મુંબઈ: એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે ટાટા ગ્રુપની સામાજિક પ્રતિબદ્ધતા અને સંસ્થાકીય ભૂમિકાને જાળવી રાખવાની અપીલ કરી હતી. મહારાષ્ટ્ર સાથે ટાટા ગ્રુપના ઊંડા સંબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે પરોપકારી ગ્રુપની માલિકીનું રક્ષણ થવું જરૂરી છે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન પવારે જણાવ્યું હતું કે ટાટા ગ્રુપના વર્તમાન નેતૃત્વને લગતા મુદ્દાનો ઉકેલ યોગ્ય પ્રક્રિયા, પરસ્પર સંવાદ અને કંપનીના 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન' નું પાલન કરીને લાવવો જોઈએ. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ટાટા ગ્રુપની વિશ્વાસ આધારિત વિરાસતનું રક્ષણ સમયની જરૂરિયાત છે અને ભારતના વિકાસમાં તેના યોગદાનને જાળવી રાખવા માટે તે અત્યંત જરૂરી છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું હતું કે ટાટા ગ્રુપની વિરાસત એ વિચાર પર આધારિત છે કે વ્યવસાયનો હેતુ સમાજની સેવા કરવાનો હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે ટાટા ટ્રસ્ટ્સની સંસ્થાકીય ભૂમિકા અને અધિકારોનું સ્થાપિત ગવર્નન્સ માળખા હેઠળ સન્માન થવું જોઈએ. ટાટા સન્સના બોર્ડના ડિરેક્ટરોએ એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પુનઃનિયુક્ત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. જોકે, થોડા કલાકોમાં જ ટાટા ગ્રુપની બહુમતી શેરહોલ્ડર સંસ્થા ટાટા ટ્રસ્ટ્સે આ નિર્ણયને અમાન્ય ગણાવ્યો હતો. ઠરાવની તરફેણમાં ચાર ડિરેક્ટરોએ મત આપ્યો હતો, જ્યારે ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ તેનો વિરોધ કર્યો હતો.
દરમિયાન, ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા ટાટા સન્સની અપર-લેયર નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) તરીકેની નોંધણી રદ કરવાની અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ ટાટા સન્સના બોર્ડે કંપનીના જાહેર લિસ્ટિંગની પ્રક્રિયા આગળ વધારવાની તરફેણ કરી છે. ટાટા સન્સમાં આશરે 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે લિસ્ટિંગનો વિરોધ કર્યો છે. નોએલ ટાટાએ કંપનીને અન્ય વિકલ્પો શોધવાની અપીલ કરી છે. ટાટા સન્સની બોર્ડ બેઠકમાં તાજેતરમાં લેવાયેલા નિર્ણયોને લઈને ચિંતા વ્યક્ત કરતાં પવારે મહારાષ્ટ્ર સાથે ટાટા ગ્રુપના ઐતિહાસિક અને ગાઢ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.
પવારે જણાવ્યું હતું કે ટાટા ટ્રસ્ટ્સ દ્વારા સ્થાપિત મહત્વપૂર્ણ સંસ્થાઓ,ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ (TISS) અને નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ (NCPA), તમામ મુંબઈમાં આવેલી છે અને તેમની કામગીરી ટાટા ટ્રસ્ટ્સની સ્થિરતા તથા યોગ્ય સંચાલન પર મોટા પ્રમાણમાં આધારિત છે.
તેમણે કહ્યું કે, 'કાયદાકીય રીતે પણ રાજ્યને આ પ્રતિષ્ઠિત ચેરિટેબલ ટ્રસ્ટ્સનું યજમાન હોવાનો ગર્વ છે. ટ્રસ્ટ્સને નબળા પાડવાથી દેશ અને રાજ્યના લોકો પર નિર્ભર સંસ્થાઓ નબળી પડે છે. એક સદીથી વધુ સમયથી ટ્રસ્ટ્સ લાંબા ગાળાના માલિક તરીકે ટૂંકા ગાળાના વળતર કરતાં મૂલ્યો અને પ્રતિષ્ઠાને પ્રાધાન્ય આપતા આવ્યા છે. આ જ ધીરજના કારણે ટાટા નામ લોકોમાં વિશ્વાસનું પ્રતિક બન્યું છે.'
