Fri Apr 17 2026

Logo

વિપક્ષના હંગામા વચ્ચે લોકસભામાં મહિલા અનામત સુધારા સહિત ત્રણ બિલ રજૂ

2026-04-16 12:20:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા અનામત સુધારા સહિત ત્રણ બિલ રજૂ થયા હતા. સરકારે કહ્યું કે, આ બિલનો હેતુ લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33 ટકા અનામતને લાગુ કરવાનો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બપોરે 3 કલાકે લોકસભામાં સંબોધન કરી શકે છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સદનમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને જવાબ આપતા કહ્યું કે, ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંધારણ ધર્મ-આધારિત ક્વોટાની મંજૂરી આપતું નથી અને ચર્ચા દરમિયાન સરકારના વલણને પુનરોચ્ચાર્યું હતું.

આ અગાઉ અખિલેશ યાદવે બિલ રજૂ કરવામાં આવે તે પહેલાં જાતિ ગણતરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ અંગે શાહે કહ્યું કે આ નિર્ણય પહેલા જ લેવામાં આવી ચૂક્યો છે. અમિત શાહે કહ્યું કે, મુસ્લિમોને ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે, તેનો સવાલ જ ઊભો થતો નથી.  

 

DMK સાંસદ ટી.આર. બાલુએ કર્યો વિરોધ

DMK સાંસદ ટી.આર. બાલુએ ગૃહમાં રજૂ કરાયેલા ત્રણેય બિલોનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ત્રણેય બિલો 'સેન્ડવીચ બિલ' છે અને અમે તેનો વિરોધ કરીએ છીએ કારણ કે તે એકબીજા સાથે જોડાયેલા છે. અમારી પાર્ટી આનો વિરોધ કરે છે અને અમે કાળા ઝંડા બતાવ્યા છે. આના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તમે પીળા ઝંડા બતાવો કે કાળા, તેનાથી સદનને કોઈ ફરક પડતો નથી.

કેન્દ્ર સરકાર વર્ષ  2029 સુધીમાં  મહિલા અનામત કાયદો લાગુ કરવા માંગે છે. જોકે, તેના માર્ગમાં સૌથી મહત્વપૂર્ણ અવરોધ  સીમાંકનના મુદ્દાઓ અને બેઠકોની ફાળવણી અંગેનું નવું ગણિત છે. આ બિલના બેવડા પડકાર છે એક તરફ મહિલાઓ માટે 33 ટકા મહિલા  અનામત સુનિશ્ચિત કરવી  અને બીજી તરફ રાજ્યો વચ્ચે બેઠકોની વહેંચણીમાં સંતુલન જાળવવું છે.  આ કાયદાનો મુખ્ય વિષય લોકસભા મતવિસ્તારોના પુન: સીમાંકન સાથે મહિલાઓને અનામત આપવાનો છે. તેથી સત્ર ભલે ત્રણ દિવસનું હોય  પરંતુ તેની અસર મોટી હશે.  

અનામત વર્ષ 2029 ની લોકસભા ચૂંટણી પહેલાં જ લાગુ કરી દેવાશે 

આ ઉપરાંત સરકાર બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણીઓ પૂર્વે વર્ષ  2023 માં પસાર થયેલા 'નારી શક્તિ વંદન અધિનિયમ' ના અમલીકરણને ઝડપી બનાવવાનો ઇરાદો ધરાવે છે. હાલના નિયમો અનુસાર આ કાયદો વર્ષ 2027 ની વસ્તી ગણતરી અને ત્યારબાદના સીમાંકન કવાયત પછી અમલમાં આવવાનો હતો. જો કે  સરકારે હવે રાહ જોવાનો ઇનકાર કર્યો છે. આ માટે  ત્રણ બિલ રજૂ કરવામાં આવી રહ્યા છે. એક બંધારણીય સુધારા બિલ, એક સીમાંકન બિલ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ સુધારા બિલ છે. આનો અર્થ એ છે કે હવે વર્ષ 2034 સુધી રાહ જોવાની જરૂર નથી. તેમજ આ અનામત વર્ષ 2029 ની લોકસભા ચૂંટણી પહેલાં જ લાગુ કરી શકાય છે.

લોકસભાની બેઠકોની સંખ્યા 543 થી વધારીને આશરે 850 કરવાનો પ્રસ્તાવ

આ બિલમાં લોકસભાની બેઠકોની સંખ્યા 543 થી વધારીને આશરે 850 કરવાનો પ્રસ્તાવ છે. તેમાંથી લગભગ 273  બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે આ  બિલ માત્ર સંસદનો નકશો જ નહિ પરંતુ  સત્તાના સમીકરણો બદલી નાખશે.તેમાં પણ મહત્વનું એ છે કે વર્ષ 2027 ની  વસ્તી ગણતરીને બદલે વર્ષ 2011 ની વસ્તી ગણતરી પર સીમાંકન કવાયતને આધાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. 

વર્ષ 2029 થી જ મહિલા અનામતનો અમલ શક્ય બનશે

આ બિલમાં સ્પષ્ટ છે કે  છેલ્લી વસ્તી ગણતરી સીમાંકન માટે આધાર તરીકે લેવામાં આવશે. જેનાથી વર્ષ 2029  થી જ મહિલા અનામતનો અમલ શક્ય બનશે. મુખ્ય વિશેષતાઓમાં 33 ટકા અનામત ક્વોટા, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની મહિલાઓ માટે પેટા-ક્વોટા સાથે  15 વર્ષનો સમયગાળો અને અનામત બેઠકોનું  રોટેશન પણ સામેલ છે.