Sun Jun 28 2026

Logo

ફોકસ પ્લસ: આખરે જંગલને આરામ કેમ જોઈએ?

2026-06-28 08:57:00
Author: K.P.Singh
Article Image

 

 

 

- કે.પી.સિંહ

 

દર વર્ષે જૂનના અંતમાં અને જુલાઈની શરૂઆતમાં જ્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું દસ્તક દે છે, ત્યારે એક રસપ્રદ પરંતુ જરૂરી પ્રક્રિયા શરૂ થાય છે. દેશના ઘણા નેશનલ પાર્ક, ટાઇગર રિઝર્વ અને વન્યજીવ અભયારણ્યો પ્રવાસીઓ માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવે છે. વન્યજીવ પ્રેમીઓ માટે આ સમાચાર થોડા નિરાશાજનક હોય છે, પરંતુ પ્રકૃતિ અને જંગલના દૃષ્ટિકોણથી આ એક બહુ જ જરૂરી નિર્ણય હોય છે. જેવી રીતે મનુષ્યને સતત કામ કર્યા પછી આરામની જરૂર હોય છે, તેવી જ રીતે જંગલોને પણ કોઈપણ બાહ્ય હસ્તક્ષેપ વિના પોતાના કુદરતી જીવનચક્રને પૂર્ણ કરવા માટે થોડી પ્રાઇવસી અને થોડા એકાંતની જરૂર હોય છે. કહેવાનો અર્થ એ છે કે, ચોમાસાના દિવસોમાં ન તો જંગલ અને ન તો વન્યજીવો એવું ઈચ્છે છે કે તેમના જીવનમાં કોઈ બાહ્ય દખલગીરી થાય.

 

તમને એમ થશે કે વૃક્ષો અને છોડ તો ત્યાં જ રહે છે, તો પછી ચોમાસામાં જંગલને આખરે આરામ કોના માટે જોઈએ? પ્રાણીઓ પણ તેમના કુદરતી વાતાવરણમાં જ રહે છે, તો પછી કેટલાક મહિનાઓ માટે જંગલો બંધ કરવાનું તાર્કિક કારણ શું છે? આનો જવાબ જંગલની ઈકોલોજી અને વન્યજીવનના ચક્રમાં છુપાયેલો છે. ચોમાસાની ઋતુ જંગલોમાં પુનર્જીવનનો સમય હોય છે. ઉનાળાના મહિનાઓમાં સૂકી અને થાકેલી દેખાતી વનસ્પતિઓ વરસાદની સાથે જ ફરીથી લીલીછમ થઈ જાય છે. જમીન પર નવું ઘાસ ઉગી નીકળે છે અને વૃક્ષો પર નવા પાંદડા આવે છે. આ માત્ર હરિયાળીનું વિસ્તરણ નથી પરંતુ સમગ્ર ઈકોસિસ્ટમના પુન:નિર્માણની પ્રક્રિયા છે. જો આ સમયે માનવીય પ્રવાસન પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવે, તો વન્યજીવોના કુદરતી વર્તન પર તેની વિપરીત અસર પડી શકે છે.

 

કારણ કે આ પ્રજનનનો સમયગાળો પણ છે

 

મોટાભાગના વન્યજીવો માટે ચોમાસાની ઋતુ તેમનો પ્રજનન કાળ હોય છે. પ્રજનન કાળ દરમિયાન વન્યજીવોના વર્તનમાં ઘણો બદલાવ આવી જાય છે. વાઘ અને દીપડા જેવા શિકારી પ્રાણીઓ પણ પ્રજનન માટે સાથીની શોધ કરતી વખતે એવી પ્રવૃત્તિઓ કરે છે, જે તેમના સામાન્ય વર્તનથી અલગ હોય છે. જો આ સમય દરમિયાન જંગલોમાં પ્રવાસીઓની દખલગીરી ચાલુ રહે, તો તેમની પ્રજનન પ્રવૃત્તિઓમાં અવરોધ આવશે, તેથી જ આ ઋતુમાં તેમને એકાંત આપવું જરૂરી છે. આ જ વાત જંગલની વનસ્પતિઓ પર પણ લાગુ પડે છે. ગીચ  વનસ્પતિઓની વચ્ચે માદા વન્યજીવ પોતાના બચ્ચાઓ માટે સુરક્ષિત અને એકાંત જગ્યા શોધે છે જેથી તેઓ સુરક્ષિત રહી શકે. આથી જ આવા સમયે જંગલોમાં માનવીય પ્રવૃત્તિઓની મંજૂરી હોતી નથી. નેશનલ પાર્ક બંધ કરવાનું એક વ્યવહારિક કારણ પણ છે. ચોમાસા દરમિયાન જંગલની અંદરના કાચા રસ્તાઓ અત્યંત લપસણા અને જોખમી બની જાય છે. ઘણી જગ્યાએ નાના-નાના નાળાઓ છલકાઈ જાય છે અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આવા સમયે પ્રવાસીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. તેથી, વન વિભાગ આ સમયનો ઉપયોગ રસ્તાઓ, પુલો, જળાશયો અને અન્ય માળખાકીય સુવિધાઓના સમારકામ તથા જાળવણી માટે કરે છે.

