અંકિત દેસાઈ
નાનપણથી જ જેમના કાનમાં એક વાક્ય મંત્રની જેમ ફૂંકવામાં આવે છે કે ‘જોજે, તું તો બહુ ડાહ્યો દીકરો છે, તારે કોઈને હેરાન નથી કરવાના.’
એ બાળકના અચેતન મનમાં એક અદૃશ્ય બંધારણ ઘડાવા લાગે છે. આ બંધારણની પહેલી કલમ એ હોય છે કે પોતાની ઇચ્છાઓ, ગુસ્સો કે નબળાઈઓને દબાવીને હંમેશાં અન્યોની અપેક્ષાઓ પર ખરા ઊતરવું. મનોવિજ્ઞાનની ભાષામાં આ માનસિક સ્થિતિને ‘ગુડ બૉય સિંડ્રોમ’ કહેવામાં આવે છે. આ કોઈ તબીબી બીમારી નથી,પરંતુ એક એવી સામાજિક અને માનસિક કન્ડિશનિંગ છે, જેમાં એક પુરુષ આખી જિંદગી ‘પરફેક્ટ’ અને ‘સજ્જન’ દેખાવાના ચક્કરમાં પોતાના અસલી અસ્તિત્વને હોમી દે છે.
સદ્દગુણી હોવું અને ‘ગુડ બૉય સિંડ્રોમ’નો શિકાર હોવું એ બંને વચ્ચે એક બહુ બારીક રેખા છે. સદ્દગુણી એ ભીતરની સહજતા છે, જ્યારે આ સિંડ્રોમ એ અન્યોની સ્વીકૃતિ મેળવવા માટે પહેરેલો એક ભારેખમ મુખવટો છે જે સમય જતાં પુરુષના માનસિક સ્વાસ્થ્યને અંદરથી કોતરી ખાય છે.
આ સિંડ્રોમની શરૂઆત બહુ નિર્દોષતાથી થાય છે. ઘરમાં માતા-પિતાને રાજી રાખવાં, શાળામાં શિક્ષકોની ગુડ બુકમાં રહેવા અને સમાજમાં એક આદર્શ દાખલો બનવા માટે બાળક પોતાની નાની-નાની જીદ અને લાગણીઓનો ત્યાગ કરવાનું શીખી જાય છે. તે સમજી લે છે કે જો તે પોતાની ઇચ્છા વ્યક્ત કરશે તો કદાચ તે ‘ખરાબ’ ગણાશે અને લોકોનો પ્રેમ ગુમાવી બેસશે. આ ભય પુખ્ત વયે પણ તેનો પીછો નથી છોડતો. મોટો થઈને આવો પુરુષ એક એવી વ્યક્તિ બને છે જે ક્યારેય કોઈને ‘ના’ કહી શકતો નથી.
ઑફિસમાં બૉસ ગમે તેટલું ઓવરટાઇમ કામ આપે, મિત્રો ગમે ત્યારે આર્થિક કે માનસિક મદદ માગે કે પરિવાર તરફથી ગમે તેટલી બિનવ્યાવહારિક અપેક્ષાઓ રાખવામાં આવે, તે હંમેશાં સ્મિત સાથે ‘હા’ ભણે છે. આ ‘હા’ની પાછળ તેની ભલાઈ ઓછી અને નકારી દેવાવાનો, એકલા પડી જવાનો કે અપ્રિય બનવાનો ભય વધુ હોય છે. તે દરેક વ્યક્તિને ખુશ રાખવાના અશક્ય મિશન પર નીકળેલો એક એવો સૈનિક છે જે અંતે પોતાના જ હાથે પરાજિત થાય છે.
તાર્કિક રીતે વિચારીએ તો જે પુરુષ આટલો સારો, વિનમ્ર અને મદદગાર હોય તેનું જીવન તો સુંદર હોવું જોઈએ, પણ હકીકત તેનાથી તદ્દન વિપરિત હોય છે. ‘ગુડ બૉય સિંડ્રોમ’ ધરાવતા પુરુષો અંદરથી અતિશય અકળામણ અને ગુપ્ત આક્રોશ અનુભવતા હોય છે. તે પોતાની ભાવનાઓને સતત દબાવતા હોવાથી તેમનો આક્રોશ ક્યારેય બહાર આવી શકતો નથી, પરિણામે તે ‘પેસિવ-એગ્રેસિવ’ એટલે કે પરોક્ષ ગુસ્સામાં પરિવર્તિત થાય છે.