પવારે વધુમાં કહ્યું કે ટાટા ગ્રુપ મહારાષ્ટ્રમાં મૂળ ધરાવતી રાષ્ટ્રીય મહત્વની સંસ્થા છે અને તેની પરોપકારી માલિકીનું રક્ષણ થવું જોઈએ. તેમણે જણાવ્યું કે શેરહોલ્ડરો દ્વારા સ્વીકારવામાં આવેલા આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં ટ્રસ્ટ દ્વારા નામાંકિત ડિરેક્ટરોને ચેરમેનની નિમણૂક સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો પર વિશેષ મતાધિકાર આપવામાં આવ્યો છે અને તેનું પાલન થવું જોઈએ.
પવારે કહ્યું કે, 'નેતૃત્વ સંબંધિત નિર્ણયો બહુમતી માલિક ટાટા ટ્રસ્ટ્સની સંમતિથી, પરસ્પર સંવાદ અને યોગ્ય પ્રક્રિયા દ્વારા ઉકેલવા જોઈએ, વિવાદ દ્વારા નહીં.' પવારે એ પણ નોંધ્યું કે સુપ્રીમ કોર્ટે અગાઉ ટ્રસ્ટ્સનું પ્રતિનિધિત્વ કરતા નામાંકિત ડિરેક્ટરોના આ વિશેષ અધિકારોને શેરહોલ્ડરોના હિતોના રક્ષણ માટે માન્ય રાખ્યા હતા.
તેમણે કહ્યું કે કોર્પોરેટ ગવર્નન્સની દૃષ્ટિએ પણ કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનું પાલન કરવું જરૂરી છે. ટાટા ગ્રુપના આર્ટિકલ્સમાં બહુમતી માલિકના નામાંકિત ડિરેક્ટરોને ચેરમેનની પસંદગીમાં નિર્ણાયક ભૂમિકા આપવામાં આવી છે અને આ વ્યવસ્થાનું સન્માન થવું જોઈએ.પવારે ઉમેર્યું કે, 'ટાટા ગ્રુપે ભારતના વિકાસ માટે પોતાને સમર્પિત કર્યું છે અને આપણે આ ગ્રુપનું રક્ષણ કરવું જોઈએ. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ટાટા ટ્રસ્ટ્સ દ્વારા ઊભું કરવામાં આવેલ જાહેર કલ્યાણ આધારિત માલિકીનું માળખું જાળવી રાખવું જરૂરી છે.
પવારે તમામ હિતધારકોને કોર્પોરેટ ગવર્નન્સના નિયમોનું કડક પાલન કરવા અને આંતરિક મતભેદોનો ઉકેલ યોગ્ય કાનૂની પ્રક્રિયા તથા પરસ્પર સંવાદ દ્વારા લાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે એક સદીથી વધુ સમયથી ટાટા ગ્રુપને માર્ગદર્શન આપતા પાયાના સિદ્ધાંતોનું સન્માન થવું જોઈએ.
પવારે જણાવ્યું કે જમશેદજી ટાટાની દૃષ્ટિને સર દોરાબજી ટાટા અને સર રતન ટાટાએ આગળ વધારી હતી. તેમનો વિચાર હતો કે વ્યવસાયથી સર્જાતી સંપત્તિનો લાભ સમાજને પાછો મળવો જોઈએ. આ જ કારણસર તેમની માલિકી ટ્રસ્ટ્સમાં મૂકવામાં આવી હતી, જેથી કોઈ એક વ્યક્તિ સમગ્ર ગ્રુપની માલિક ન બને અને વ્યવસાયની બહુમતી માલિકી પરોપકારી હેતુઓ માટે સમર્પિત ટ્રસ્ટ્સ પાસે રહે.
તેમણે કહ્યું કે ટાટા સન્સનું માલિકી માળખું પરોપકારની ભાવનાને સમાવે છે. ટાટા સન્સ હેઠળ વિવિધ ઓપરેટિંગ કંપનીઓ કાર્યરત છે, જ્યારે સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ સહિતના સંલગ્ન ટ્રસ્ટ્સ ટાટા સન્સમાં આશરે 66 ટકા હિસ્સો ધરાવે છે.
પવારે ભારપૂર્વક જણાવ્યું કે આ વ્યવસ્થા 'આકસ્મિક નહીં પરંતુ ઇરાદાપૂર્વક બનાવવામાં આવેલી છે.' તેમણે અંતમાં કહ્યું કે, 'સારો વ્યવસાય થાય અને તેના દ્વારા મળતા ડિવિડન્ડનો ઉપયોગ જનકલ્યાણ માટે થાય, ટ્રસ્ટ્સના બહુમતી હિસ્સામાંથી મળતા ડિવિડન્ડ સીધા આરોગ્ય, શિક્ષણ, સંશોધન અને ગ્રામ્ય આજીવિકા ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે.'