Tue Jun 30 2026

Logo

WhatsApp Users માટે મહત્ત્વનું અપડેટઃ હવે ફોન નંબર વગર પણ ચેટ થશે, જાણી લો કઈ રીતે...

2026-06-30 09:59:00
Author: Darshana Visaria
Article Image

દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ હવે પોતાના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી ફીચર લાવી રહ્યું છે. હવે વોટ્સએપ પર કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવા માટે તમારે તમારો પર્સનલ ફોન નંબર આપવાની જરૂર નહીં પડે, કારણ કે કંપનીએ 'યુઝરનેમ' રાખવાની સુવિધા શરૂ કરી દીધી છે. મેટાએ 29મી જૂનના રોજ આ ફીચરની સત્તાવાર જાહેરાત કરી છે. હાલમાં યુઝરનેમ રિઝર્વ એટલે કે એડવાન્સ બુકિંગ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ વર્ષના અંત સુધીમાં આ ફીચર તમામ યુઝર્સ માટે રોલઆઉટ થઈ જશે.

શું છે આ નવું પ્રાઇવસી ફીચર?
અત્યાર સુધી વોટ્સએર પર કોઈને મેસેજ કરવા કે મેળવવા માટે ફોન નંબર હોવો અનિવાર્ય હતો. પરંતુ આ નવા ફીચર બાદ તમારી ઓળખ તમારા યુઝરનેમથી થશે. કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે તમે કોઈ નવી વ્યક્તિ કે બિઝનેસ એકાઉન્ટને પહેલીવાર મેસેજ કરશો, ત્યારે જો તમે યુઝરનેમ ઓપ્શન ચાલુ રાખ્યો હશે તો સામેવાળી વ્યક્તિને તમારો ફોન નંબર દેખાશે નહીં. ફોન નંબર આપણી અંગત જિંદગી અને બેંકિંગ જેવા મહત્વના કામો સાથે જોડાયેલો હોવાથી, પ્રાઇવસીને વધુ મજબૂત કરવા વ્હોટ્સએપે આ મોટું પગલું ભર્યું છે.

અત્યારથી જ કેમ બુક કરવું પડશે યુઝરનેમ?
વ્હોટ્સએપના વિશ્વભરમાં 3 અબજથી વધુ યુઝર્સ છે. આટલા મોટા યુઝરબેઝના કારણે બે વ્યક્તિના નામ એકસરખા હોવાની કે તમારું મનપસંદ નામ અન્ય કોઈ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા છે. આથી જ કંપનીએ 'યુઝરનેમ રિઝર્વેશન' પહેલાથી જ ઓપન કરી દીધું છે જેથી દરેક વ્યક્તિ સમયસર પોતાનું મનગમતું નામ બુક કરી શકે. આ યુઝરનેમ 3થી 35 કેરેક્ટર્સની વચ્ચેનું હોઈ શકે છે. સેલિબ્રિટીઝ કે પ્રખ્યાત હસ્તીઓના નામનો કોઈ દુરુપયોગ ન કરે તે માટે કંપનીએ તેમના નામ પહેલેથી જ રિઝર્વ રાખ્યા છે.

કેવી રીતે રિઝર્વ કરશો તમારું વ્હોટ્સએપ યુઝરનેમ?
⦁    સૌથી પહેલા તમારા ફોનમાં વોટ્સએપને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
⦁    એપ ઓપન કરીને સેટિંગ્સમાં જાઓ.
⦁    ત્યારબાદ એકાઉન્ટ પર ક્લિક કરીને યુઝરનેમ ઓપ્શન પર ટેપ કરો.
⦁    અહીં તમે તમારું મનગમતું નામ ટાઈપ કરીને ચેક કરી શકો છો. જો તે ઉપલબ્ધ હશે તો એપ તમને જણાવી દેશે અને તમે તેને સેવ કરી શકશો.

સિક્યોરિટી માટે ખાસ 'કી' ઓપ્શન
ઈન્સ્ટાગ્રામની જેમ વ્હોટ્સએપ પર યુઝરનેમ સર્ચ કરવા માટે કોઈ ડાયરેક્ટરી કે પબ્લિક સર્ચ લિસ્ટ નહીં હોય. એટલે કે, કોઈની સાથે વાત કરવા માટે તમારી પાસે તેનું સાચું અને પૂરું યુઝરનેમ હોવું જરૂરી છે. આ સિવાય કંપની એક ઓપ્શનલ સિક્યોરિટી 'કી' પણ આપી રહી છે. જો તમે આ ઓપ્શન સેટ કરશો, તો માત્ર એ જ લોકો તમને મેસેજ કરી શકશે જેમના વ્હોટ્સએપમાં તમારી એ ગુપ્ત 'કી' સેવ હશે. તમે ઈચ્છો ત્યારે તમારું યુઝરનેમ બદલી કે બંધ પણ કરી શકો છો.

ક્રિયેટર્સ અને બિઝનેસ માટે સોનેરી તક
જે ક્રીએટર્સ, નાના વેપારીઓ કે ઈન્સ્ટિટ્યૂટ સોશિયલ મીડિયા પર પોતાની એક સરખી બ્રાન્ડ આઈડેન્ટિટી જાળવી રાખવા માંગે છે, તેઓ વ્હોટ્સએપ પર પોતાનું ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક વાળું જ યુઝરનેમ 'ક્લેમ' કરી શકશે. ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ આ સુવિધા પહેલાંથી જ આપતી હતી, પરંતુ હવે વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપ પર આ ફીચર આવવાથી યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ તદ્દન બદલાઈ જશે.