તેઓ સીધો વિરોધ નથી કરી શકતા, એટલે અંદર જ અંદર કડવાશ ઘૂંટતા રહે છે. તેમને હંમેશાં એવો અહેસાસ રહે છે કે તે બધા માટે આટલું બધું કરે છે છતાં કોઈ તેમની કદર નથી કરતું. આ લાગણી લાંબા ગાળે એન્ઝાયટી અને ડિપ્રેશન તરફ દોરી જાય છે. સૌથી મોટું નુકસાન એ થાય છે કે સામાજિક રીતે પણ આવી વ્યક્તિઓને ઘણીવાર ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ લેવામાં આવે છે. લોકો તેમની ભલાઈને તેમની નબળાઈ સમજી બેસે છે અને તેમના ખભા પર પગ મૂકીને આગળ નીકળી જાય છે.
લગ્નજીવન અને અંગત સંબંધોમાં પણ આ સિંડ્રોમ એક મોટો અવરોધ બને છે. ‘ગુડ બૉય’ ક્યારેય પોતાની સાથીદાર સામે સ્પષ્ટપણે પોતાની જરૂરિયાતો કે નારાજગી વ્યક્ત કરી શકતો નથી. તે વિવાદોથી એટલો ડરતો હોય છે કે ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે પોતાના આત્મસન્માન સાથે પણ બાંધછોડ કરી લે છે, પરંતુ જ્યારે કોઈ સંબંધમાં અસહમતી અને તંદુરસ્ત દલીલો માટે જગ્યા ન બચે ત્યારે એ સંબંધ ધીમે-ધીમે પોકળ બનવા લાગે છે.
પત્ની કે પાર્ટનરને પણ સમય જતાં એવો અહેસાસ થાય છે કે આ વ્યક્તિનું પોતાનું કોઈ મક્કમ સ્ટૅન્ડ જ નથી, તે દરેક વાતમાં માત્ર સહમતી જ દર્શાવે છે. બીજી તરફ પુરુષત્વનો એક અગત્યનો ગુણ છે ‘અસર્ટિવનેસ’ એટલે કે મક્કમતા, જે આ સિંડ્રોમને કારણે સાવ લુપ્ત થઈ જાય છે. પોતાના નિર્ણયો જાતે ન લઈ શકવા અને કરિયર કે જીવનના વળાંકો પર પરિવાર કે સમાજની ઇચ્છા મુજબ જ ચાલવું એ આ આદર્શવાદી પુરુષોની આજીવન નિયતિ બની જાય છે.
આ માનસિક ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ છે અને તે છે આત્મ-જાગૃતિ. દરેક પુરૂષે એ સ્વીકારવું પડશે કે પોતે માણસ છે, કોઈ સુપરહીરો કે ભગવાન નથી કે જે બધાને આજીવન ખુશ રાખી શકે. પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરવો અને જરૂર પડે ત્યારે વિનમ્રતાપૂર્વક પણ દૃઢતાથી ‘ના’ કહેતા શીખવું એ કોઈ પાપ નથી, પણ આત્મરક્ષણનો એક હિસ્સો છે. વિરોધ કરવો કે પોતાની ઇચ્છા વ્યક્ત કરવી એનો અર્થ એ નથી કે વ્યક્તિ ખરાબ થઈ ગયો. તંદુરસ્ત સંબંધો હંમેશાં પરસ્પરના આદર અને સ્પેસ પર ટકે છે, નહીં કે એક વ્યક્તિના સતત બલિદાન પર.
પોતાની જાતને પ્રેમ કરવો અને પોતાના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી એ સ્વાર્થ નથી,પણ એક સ્વસ્થ જીવનની અનિવાર્યતા છે. આદર્શ દીકરો, ભાઈ કે પતિ બનવાના પ્રયાસમાં એક સારો ‘માણસ’ તરીકે પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દેવું એ કોઈ સમજદારી નથી. મુખવટો ઉતારીને પોતાની અસલી ઓળખ સાથે જીવવું, એ જ આ અદૃશ્ય બંધનમાંથી મુક્તિનો સાચો માર્ગ છે.