Wed Jun 17 2026

Logo

ગુજરાત બજેટમાં મહિલાઓ માટે શું કરવામાં આવી મોટી જાહેરાત ?

2026-02-18 14:17:10
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતાં કહ્યું, GYAN ના ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં અગત્યની છે. મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘લખપતિ દીદી’ અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-રોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયોને સ્કેલ-અપ કરવા ₹૪૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સખી મંડળો માટે શું થઈ જાહેરાત

  1. સખી મંડળ સ્વ-સહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યા છે. સ્વ-સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલ-અપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય આપવા ₹૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
     
  2. ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹૯૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
     
  3. નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
     
  4. મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” જાહેર કરું છું. જેના માટે ₹૪૦ કરોડની જોગવાઇ સૂચવું છું.​
     
  5. વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે ₹૨૮૪૮ કરોડની જોગવાઇ સૂચવું છું.
     
  6. રાજ્ય સરકાર દ્વારા ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્ટેશનો અને CCTV નેટવર્ક દ્વારા મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.