Fri Aug 28 2026

Logo

પહેલી જ પોસ્ટિંગ દરમિયાન ખંડણીનો આરોપ! કોણ છે આ IPS અધિકારી?

2026-04-09 16:19:02
Author: Vimal Prajapati
પહેલી જ પોસ્ટિંગ દરમિયાન ખંડણીનો આરોપ! કોણ છે આ IPS અધિકારી?

જયપુરઃ ભારત દેશમાં અનેક એવા અધિકારીઓ છે, જેમનું નામ ભ્રષ્ટાચારમાં સામે આવેલું છે. કેટલાક અધિકારીઓ તો રંગે હાથે લાંચ લેતા ઝડપાયેલા છે. પરંતુ રાજસ્થાનમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેની દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ગેરકાયદેસર ખંડણીના આરોપમાં રાજસ્થાનમાં તાલીમાર્થી IPS અધિકારીને તેમની પહેલી પોસ્ટિંગ પરથી હટાવી દેવામાં આવ્યાં છે. પોતાની પહેલી પોસ્ટિંગમાં લાંચ લેવાનું શરૂ કરી દેતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. 

ખનીજ માફિયા પાસે ખંડણી માંગી હોવાનો આરોપ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, તાલીમાર્થી IPS અધિકારી માધવ ઉપાધ્યાયને તેમની પહેલી પોસ્ટિંગ પરથી દૂર કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ખનીજનું ગેરકાયદે ખનન કરતા લોકો પાસેથી IPS અધિકારી માધવ ઉપાધ્યાયે ખંડણી માંગી હોવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે તેમને પહેલી પોસ્ટિંગ પરથી દૂર કરી દેવામાં આવ્યાં છે. આ કેસમાં અત્યારે અજમેર જીઆરપી એસપી નરેન્દ્ર સિંહને તપાસ સોંપવામાં આવી છે. 

કોની કોની સામે કરવામાં આવી કાર્યવાહી?

આ તપાસ બાદ તાલીમાર્થી IPS માધવ ઉપાધ્યાય, ગંગરાર સીઓ શિવન્યા સિંહ અને શાહબાદ સીઓ રિછપાલસ મીણાને તેમની પોસ્ટ પરથી હટાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ખંડણી કેસમાં મુખ્ય આરોપી અજય પંચાલ સહિત અન્ય આરોપીઓ વચ્ચે વોટ્સએપ વાર્તાલાપમાં 30થી 40 લાખ રૂપિયાની લેવડ-દેવડ કરવાની વાત કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, અજય પંચાલ જહાજપુરના ધારાસભ્ય ગોપીચંદ મીણાનો અંગત મદદનીશ પણ રહેલો છે. એટલું જ નહીં પરંતુ અજય પંચાલના અનેક પોલીસ કર્મચારીઓ સાથે મિત્રતા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. તપાસ દરમિયાન કેટલાક વીડિયો પણ હાથ લાગ્યાં છે. જેમાં આરોપી પંચાલ સાથે પોલીસ કર્મચારીઓ પાર્ટી કરી રહ્યાં છે. આ કેસ રાજસ્થાન સહિત આખા ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે.