનિધિત્વ લોકસભામાં ઘટી જશે.

મહિલા ક્વોટા કાયદામાં સુધારો કરવા અને સીમાંકન પંચની સ્થાપના માટે રજૂ કરાયેલા ત્રણ ખરડા પર લોકસભામાં ચર્ચામાં હસ્તક્ષેપ કરતા શાહે કહ્યું હતું કે હકીકત એ છે કે બેઠકોની સંખ્યા વધશે અને શક્તિ વધશે.

તેમણે કહ્યું કે દક્ષિણના પાંચ રાજ્યમાં લોકસભા બેઠકોની સંખ્યા હાલની ૧૨૯થી વધીને ૧૯૫ બેઠક થશે જ્યારે સત્તાની ટકાવારી ૨૩.૭૬ ટકાથી વધીને ૨૩.૮૭ અથવા લગભગ ૨૪ ટકા થશે.

"કર્ણાટકમાં લોકસભાની બેઠકો હાલની ૨૮ થી વધીને ૪૨ થશે; આંધ્રપ્રદેશમાં, લોકસભાની બેઠકોની સંખ્યા ૨૫ થી વધીને ૩૮ થશે; તેલંગાણામાં, તે હાલની ૧૭થી વધીને ૨૬ થશે; તમિલનાડુમાં, લોકસભાની બેઠકોની સંખ્યા હાલની ૩૯થી વધીને ૫૯ થશે; અને કેરળમાં, તે હાલની ૨૦થી ૩૦ બેઠકો થશે," એવું તેમણે કહ્યું.

સરકાર સીમાંકન કવાયત દરમિયાન કોઈ પ્રકારનો "દુર્વ્યવહાર" કરશે, એવા વિપક્ષના સૂચનને સખત રીતે એમ કહીને નકારી કાઢ્યું હતું કે NDA સરકારે હાલના કાયદામાં કોઈ ફેરફાર કર્યો નથી.

"સીમાંકન ખરડો તમારી સરકાર દ્વારા લાવવામાં આવેલા અગાઉના કાયદા જેવો જ છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી, અલ્પવિરામ કે પૂર્ણવિરામ પણ નથી," એવું તેમણે કહ્યું હતું. નવી લોકસભામાં કુલ બેઠકોની સંખ્યા ૮૧૬ કેવી રીતે નક્કી કરવામાં આવી છે તે સમજાવતા, એમણે કહ્યું કે તે વર્તમાન કુલ બેઠકો કરતાં બરાબર ૫૦ ટકા વધુ છે.