અમદાવાદઃ રાજ્યમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં સવારે 8 થી 10ના સમયગાળામાં 19 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ડાંગના સુબીરમાં સૌથી વધુ 1.18 ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપીના ઉકાઈમાં 0.51 ઇંચ, ઉચ્છલમાં 0.43 ઇંચ, ચીખદામાં 0.39 ઇંચ, ઉમરપાડામાં 0.28 ઇંચ, સોનગઢમાં 0.24 ઇંચ, કુકરમુંડામાં 0.20 ઇંચ, સાગબારામાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો હતો. સવારે 8 થી 10 કલાકમાં સૌરષ્ટ્રના એક પણ તાલુકામાં વરસાદ પડ્યો નહોતો.
અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ
અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં છે યલો એલર્ટ
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડશે. દમણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આજે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડોદરા સહિત 22 જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
આવતીકાલે ક્યાં છે વરસાદની આગાહી
આવતીકાલ, તા. 13 સપ્ટેમ્બરે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અને સમગ્ર રાજ્યમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે.
14 અને 15 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રહેશે. 14 સપ્ટેમ્બર ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 15 સપ્ટેમ્બરના રોજ વરસાદનું મુખ્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 17 સપ્ટેમ્બરે કોઈ મોટી હવામાન સિસ્ટમમાં ફેરફારની આગાહી નથી.