તમે જ્યારે પણ ઘરે બેસીને ઓનલાઈન ગરમાગરમ પિત્ઝા ઓર્ડર કરો છો, ત્યારે બોક્સ ખોલતાની સાથે જ પિત્ઝાની બરાબર વચ્ચે પ્લાસ્ટિકનું એક નાનકડું ત્રિપાઈ, સ્ટુલ જેવું દેખાતું એક સ્ટેન્ડ જોવા મળે છે. ઘણા લોકો તેને રમકડું કે ખાલી શો-પીસ સમજે છે, પરંતુ પિત્ઝાને તમારા સુધી સુરક્ષિત પહોંચાડવામાં આ નાનકડી વસ્તુનો બહુ મોટો હાથ છે. ચાલો આજે તમને આ નાનકડાં સ્ટુલનું શું કામ છે અને તેમ કેમ આટલું મહત્ત્વનું છે એ વિશે જણાવીએ...
પિત્ઝાની વચ્ચે મૂકવામાં આવતા આ નાનકડા પ્લાસ્ટિકના સ્ટૂલને 'પિત્ઝા સેવર' (Pizza Saver) કહેવામાં આવે છે. તેને 'પિત્ઝા ટેબલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પિત્ઝા ગરમાગરમ બોક્સમાં પેક થાય છે, ત્યારે વરાળના કારણે પિત્ઝાના કાર્ડબોર્ડ (કાગળ)નું બોક્સ ઉપરથી નરમ પડીને નીચે તરફ નમવા લાગે છે. જો આ પિત્ઝા સેવર ન મૂકવામાં આવે, તો બોક્સનું ઉપરનું ઢાંકણું પિત્ઝાના પીગળેલા ચીઝ અને મોંઘા ટોપિંગ્સ સાથે ચોંટી જાય અને પિત્ઝાનો લૂક અને સ્વાદ બંને બગડી શકે છે. પરિણામે પિત્ઝા પર આ પિત્ઝા સેવર મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી.

ડિલિવરી બોય જ્યારે બાઇક પર પિત્ઝા લાવે છે ત્યારે કોઈ વાર રસ્તા પરના સ્પીડ બ્રેકર, ખાડાને કારણે આવતા આંચકાના કારણે પિત્ઝા બોક્સના ઢાંકણા સાથે અથડાઈને બધું વેર-વિખેર ન થઈ જાય એ માટે આ પિત્ઝા સેવર ખૂબ જ કામનું છે. આવા સમયે આ 'પિત્ઝા સેવર' બોક્સ અને પિત્ઝા વચ્ચે એક દીવાલ બનીને ઊભું રહે છે. નામ પ્રમાણે જ તે ખરેખર પિત્ઝાને ખરાબ થતા 'સેવ' કરે છે એટલે કે બચાવી લે છે.
નજર કરીએ પિત્ઝાના રસપ્રદ ઈતિહાસ પર તો એની શરૂઆત 18મી કે 19મી સદીમાં ઇટાલીના નેપલ્સ (Naples) શહેરમાં થઈ હતી. શરૂઆતમાં તે ગરીબ મજૂરો માટે એક સસ્તું, સરળ અને ઝડપથી ખાઈ શકાય તેવું ભોજન હતું. ત્યાર બાદ 1940ના દાયકામાં ઈટાલીના પ્રવાસીઓ આ સ્વાદ અમેરિકા (USA) લઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે અમેરિકન સૈનિકો ઇટાલીથી પાછા ફર્યા, ત્યારે તેમણે પિત્ઝાના એટલા વખાણ કર્યા કે જોતજોતામાં તે આખી દુનિયાનું ફેવરિટ ફાસ્ટ ફૂડ બની ગયું.
ચોંકી ગયા ને તમે આ માહિતી વાંચીને? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી નોખી-અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.