પ્રફુલ શાહ
મેગા સુપરસ્ટાર રજનીકાંત એક સમયે બૅંગલોરમાં બસ કન્ડકટર હતા. પણ ત્યારે આ મહારાષ્ટ્રીયન કન્નડીગાનું મૂળ નામ હતું શિવાજીરાવ ગાયકવાડ. એજ રીતે અભિનેતા, દિગ્દર્શક અને રાજકારણી સ્વ. સુનીલ દત્તે અભિનેતા બનવા અગાઉ બસમાં ટિકિટ આપી હતી. બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી તરીકે બસની ટિકિટ આપ્યા બાદ જોહની વૉકર બનીને પડદા પર ‘સર જો તેરા ટકરાયે...’ ગાઈને હસાવનાર તો યાદ જ હશે!
સુનીલ દત્ત અને વૉકરે જે બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ માટે કર્યું હતું, એ ‘બેસ્ટ’ના જ એક કર્મચારીની વાત કરવાની છે અહીં. એનું નામ અશોક શેરેગર. એવું તે શું કર્યું હતું આ ‘બેસ્ટ’ મેને?. એક કૌભાંડ, સાવ સરળ પણ એકદમ અનોખું. એના ફળદ્રુપ ભેજાની ઉપજ એટલે વૈભવ લક્ષ્મી, ધનવર્ષા, મહાલક્ષ્મી, કુબેર અને ગોલ્ડન ચેઈન સ્કીમ. આ બધી યોજનાઓના નામ હતા. આ રૂપકડા નામ પાછળ હતી લલચાવનારી ઓફર. રોકાણકારો માટે અધધ કમાણી કરી લેવાનો સોનેરી અને એકમાત્ર અવસર હોય એવી આભા ઊભી કરી દેવાઈ હતી.
ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે ધનવાન. સૌને ફટાફટ કમાણીમાં રસ હોય, પરંતુ અમુક વિચારે કે સાવ ઓછા સમયમાં અધધ કમાણી શકય છે? તાર્કિક છે? કે પછી કોકમને બદલે પૂરેપૂરી દાળ જ કાળી છે? કમનસીબે, છાશવારે આવી સ્કીમ આવે છે, લોકો ફસાય છે. રાતા પાણીએ રડે છે. થોડા સમય બાદ ફરી ક્યાંક આવી સ્કીમ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે.
અશોક શેરેગરની સ્કીમમાં હતું શું? ઓછામાં ઓછા રૂા. બે હજારનું રોકાણ કરો અને છ મહિનામાં બમણાં પાછા લઈ જાઓ. આમાં સૌથી પહેલા નાના રોકાણકારો અને ખાસ તો બસ કંડકટર અને ડ્રાઈવર પર ફોકસ કરાયું. આમાંથી ઘણાં ભોળવાઈ ગયા. પોતે રોકાણ તો કર્યું જ પણ સાથોસાથ સગાસંબંધી, મિત્રો, પાડોશી અને ઓળખીતા-પાળખીતાને ય વાત કરી. આ મુખામુખમ પ્રચારનો પ્રભાવ કંઈ ભળતો જ હોય છે.
શેરેગર લાલચ અને વિશ્ર્વાસનો પિરામિડ રચતો ગયો. શરૂઆતમાં રૂપિયાનું રોલિંગ થતું ગયું. એ પૈસા ફેરવતો ગયો. રોકાણકારોના પૈસા જ એકના બીજાને ને બીજાને ત્રીજાને આપતો ગયો. કમનસીબે કોઈએ પૂછયું નહિ કે ભાઈ આટલી ઝડપથી રકમ બમણી કરવા માટે તું શેનો વેપાર કરે છે? કેવી રીતે રોકાણ કરે છે? કેટલા ટકા નફો રળે છે? એવો તે કયો ધંધો છે કે જે છ મહિનામાં રકમ બમણી કરી આપે? જો તું આ ડબલ કરી શકે છે તો બીજા કેમ કરી શકતા નથી? શંકા સચોટ હતી પણ સૌને આ માથાકૂટમાં નહિ, પોતાના ડબલ કરવામાં જ દિલચસ્પી હતી.
આ રોકાણકારોની ચેઈન એકવાર ધીમી પડે કે અટકે એટલે આખો પિરામિડ કડડભૂસ થતા વાર લાગતી નથી. અત્યાર સુધી લોકોના વિશ્ર્વાસ અને ફટાફટ કમાઈ લેવાની વૃત્તિનો ગેરલાભ લેનારા અશોક શેરેગર માટે ઉપાધિ આવવાની હતી એ નક્કી, પછી એ થોડી વહેલી આવે કે બહુ મોડી.
1996માં શરૂ થયેલા આ ફટાફટ કમાણી કૌભાંડનો શિકાર બન્યા સાંઠ હજારથી વધુ રોકાણકારો. બિચારા એક એક કાળી મજૂરી કરનાર, પેટ કાપીને બચત કરનારા અને પોતીકા ઘર-સંતાનોના શિક્ષણ અને લગ્નના મીઠાં સપનાં જોનારા હતા. એક અંદાજ મુજબ રોકાણકારોની રૂા. 100 કરોડ જેટલી રકમ આ ષડ્યંત્રમાં ફસાઈ ગઈ હતી.
શેરેગરની સફળતા જ એને ભારે પડી ગઈ. રોકાણકારો ધડાધડ વધવા માંડતા એમને છ મહિનામાં ડબલ કરીને આપવાનું મુશ્કેલ બનવા માંડ્યું હતું. એમાંય આ ભાઈડાએ શરૂઆતમાં છ મહિનામાં રોકાણ બમણું કરી આપવાની લાલચનું ગાજર ધર્યું હતું. પછી તો માત્ર એક મહિનામાં - હા, 30 દિવસમાં જ ડબલ કરી આપવાનો ગોળ કોણીએ ચોંટાડ્યો હતો.
અશોક શેરેગરનો ફુગ્ગો ફૂટી ગયો. વચન મુજબ રકમ ન મળે, ચેક બાઉન્સ થાય, વચનબાજી થાય અંતે મામલો પહોંચી ગયો પોલીસ સ્ટેશનના દરવાજે. (ક્રમશ:)