Thu Aug 20 2026

Logo

ચૈત્રમાં અષાઢી માહોલ: રાજ્યના 121 તાલુકામાં માવઠું, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ કમોસમી વરસાદ

2026-03-20 08:35:00
Author: Mayur Patel
Article Image

 

અમદાવાદઃ  રાજ્યમાં ચૈત્ર મહિનાની શરૂઆતમાં અષાઢ-શ્રાવણ જેવો માહોલ સર્જાયો હતો. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલીના  બગસરામાં સૌથી વધુ 1.61 ઇંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 1.54 ઇંચ, રાજકોટમાં 1.38 ઇંચ, ભેસાણમાં 1.38 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો.  17 તાલુકામાં અડધા ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 100 તાલુકામાં અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વરસાદી માહોલ છવાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 

આજે ક્યાં છે વરસાદની આગાહી

રાજ્યમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, રાજકોટ, મોરબી, પોરબંદરમાં અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવન સાથે વરસાદની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. ગત રાત્રે  અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  

ગુજરાતમાં કેમ પડ્યો કમોસમી વરસાદ

રાજ્યમાં વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે કાપણી આરે આવેલા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. હાલ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઊંચાઈ પર એપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયેલું છે.  ઉપરાંત ઉત્તર પાકિસ્તાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં 3.1 કિમીની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સંકળાયેલું સાયક્લોનિક સરક્યુલેશનસક્રિય છે. તેમજ પશ્વિમી પવનોમાં 5.8 કિમીની ઊંચાઈએ અપર અને મિડલ લેવલ પર ટ્રફ રેકા પણ જોવા મળી રહી છે. આ પ્રબળ સિસ્ટમોના પ્રભાવ હેઠળ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગ મુજબ, 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. ત્યારે બાદ 3-5 ડિગ્રીનો વધારો થશે. તેવી જ રીતે લઘુત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો ઘટાડો થશે અને ત્યાર બાદ વધારો થશે.