Tue Jul 28 2026

Logo

હેં શું કહ્યું? બીજા દેશમાં ઘૂસવા ઘેટાબાજી?

2026-02-22 10:37:00
Author: Mumbai Samachar Team
Article Image

ઊડતી વાત - ભરત વૈષ્ણવ

`સૌ લોકો તૈયાર છો?' એજન્ટ જેવા માણસે સૌને પૂછયું.

`યેસ કમાન્ડર.વી આર રેડી.' સૌએ ગર્મજોશીથી જવાબ આપ્યો. બધાએ હાથ હલાવી મક્કમતા વ્યક્ત કરી. સૌએ સામે જોયું. પેલે પાર રંગીન સપનાઓ મૃગજળની માફક લહેરાતા હતા. પેલે પાર સુખચેનની લકઝુરિયસ જિંદગી પ્રતીક્ષા કરતી હતી. જોકે કઠિનતમ રાહ હતો. સૌના મનમસ્તિક પર સપનાનો કૈફ ચડેલો હોય તેમ ડોલતા હતા.

`સામાનનું કેમનું છે? રોબર્ટ નામના માણસે પૂછયું.

`અલ્યા, તાં ખસી ગયું છે?' કમાન્ડરે રોબર્ટનું મોઢું તોડી લીધું.

`એમ કેમ પૂછો છો?' રોબર્ટે સામો સવાલ પૂછયો.

`સામાન સાથે જશો તો પકડાઇ જશો. તું ચાર પગે સામાન સાથે ચાલી શકીશ?' કમાન્ડરે ધારદાર કવેરી કાઢી.જેનો રોબર્ટ પાસે કોઇ ખુલાસો ન હતો. ત્યાં પહોંચ્યા પછી તો સામાનની જરૂર પડે કે નહીં? રોબર્ટ વાતનો છાલ છોડતો ન હતો.

`ભઇ, તમારી પાસે ડૉલર હશે તો સામાન કે સ્ત્રી પણ મળી જશે. જીવતો નર ભદ્રા પામે. તમે ડેસ્ટિનેશને પહોંચો તે અગત્યનું છે. તમારી જર્ની ખતરોસે ખાલી નહીં હૈ.' કમાન્ડરે આવનાર મુસીબતથી આગાહ કર્યા.

`હા, એ વાત સાચી છે.' 

`તમે સૌ મારી ફી લાવ્યા છો? જે લોકો પૂરી ફી આપશો તેને હું કોસ્ચ્યુમ અને ગેટઅપ આપીશ.' કમાન્ડરે મુદ્ાની વાત કરી. દરેકે વારાફરતી પંચોતેર હજાર ડૉલર કમાન્ડરના હાથમાં પકડાવ્યા. બાકીના એક લાખ સામેના દેશમાં પહોંચ્યા પછી કમાન્ડરના સાગરીતને આપવાના હતા. કમાન્ડર કોઇ એક દેશનો નાગરિક ન હતો. તે ઘણા બધા દેશોનો  સિટીઝન હતો. એમાંથી કઈ સિટીઝનશીપ સાચી હતી તે અંગે શંકા હતી. કમાન્ડર અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, મેક્સિકન અને સ્પેન ભાષા તે દેશના નાગરિક કરતાં અવ્વલ દરજ્જાની બોલી શકતો હતો.

`કમાન્ડર, બીજો કોઇ રૂટ નથી?' એડમ્સે પૂછયું. એડમ્સ અલ્બેનાનો બેરોજગાર આઇટી એન્જિનિયર હતો. તે બીજા દેશમાં ઘૂસી ડૉલરના ઢગ કમાવા ઇચ્છતો હતો.

`તમને લોકોને સૂટકેસમાં સાંકડમુકકડ ચોવીસ પચ્ચીસ કલાક બેસીને પહોંચવું ફાવશે? માઇનસ વીસ ડિગ્રીમાં ભૂખ્યા તરસ્યા સાડત્રીસ કિલોમીટર સામાન સાથે ચાલતા ફાવશે? રેફ્રિઝરેટેડ વાહનમાં માઇનસ અઢાર ડિગ્રીમાં ત્રીસ કલાક બેસવાનું ફાવશે? પ્લેનના લેન્ડ ગિયર એટલે કે પૈડાની જગ્યામાં છત્રીસ હજાર ફૂટ માઇનસ ચાલીસ ડિગ્રીમાં ચાર કલાક મુસાફરી કરવાનું ફાવશે?' કમાન્ડરે ભયાવહ વિકલ્પો સૂચવ્યા.

`કમાન્ડર, પેલો ડન્કી રૂટ છે. તેનાથી ન જઇ શકાય?' એડમ્સે પૃચ્છા કરી.

