Wed Apr 29 2026

Logo

પશ્ચિમ બંગાળ ચૂંટણીઃ ભાજપ ધારાસભ્યના નિવાસસ્થાને હુમલો, CISF જવાન ઘાયલ

2026-04-29 10:20:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન શરૂ થઈ ગયું છે. તેવામં પશ્ચિમ બંગાળ રાજ્યમાં ચૂંટણી માહોલ અત્યંત સંવેદનશીલ બની ગયો હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 26 એપ્રિલની રાત્રે રાજ્યના નોઆપાડાના વર્તમાન ભાજપ ધારાસભ્ય અર્જુન સિંહ અને તેમના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

અસામાજિક તત્વોએ ધારાસભ્યના કાફલા પર હુમલો કર્યો

ધારાસભ્ય અર્જુન સિંહ જ્યારે ચૂંટણી પ્રચાર કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જગદલ પોલીસ સ્ટેશનની નજીક જ કેટલાક અસામાજિક તત્વોએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો. ધારાસભ્ય અર્જુન સિંહને ગૃહ મંત્રાલય દ્વારા 'Y' શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે, જેના કારણે તેમના સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક તેમને અને તેમના પુત્ર પવન સિંહને સુરક્ષિત રીતે તેમના આવાસ સુધી પહોંચાડ્યા હતા.

હુમલાખોરોએ ધારાસભ્યના આવાસ પર પણ પથ્થરમારો કર્યો, દેશી બોમ્બ ફેંક્યા અને ફાયરિંગ કર્યું હતું. આ ગંભીર સ્થિતિમાં, અર્જુન સિંહની સુરક્ષામાં તૈનાત CISF ના પોસ્ટ ઇન્ચાર્જ રાકેશ કુમાર અને તેમની ટીમે સાહસનું પ્રદર્શન કર્યું હતું. વીઆઈપી (VIP) સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓએ વળતો જવાબ આપતા ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષામાં તૈનાત કોન્સ્ટેબલ યોગેશના પગમાં ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ જવાનને તાત્કાલિક કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટના બાદ સીઆઈએસએફ (CISF) ના ડીજી પ્રવીર રંજને હોસ્પિટલ પહોંચીને ઘાયલ કોન્સ્ટેબલ યોગેશની મુલાકાત લીધી હતી અને તેમનું મનોબળ વધાર્યું હતું. બીજી તરફ, ધારાસભ્ય અર્જુન સિંહે CISF જવાનોની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરતા તેમનો આભાર વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.