Thu Jun 25 2026

Logo

ફૂડ ઇન્સ્પેક્ટરોને કંઇ ડયૂટી મળી?

2026-03-15 12:33:00
Author: Mumbai Samachar Team
Article Image

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘કાન ખોલીને સાંભળી લો. આવતા શનિવાર- રવિવારની જાહેર રજા તમારા લોકો માટે કેન્સલ કરી છે.’ ફૂડ સેફટી ખાતાના મોટા સાહેબે બેઠકમાં ફૂડ ઇન્સ્પેક્ટરોને સૂચના આપી. બેઠકમાં ગણગણાટ ચાલુ થઇ ગયો.

‘કાન ખોલીને સૂચના સાંભળ્યા પછી બીજા કાનેથી કાઢી નાંખવાની છૂટ છે?’ રમેશ નામના ફૂડ ઇન્સ્પેક્ટરે ધીમેથી પૂછયું.

‘સાલ્લું આપણે તો ગુમાસ્તાથી પણ ગયા. દર અઠવાડિયે ગુમાસ્તાને અઠવાડિક રજા મળે છે. આપણે તો ગધેડાની જેમ ડયૂટી કરવાની. ફેમિલી તો પાંજરાપોળ મુકી આવવાની.’ ચંદુ ચૌદસે કકળાટ કર્યો.

‘સાહેબ, આવતા શનિવાર રવિવાર રાજ રંડાઇ જવાનું છે?’ ગણપત ગાંગડાએ કડક પ્રતિક્રિયા આપી.

‘ના, અગત્યનું કામ છે.’ મોટા સાહેબે જવાબ આપ્યો.

‘અમારી રજા કેમ કેન્સલ કરવામાં આવી તે હું જાણી શકું?’ લોભશંકરે રજા રદ કરવાનું કારણ જાણવા માંગ્યું.

‘કોઇ પીએમફીએમ શહેરની મુલાકાતે આવતા હશે. ચૂંટણી પત્યા પછી હોમ મિનિસ્ટર રોડ શોના નામે તાયફા કરવા આવતા હશે. દિલ્હીમાં બેસી ફાઇલો કલીયર કરવાને બદલે દર મહિને રજાના દિવસે શહેરમાં અણગમતા અતિથિની જેમ આવે છે અને આપણી રજા પર પલાંઠી વાળીને બેસી જાય છે.’ હર્ષદ હથોડાએ બળતરા વ્યક્ત કરી.

‘શહેરમાં કોઇ વીઆઇપી કે વીવીઆઇપી મુવમેન્ટ હોય તો તેના ફૂડડ્રીંકના ટેસ્ટિંગ માટે તો મોબાઇલ ફૂડ લેબોરેટરી હોય છે. હેડ ઓફિસે બેચાર ફૂડ ઇન્સ્પેક્ટર લીવ રિઝર્વ હોય છે. તો આપણી રજાની મા પૈણવાની કયાં જરૂર છે?’ કોઈ એકે ભડાશ કાઢી.: 

 ‘રજાઓમાં અમારે કરવાનાં કામો રઝળી જશે. તમને તમારી ઘરવાળીને લીધે ઘર ખાવા દોડતું હોય તેની સજા અમને કેમ કરો છો? નાના કર્મચારી પર થોડી રહેમ કરો.’ સૌએ ગુહાર લગાવી.

‘એકાદવાર રજા કેન્સલ થાય તેમાં આટલો શું કકળાટ કરો છો? સરકારી નોકર ચોવીસ કલાક નોકરી કરવા બંધાવેલ હોય છે. તમારા કરતાં તો શિક્ષકો એટલે કે પંતુજી સારા ચૂંટણી, મતદાર યાદી સુધારણા, વસ્તી ગણતરી વગેરે કામગીરી ભણાવવા ઉપરાંત કશો કકળાટ કર્યા વિના કરે છે. બાકી હતું તો સરકારે કૂતરાંની ગણતરીનું કામ પણ પકડાવી દીધું છે.’ મોટા સાહેબે શિક્ષકોની પ્રશંસા કરી.

‘સાહેબ, માસ્તરની નોકરીમાં તો છ મહિનાની નોકરી ને છ મહિનાની રજા હોય છે. અમને તેના જેટલું વેકેશન કયાં મળે છે?’

‘જુઓ, મને તમને હેરાન કરવાનો શોખ નથી. ઉપરથી ઓર્ડર છે.’ મોટા સાહેબે લાચારી જાહેર કરી.

‘એટલે?’ સૌએ એક અવાજે પૂછયું.

‘આપણું બજેટ મહાનગરપાલિકાના બોર્ડમાં આવતા શનિવાર-રવિવારે રજૂ થવાનું છે.’

‘દર વરસે બજેટ રજૂ થાય છે. તેના માટે અમારી રજા કયાં કેન્સલ થાય છે?’ ગણપત ગાંગડાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો.

‘મહાનગરપાલિકાના બોર્ડની બેઠકમાં બજેટ રજૂ થવાનું છે. તેમાં તમારે તમામે હાજર રહેવાનું છે. ઉપરથી આ સૂચના મળી છે.’ મોટા સાહેબે સરકારની સૂચનાની દુહાઇ દોહરાવી.

‘અમારું ત્યાં શું કામ છે? આ કામ તો વિપક્ષ કે ટ્રેઝરી બેંચના કોર્પોરેટરોએ કરવાનું હોય. અમારે નહીં.’ 

‘ચૂપ,એકદમ ચૂપ...તમે લોકો દિવાળી સમયે ફરસાણ-મીઠાઇના નમૂના લો છો તેનો લેબોરેટરી રિપોર્ટ હોળી સમયે આવે છે. ઉતરાણમાં ઊંધિયાજલેબીના સેમ્પલ લો છો તેનો રિપોર્ટ નવરાત્રીમાં આવે છે. જે નમૂના લીધો હોય તે લેબોરેટરીમાં ફેલ થાય તો શું પગલાં લો છો? તમે પાંચ ગ્રામ ફાંફડાનું સેમ્પલ લઇ પાંચ-દસ કિલો ફાફડા-જલેબી બંધાવીને ઘરે લઇ જાવ છો.....એની મને ખબર છે.’ મોટા સાહેબે બધાનો કલાસ લઇ લીધો.

‘ઓ કે. કોઠી ધોઇને અમારે કાદવ કાઢવો નથી.સાહેબ બોલો,બજેટ બેઠકમાં અમારે શું કરવાનું છે?

‘આ બેઠકમાં મેયર, કોર્પોરેટર, કમિશનર પત્રકાર વગેરેને ચા- નાસ્તો સર્વ થવાના છે.’ મોટા સાહેબે માહિતી આપી.

‘તો અમારે ચા-નાસ્તાના સેમ્પલ્સ ચેક કરવાના છે? એના માટે એક-બે ફૂડ ઇન્સ્પેક્ટર તો પૂરતા થઇ રહે. અમારે બધાએ ત્યાં બે દિવસ જવાની કયાં જરૂર છે?’ હર્ષદ હથોડાએ પ્રશ્રનો હથોડો ઝીંક્યો.

‘તમારે ત્યાં ચાનાસ્તાના સેમ્પલ લેવા જવાનું નથી.’ મોટા સાહેબે બોમ્બ ફોડ્યો.

‘જે સપ્લાયર ચાનાસ્તો સપ્લાય કરનાર છે તે વેઇટર પ્રોવાઇડ કરવાના નથી.’ મોટા સાહેબે ચોંકાવનારી માહિતી શેર કરી.

‘હૈહેંએએએએ’ બધા હકાબકા રહી ગયા.