Fri Jul 17 2026

Logo

રાહુલ કેમ આજની મૅચમાં નથી રમી રહ્યો? કેમ ગુરનૂર બ્રારને મૅચ રેફરીનો ઠપકો મળ્યો?

Cardiff   2026-07-16 19:03:26
Author: Ajay Motiwala
Article Image

કાર્ડિફઃ ઇંગ્લૅન્ડ સામેની ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ભારતે પ્રથમ મૅચ જીતીને 1-0થી સરસાઈ લીધી ત્યાર બાદ ગુરુવારની બીજી મૅચમાં ભારતે નાછૂટકે એક ફેરફાર કરવો પડ્યો જેમાં વિકેટકીપર કે. એલ. રાહુલ (Rahul)ના સ્થાને ઇશાન કિશનને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

વાત એવી છે કે રાહુલ બીમાર હોવાથી તેને આ મૅચમાંથી આરામ આપવામાં આવ્યો છે. બે દિવસ પહેલાંની પ્રથમ વન-ડેમાં તેણે ફક્ત એક રન બનાવ્યો હતો અને વિકેટકીપિંગમાં તેની થોડી કચાશ જોવા મળી હતી.

ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ટૉસ વખતે જ કૅપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે રાહુલની તબિયત સારી નથી (Not Well) એટલે તે નથી રમવાનો.

સારું રમવા છતાં ડૉસનને ડ્રૉપ કર્યો

ઇંગ્લૅન્ડે સ્પિન ઑલરાઉન્ડર લિઆમ ડૉસનને મંગળવારની પ્રથમ મૅચમાં સારું રમવા છતાં ગુરુવારની બીજી મૅચમાં પડતો મૂકવામાં આવ્યો. તેેણે મંગળવારે કપરી પરિસ્થિતિમાં 88 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 68 રન બનાવ્યા હતા અને સાતમી વિકેટ માટે જૉ રૂટ (76 બૉલમાં 76 રન) સાથે 121 રનની તોતિંગ ભાગીદારી કરી હતી. એમ છતાં ગુરુવારની બીજી મૅચમાં બે પેસ બોલર સાકિબ મહેમૂદ તથા ગસ ઍટક્નિસનને ઇલેવનમાં સમાવવા જૉશ ટન્ગની સાથે લિઆમ ડૉસનને ડ્રૉપ કરવામાં આવ્યો હતો.

ગુરનૂર બ્રારના નામે ડીમેરિટ પૉઇન્ટ

મંગળવારની પ્રથમ વન-ડેમાં એક જ ઓવરમાં ઓપનર બેન ડકેટ અને બીજા ઓપનર જેકબ બેથેલની વિકેટ લેનાર ભારતના નવા પેસ બોલર ગુરનૂર બ્રારે એક ઘટનામાં નિયમનું ઉલ્લંઘન કર્યું એ બદલ મૅચ રેફરી રિચી રિચર્ડસને બ્રારને ઠપકો આપ્યો હતો અને તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ લખ્યો હતો. બ્રારે એક તબક્કે ફીલ્ડિંગમાં બૉલ ઊંચકીને બૅટ્સમૅન બેન ડકેટ સામે ભયજનક રીતે ફેંક્યો હતો. તેની એ હરકતમાં ડકેટને ગંભીર ઈજા થઈ શકે એમ હતી. બ્રાર વિરુદ્ધ અમ્પાયરોએ ફરિયાદ કરી અને બ્રારે મૅચ રેફરી સમક્ષ ગુનો કબૂલી લેતાં સુનાવણી ટૂંકાવી નાખવામાં આવી હતી.