Fri Jun 19 2026

Logo

પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર ઈન્ટરનેશનલ એરટ્રાફિક પરઃ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ઘટી

2026-06-09 19:50:25
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ પશ્ચિમ એશિયાની અશાંતિ અને તેને કારણે એરસ્પેસમાં પહોંચી રહેલી ખલેલને કારણે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસવીપીઆઈ) એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોના ટ્રાફિક પર અસર પડી છે, છેલ્લા કેટલાક મહિનાઓમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે, તેમ અહેવાલો જણાવે છે. 

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર, એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનો ટ્રાફિક માર્ચ 2025 માં 1.95 લાખથી ઘટીને માર્ચ 2026 માં 1.31 લાખ થયો હતો, જે વાર્ષિક ધોરણે 32.7% ઘટાડો થયાનું દર્શાવે છે. એપ્રિલમાં, એરપોર્ટે 1.49 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સંચાલન કર્યું હતું,  જે ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન 1.9 લાખ હતું, જે 21.9% નો ઘટાડો હોવાનું દર્શાવે છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટાડો મુખ્યત્વે એરસ્પેસ પરના પ્રતિબંધો, ફ્લાઇટ રદ કરવા અને ગલ્ફ-બાઉન્ડ સેવાઓને અસર કરતા ટાઈમટેબલને કારણે હોવાનું નિષ્ણાતો જણાવે છે. આ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા બાદ, ઘણા દેશોએ કામચલાઉ ધોરણે એરસ્પેસ પ્રતિબંધો લાદ્યા હતા, જેના કારણે એરલાઇન્સને દોહા, દુબઈ અને જેદ્દાહ જેવા મુખ્ય સ્થળોએ ફ્લાઇટ્સ સ્થગિત, ફરીથી રૂટ અથવા ફરીથી શેડ્યૂલ કરવાની ફરજ પડી હતી, તેમ સૂત્રો જણાવે છે.

ટ્રાવેલ ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુસાફરીને લગતી અનિશ્ચિતતાએ માંગને પણ અસર કરી છે, ઘણા મુસાફરો ફ્લાઈટ્સમાં થતા ડિલે, મુસાફરીમાં લગતો લાંબો સમય અને છેલ્લી ઘડીએ ફ્લાઈટ્સ રદ થવાની ચિંતાઓને કારણે ટ્રિપ્સ મુલતવી રાખે છે.આ મામલે એસવીપીઆઈ એરપોર્ટના સૂત્રો સાથે વાત થઈ શકી નથી.