નિધી ભટ્ટ
શિયાળો એ એવી ઋતુ છે જેમાં ઠંડી હવા, ધૂળ અને સુકાં પવનને કારણે ત્વચામાં સૂકાપો, કરકસર, ફાટેલા હોઠ અને ડલનેસ જેવી સમસ્યાઓ વધે છે. દિવસ દરમિયાન આપણે જેટલું પણ મોઈશ્ચરાઈઝર લગાવીએ, રાત્રે યોગ્ય કાળજી ન લીધી તો ત્વચા તેની કુદરતી ગરમી અને નર્માઈ ગુમાવી દે છે. તેથી રાત્રીનો સ્કિનકેર રૂટિન શિયાળામાં વિશેષ મહત્ત્વ રાખે છે.
સૌ પ્રથમ, રાત્રે ચહેરો સારી રીતે ક્લેન્સ કરો. આખો દિવસ ચહેરા પર ધૂળ, તેલ અને મેકઅપની લગત રહે છે, જે રૂવાટાં બંધ કરી શકે છે. સોફ્ટ ક્લેન્સરનો ઉપયોગ કરીને ત્વચાને ઊંડે સુધી સાફ કરવી જરૂરી છે.
ક્લેન્સિંગ પછી ટોનર લગાવવું એક મહત્ત્વનુ પગલું છે. આ ત્વચાનો pH લેવલ બેલેન્સ રાખે છે અને મોઈશ્ચરાઈઝિંગ માટે ચહેરાને તૈયાર કરે છે. શિયાળામાં આલ્કોહોલ-ફ્રી, હાઈડ્રેટિંગ ટોનર વધુ સારું રહે છે.
હવે આવે છે સૌથી મહત્ત્વની સ્ટેપસીરમ. હાઈડ્રોકલોનિક એસિડ, વિટામિન ઈ, નાયસિનામાઈડ જેવા સીરમ ત્વચાને ઊંડેથી હાઈડ્રેટ કરે છે અને તેજ આપે છે. રાત્રે ત્વચા સીરમ ઝડપથી શોષી લે છે, તેથી તેનો લાભ વધારે મળે છે.
મોઈશ્ચરાઈઝર વિના શિયાળાની સ્કિનકેર અધૂરી છે. નાઈટ ક્રીમ અથવા થિક મોઈશ્ચરાઈઝર ત્વચાને હાઈઙ્રેટ રાખે છે અને રાત્રે રિપેરિંગ પ્રક્રિયાને સપોર્ટ કરે છે. સૂકી ત્વચા હોય તો શિયા બટર, સ્ક્વાલેન અથવા સેરામાઈડવાળી ક્રીમ અને તેલીય ત્વચા હોય તો જેલ આધારિત મોઈશ્ર્ચરાઈઝર પસંદ કરવું સારું.
અંતમાં, લિપ બામ અને અંદરથી હાઈડ્રેશન પણ એટલું જ મહત્ત્વનું છે. ફાટેલા હોઠ શિયાળાની સામાન્ય સમસ્યા છે, તેથી લિપ બામ લગાવીને સૂવું જોઈએ. અને રોજ પૂરતું પાણી પીવું ભૂલશો નહીં.
શિયાળામાં રાત્રે નિયમિત સ્કિનકેર કરવાથી ત્વચા હાઈડ્રેટ, નરમ અને ગ્લોઇંગ રહે છે. થોડું ધ્યાન અને યોગ્ય પ્રોડક્ટ્સ, તમારી ત્વચાને આખી સિઝન હેલ્ધી અને બ્રાઈટ રાખી શકે છે.