`એ રૂટ પર ઠેર ઠેર અમેરિકાના સૈનિકો એલએમજી મશીનગન લઇને ઊભા હોય છે. જરાક શંકા લાગે એટલે ધડાધડ ફાયરિગ કરીને તમને પૂરા કરી નાંખશે. તમે મડદું થઇને અમેરિકા જઇને શું કરશો? જીવતા હશો તો બે ડૉલર કમાશો.' કમાન્ડરે સૌને ડરાવ્યા.

`હજુ તમારે લોકોને જવાની વાર છે. ચાલો તમે ચાલવાની પ્રેકટિસ કરો.' કમાન્ડરે કમાન્ડ આપ્યો.

`બરાબર છે?' સૌ એમ પૂછી બે પગે બગીચામાં ટહેલતા હોય તેમ ચાલે છે.

`કપાળ તમારું!' 

`તો ? કેવી રીતે ચાલવાનું છે?' કમાન્ડરના ગુસ્સાથી સૌ ડઘાઇ ગયા.

`ચાર પગે ચાલવાની પ્રેક્ટિસ કરો. તમારે બે પગે ચાલીને નહીં, પરંતુ ચાર પગે ચાલીને સરહદ ઓળંગવાની છે.' કમાન્ડરે યોજના બતાવી.

`મતલબ. અમારે નાના બાળકની જેમ ભાંખોડિયાભેર વીસ કિલોમીટર ચાલવાનું છે? તમે અમારી સાથે ડીલ કરતી વખતે આ વાત તો અમને કહી જ ન હતી. આ તો ચિટિગ કહેવાય.' સૌ બરાબર અકળાયા.

`ડિલ કરતી વખતે વાત ન કરી હતી. પણ હવે કહું છું ને? જે મારી વાત સાથે સંમત ન હોય તે તેના ડૉલર પાછા લઇને ઘરે જઇ શકે છે.' કમાન્ડરે સીધી બાત કરી. માનો કે કૂવામાં ઉતાર્યા પછી દોરડું કાપી નાંખ્યું.

`અમારે કેવી રીતે ચાલવાનું છે અને બીજું કાંઇ કરવાનું હોય તો તે પણ કહી દો. પણ કહી નાંખો.' 

`તમારે સરહદ પાર કરવાની છે. તમે લોકો મેરેથોન રેસમાં ભાગ લેવાના નથી તે બાબત યાદ રાખવાની છે. તમારે લોકોએ માથું ઉંચું કર્યા સિવાય ચાર પગે નોર્મલ ચાલે ટહેલતા હોવ તે રીતે ચાલવાનું છે. તમારે બિલકુલ અવાજ કરવાનો નથી. સૌએ લાઇનમાં જ ચાલવાનું છે. માથું ઉંચુ કરીને ચાલશો તો સૈનિકો તમારા પર શંકા-કુશંકા કરશે અને તમારી શામત આવશે. કમનસીબે તમે પકડાઇ જાવ તો પણ મારું કે મારી ગેંગનું નામ જબાન પર લાવવાનું નથી. અમેરિકાના ડિપાર્ટમેન્ટમેં મેરે જાસૂસ ફેલે હુએ હૈ. તુમ મેરા કુછ ઉખાડ નહીં પાવોંગે' કમાન્ડરે ધમકી આપી.

`ઓકે, કમાન્ડર. સરહદ પાર કરતી વખતે અમારા ખાવાપીવાનો શું બંદોબસ્ત છે?' રોબર્ટે પૂછયું.

`તમે લોકો મારી જાનમાં આવ્યા છો તે ઝોહટવાની પતર ખાંડો છો. તમને બસો મિલીલિટરની પાણીની એક બોટલ અને બેચાર બિસ્કિટના પેકેટસ તમારા કોસ્ચ્યુમના ખિસ્સામાં મળશે. તેના પર તમારે દોઢ દિવસ કાઢવાનો છે. એટલે પાણી- બિસ્કિટનો ઘીની જેમ ઉપયોગ કરજો. એની મોર કવેશ્ચન?'

`થેંકસ કમાન્ડર.' સૌએ આભાર માન્યો. કમાન્ડરની ગેંગના એક સભ્યે સૌને કોસ્ચ્યુમ આપ્યા. સોએ પહેરી લીધા.

`ચલો સૌ રેડી? તમે તમારું મોં કાળું કરો.' કમાન્ડરે આદેશ આપ્યો. પકડાઇ જશો તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ મોઢું કાળું કરશે તેમ સ્વગત બબડ્યો.

-અને. એક દેશની સરહદમાંથી બીજી સરહદમાં ઘૂસવા માટે પહેલીવાર માણસો નહીં પણ ઘેટાનો વેશ પહેરેલા માણસો ચાર પગે ચાલ્યા. હાય રે. ઘેટાની કિસ્મત!         
    
છેલ્લા બ્રેકિગ ન્યૂઝ પ્રમાણે પેલા ઘેટાનો સંઘ અમેરિકા પહોંચે તે પહેલાં ત્યાંના સંત્રીઓના હાથે ઝડપાઇ ગયો છે!