ક્લેપ એન્ડ કટ..! - સિદ્ધાર્થ છાયા
પ્રિયદર્શન , સંજય દત્ત,
ફિલ્મ પોસ્ટર મુજબ ‘એલ્ફા’ એવી આ ફિલ્મ ‘આલ્ફા’ આમ તો યશરાજના સ્પાય યુનિવર્સની પહેલી લેડી સ્પાય છે. સ્પાયને તો શું ખેતર, કે શું બિલ્ડિંગ કે શું જંગલ... જેવું કામ એવી પરિસ્થિતિનો તેણે સામનો કરવો પડે. પરંતુ આ તો જે રીયલ સ્પાય છે એની વાત છે. આજે રિલીઝ થયેલી સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ની વાત અલગ છે. ‘આલ્ફા’ને બે સમસ્યાનો સામનો કરવાનો છે. એક તો જોઈતા શો ટાઈમ અને ટિકિટની મનપસંદ કિંમત. આ બંને મામલામાં તેને તકલીફ પડી શકે છે. આથી આ તકલીફ દૂર કરવા યશરાજે સિનેમા વિતરકોને અત્યારથી જ સાવધાન કરી દીધા છે.
યશરાજે આ અઠવાડિયાની શરૂઆતમાં વિતરકોને એક ઈમેલ મોકલ્યો હોવાનું અમારે કાને પડ્યું છે. એમાં બે-ત્રણ શરતો રાખી છે. પહેલી શરત તો ‘આલ્ફા’નો સહુથી પહેલો શો શુક્રવારે સવારે સાડા નવ પહેલાં શરૂ ન થવો જોઈએ. આ શરત હવે મોટાભાગના પ્રોડ્યુસરો રાખવા માંડ્યા છે, કારણ કે જો ટ્રેલર-ટીઝરમાં દમ ન હોય તો વહેલી સવારનો શો લગભગ ખાલી જતો હોય છે.
બીજી શરત એ છે કે તેમને યોગ્ય સંખ્યામાં સ્ક્રીન આપવા. આ શરત એટલા માટે મૂકવી પડી છે કે ધાર્યા કરતાં ઊલટું અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ ખૂબ સારો દેખાવ કરી રહી છે. થિયેટરમાં ઓડિયન્સ દ્વારા શૂટ કરેલાં આ ફિલ્મનાં દૃશ્યો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયાં છે. આ માઈન્ડલેસ કોમેડી પહેલાં વીકનો સારો દેખાવ હોવાથી બીજાં વીકમાં ‘આલ્ફા’ને નડશે જ એમાં શંકા નથી એટલે યશરાજે પાંચ સ્ક્રીનનાં મલ્ટિપ્લેક્સમાં બે સ્ક્રીન આપવાની વિનંતી કરી છે. અને ત્રીજી શરત ટિકિટનાં ભાવ ‘વેલકમ’ જેટલાં જ રાખવાનું પણ કહ્યું છે.
વિચારો, એક સમયે પોતાનું ‘રાજ’ ચલાવતા ‘યશરાજે’ પોતાની આટલી મહત્ત્વની ફિલ્મ માટે વિનંતીઓ કરવી પડે છે!
હવે એ ત્રીજી વખત ‘હેરાફેરી’ નહીં !
‘હેરાફેરી 3’ બનવાની જાહેરાત થઇ છે ત્યારથી આજ સુધી એની સાથે જોડાયેલો વિવાદ પૂર્ણ થવાનું નામ જ નથી લેતો.
શરૂઆતમાં પરેશ રાવળે ફિલ્મ અધવચ્ચે છોડી દીધી. તેમનાં કહેવા અનુસાર તેમને સ્ક્રિપ્ટ સાથે પ્રોબ્લેમ છે. આવી નાની વાત સામાન્ય રીતે સામસામે બેસીને સોલ્વ થઇ જતી હોય છે, પરંતુ એમ ન થતાં મામલો અદાલત સુધી પહોંચી ગયો હતો. પછી અદાલત બહાર સમાધાન થયું. પરેશભાઈ પણ ફિલ્મમાં પરત આવી ગયા. પણ ફિરોઝ નડિયાદવાલાએ એક એવી જાહેરાત કરી કે બધાં હલી ગયા. ફિરોઝભાઈએ કહ્યું કે પ્રિયદર્શન હવે આ પ્રોજેક્ટનો ભાગ નથી. પ્રિયદર્શને પણ આ વાત ક્ધફર્મ કરતાં કહ્યું છે કે ફિરોઝે જે કહ્યું તે સાચું છે, પરંતુ પ્રિયદર્શન આટલે સુધી ન અટક્યા. તેમણે એક ધડાકો કરતાં એમ પણ ઉમેર્યું કાયદાકીય ગૂંચવાડા અને અમુક લોકોના ઈગો પ્રોબ્લેમ્સને કારણે આ ફિલ્મ ક્યારેય નહીં બને...!