 

પ્રવાસીઓનું વર્તન પણ એક કારણ છે

 

ખરેખર તો પ્રવાસીઓ ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અથવા એમ કહીએ કે તેઓ પોતાના ખર્ચ વસૂલ કરવાની ફિરાકમાં રહે છે, તેથી તેઓ દરેક સમયે વન્યજીવોને પોતાના કેમેરામાં કેદ કરવા માટે તેમને પરેશાન કરતા રહે છે. ચોમાસાની ઋતુમાં જ્યારે વન્યજીવો પોતાની પ્રજનનની માનસિક સ્થિતિમાં હોય છે, જો તે સમયે પ્રવાસીઓને જંગલોમાં જવાની મંજૂરી આપી દેવામાં આઑબઆવે તો તેઓ કોઈ માનવતા બતાવશે નહીં, તેના બદલે, શક્ય તેટલું અભદ્ર વર્તન કરશે. જો માણસોને આ ઋતુમાં હરવા-ફરવાની મંજૂરી હોય, તો અડધાથી વધુ પ્રાણીઓ પ્રજનન માટે એકાંત શોધી શકશે નહીં; કારણ કે પ્રવાસીઓ કેમેરો લઈને તેમની પાછળ દોડતા રહેશે. જો કે, આવા સમયે વન્યજીવો તેમના પર ગુસ્સે થઈને હુમલો પણ કરી શકે છે અને આ હુમલો જીવલેણ સાબિત થઈ શકે છે. આ બધી બાબતોની ચિંતા પ્રવાસીઓ પોતાના પ્રવાસના ઉત્સાહમાં નહીં કરે. તેથી જ, વરસાદના દિવસોમાં જંગલોને ’રિકવરી પીરિયડ’ તરીકે જોવામાં આવે છે અને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.

 

વાસ્તવમાં જંગલોને જીવંત રાખવા માટે અને વન્યજીવોના જીવનને સુચારુ રૂપે તરોતાજા બનાવી રાખવા માટે ચોમાસામાં તેમને બંધ રાખવા જરૂરી છે. કારણ કે જ્યારે વરસાદના દિવસોમાં જંગલોને બંધ કરી દેવામાં આવે છે, ત્યારે જંગલ અને વન્યજીવો પોતાના સૌથી મહત્ત્વપૂર્ણ કાર્યમાં લાગેલા હોય છે એટલે કે નવી પેઢીને જન્મ આપવામાં. વન્યજીવો આ સમયગાળા દરમિયાન આગામી પેઢીઓને જન્મ આપે છે, તો જંગલની વનસ્પતિઓ પોતાને પુનર્જીવિત કરવામાં અને જળાશયોને રિચાર્જ કરવામાં સંપૂર્ણપણે કેન્દ્રિત હોય છે. આ જ સમય દરમિયાન લાખો જીવજંતુઓ, દેડકા, અળસિયા અને અન્ય નાના જીવો સક્રિય થાય છે. આ વાસ્તવમાં જંગલની ફૂડ ચેઈન અને જંગલોની જમીનને ફળદ્રુપ બનાવી રાખવા માટેનું જરૂરી ચક્ર છે. જો આમાં અવરોધ ઊભો કરવામાં આવે તો જંગલ અને વન્યજીવો બંનેનું અસ્તિત્વ જ સંકટમાં મુકાઈ જશે. આથી જ ચોમાસામાં રાષ્ટ્રીય ઉદ્યાનોને બંધ કરી દેવામાં આવે છે.