Sat Sep 05 2026

Logo

સસ્તા સોનાની માયાજાળમાં ફસાવી ₹8.50 લાખની ઠગાઈ કરનાર આરોપી પશ્ચિમ કચ્છમાંથી ઝડપાયો

2026-03-06 14:33:00
Author: Mayur Patel
સસ્તા સોનાની માયાજાળમાં ફસાવી ₹8.50 લાખની ઠગાઈ કરનાર આરોપી પશ્ચિમ કચ્છમાંથી ઝડપાયો

ભુજઃ સસ્તા સોનાની લાલચ આપી નિર્દોષ નાગરિકોને છેતરી, છરી બતાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવતા રીઢા ગુનેગારને પકડવામાં પશ્ચિમ કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે. ગત નવેમ્બર માસમાં બનેલી લૂંટ અને છેતરપિંડીની ઘટનાનો મુખ્ય આરોપી અબ્દુલ જુમા નોતિયાર (રહે. વટાછડ, તા.ભુજ) આખરે પોલીસના સકંજામાં આવ્યો હતો.

શું છે મામલો

આ અંગે પેરોલ ફર્લો સ્કવોડના પી.આઇ જે. કે. બારિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત તા. ૦૧-૧૧-૨૦૨૫ના રોજ એક યુવકને સસ્તું સોનું આપવાની લાલચ આપીને ભુજ ખાતે બોલાવવામાં આવ્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ભોગ બનનાર પાસેથી રૂ. ૮.૫૦ લાખની રોકડ રકમ પડાવી લીધી હતી અને આ રોકડના બદલામાં આરોપીએ નકલી સોનાનું બિસ્કિટ પધરાવી દઈ છેતરપિંડી આચરી હતી. આ મામલે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આરોપી સતત પોલીસને થાપ આપી નાસતો-ફરતો હતો.

આ દરમ્યાન ભુજની ભાગોળે કડિયા ધ્રો વિસ્તારમાં આ લૂંટનો વોન્ટેડ આરોપી અબ્દુલ નોતિયાર હોવાની પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે મળેલી પૂર્વ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા આરોપી અબ્દુલ નોતિયારને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ માટે ભુજ બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જે. કે. બારિયાએ ઉમેર્યું હતું.

આ ગુનામાં અન્ય કેટલા શખ્સો સામેલ છે અને આરોપીએ અગાઉ આ રીતે કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે જાણવા પોલીસે છાનબીન આદરી છે.

(ઉત્સવ વૈદ્ય)

વધુ જુઓ...