‘હેરાફેરી’ના અખંડ ચાહકો માટે આ ખૂબ નિરાશાજનક સમાચાર છે. છેવટે દર્શકો માટે સ્ટાર્સ અને પ્રોડ્યુસર ડાયરેક્ટરે પોતાના પર્સનલ ઇગોને બાજુમાં રાખીને ફિલ્મ બનાવવા જેવી હતી. હવે જોવાનું એ રહે છે કે શું પ્રિયદર્શનની કાગવાણી સાચી પડે છે કે નહીં.
‘જંગલ’માં આ ‘પ્રાણી’ઓ કેમ ન દેખાયા?
જ્યારે ‘વેલકમ ટુ ધ જંગલ’ની અનાઉન્સમેન્ટ થઇ હતી ત્યારે જ ખબર પડી ગઈ હતી કે આમાં ઢગલાબંધ કલાકારો છે, પરંતુ જ્યારે તેનું ટીઝર આવ્યું અને પછી ટ્રેલર આવ્યું ત્યારે ત્રણ-ચાર ચહેરાઓ એમાંથી ગાયબ દેખાયા. સહુથી પહેલાં તો મીકા સિંઘ ગુમ થયા હોવાનું જણાયું. આ ફિલ્મમાં તેમનાં વડ્ડે પ્રા દલેર મહેંદી તો છે પણ એ કેમ ન દેખાયા એ જાણવાની ટ્રાય કરી ત્યારે ખબર પડી કે એમને ફિલ્મમાંથી ક્યારે ડ્રોપ કરાયા એમની એમને પણ ખબર ન હતી.
બીજું નામ છે ‘ફેમિલી મેન’ ફેઈમ શારીબ હાશ્મીનું. એમનું ફિલ્મમાં ન દેખાવાનું કારણ ‘ફેમિલી મેન’ની તારીખો સાથે આ ફિલ્મની તારીખોની અથડામણ હતી. રાહુલ દેવને પણ આ જ કારણસર ફિલ્મની જાહેરાત બાદ તેમાંથી દૂર થઇ જવું પડ્યું હતું.
ટેલેન્ટેડ કલાકાર ઈમામુલહકને પોતાના રોલ વિષે કોઈ સ્પષ્ટતા ન હતી. તેમનાં કહેવા પ્રમાણે જ્યારે તેમને ખબર જ ન હોય કે તેમણે ફિલ્મમાં શું કરવાનું છે તો તે એ ફિલ્મ શા માટે કરે? એટલે તે પણ ગયા.
જોકે આ બધામાં સહુથી મોટું નામ સંજય દત્તનું હતું. સંજય દત્ત પણ પેલી એનાઉન્સમેન્ટમાં હતા, પરંતુ બાદમાં ટીઝર, ટ્રેલર અને ફિલ્મમાંથી ગાયબ થઇ ગયા. કારણ? સંજય દત્તે જાતે ખરાબ તબિયતનું કારણ આપીને ફિલ્મમાંથી રજા લઇ લીધી હોવાનું કાને પડ્યું છે. શું એ જ કારણ હોઈ શકે કે પછી આટલા બધાં સ્ટાર્સમાં પોતે ક્યાંક ખોવાઈ જશે એનો ભય સંજુબાબાને લાગ્યો?
આમ જુઓ તો ‘ધુરંધર’માં પોતાના અભિનયને મળેલી સફ્ળતા પછી આવો ડર સંજય બાબાએ નહીં, પણ આ ફિલ્મના અન્ય કલાકારોને રાખવો જોઈતો હતો !
કટ એન્ડ ઓકે...
પોતાની ફિલ્મ ‘વારાણસી’નાં એક યુદ્ધ દૃશ્ય માટે એસ. એસ. રાજામૌલી 3500 જુનિયર આર્ટિસ્ટ સાથે શૂટિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે...
(આડ-નોંધ: આવાં દૃશ્ય તો આજકાલ અઈં પણ સસ્તામાં કરી શકે છે !)