મુંબઈ: સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના 45 જવાનોની ટુકડીએ મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ત્રણ ઑફિસની સુરક્ષાનો હવાલો સંભાળ્યો હતો. ઈડીનાં મુંબઈનાં ત્રણ કાર્યાલયને સીઆઈએસએફની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે તેમાં વરલીના સીજે હાઉસ ખાતેની વેસ્ટર્ન રિજન અને એમબીઝેડઓ-2 તેમ જ મઝગાંવના નિર્માણ ભવન ખાતેની ઑફિસનો સમાવેશ થાય છે. સીઆઈએસએફ યુનિટ એમપીએ મુંબઈના સિનિયર કમાન્ડન્ટ ધીરજકુમાર સિંહની દેખરેખ હેઠળ સોમવારથી જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.
આ ત્રણ કાર્યાલય સાથે સીઆઈએસએફ હવે દેશભરમાં ઈડીની 20 ઑફિસને સુરક્ષા પૂરી પાડી રહ્યું છે, જેમાં અગાઉથી તેના સુરક્ષાકવચ હેઠળની ઈડીની 17 ઑફિસનો પણ સમાવેશ થાય છે, એવું સીઆઈએસએફ દ્વારા જણાવાયું હતું.
ત્રણેય કાર્યાલયોમાં તહેનાત સીઆઈએસએફના જવાનોને સતર્કતા, શિસ્ત અને વ્યાવસાયિક આચરણનાં ઉચ્ચ ધોરણો જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી, જેમાં પ્રવેશ નિયંત્રણ, પરિસરની સુરક્ષા અને સિક્યોરિટીની જરૂરિયાતો પ્રત્યે ત્વરિત પ્રતિસાદ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.