Thu Mar 12 2026

Logo

સંપત્તિ આવે છે વાજતેગાજતે ને જાય છે ચૂપચાપ

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

ગૌરવ મશરૂવાળા

આજના ઉપભોક્તાવાદી જીવનનો સાર વોરન બફેટના આ એક વાક્યમાં સમાઈ જાય છે: ‘જો તમે બિનજરૂરી ચીજો ખરીદ્યા કરશો તો બહુ જલદી તમારે કામની ચીજો પણ વેચી નાખવી પડશે.’

આપણી પાસે સંપત્તિ હોય પણ તેને સંભાળતાં આવડતી ન હોય ત્યારે આવું જ બને છે. વધારાનું નગદ નાણું આવતાં જ આપણી ખર્ચ કરવાની આદતો બદલાવા માંડે છે. હવે ગજવામાંથી પૈસા આસાનીથી નીકળે છે. દેખાડો કરવાનો ઈરાદો ન હોવા છતાં આપણી જીવનશૈલી પર નાણાંની અસર દેખાયા વગર રહેતી નથી. બૅન્કમાં પૈસા પડ્યા હશે તો જે ચીજો ખરીદતાં પહેલાં આપણે બે વખત વિચાર કરતા હતા તે હવે બેધડક ખરીદવા માંડીએ છીએ. તે ચીજ પછી આપણી જીવનશૈલીનો ભાગ બની જાય છે. 

આપણાં બાળકોને નાનપણથી જ તે વસ્તુઓની આદત પડી જાય છે. લાંબા અરસા સુધી સાવ નકામા ખર્ચ બેદરકારીપૂર્વક થતા રહેશે તોપણ આપણા પેટનું પાણી નહીં હલે, કેમ કે આપણને પૈસાની તંગી નડતી નથી. આને લીધે આપણી આદતો અને વ્યવહારમાં આવી રહેલાં પરિવર્તન તરફ આપણું ધ્યાન જતું નથી. આ આદતો અને વ્યવહારો જ આપણી સંપત્તિને ઓહિયાં કરી જાય છે. શક્ય છે કે આપણને એનાથી ખાસ ફરક ન પડે, પણ આવનારી પેઢીઓએ તેનાં માઠાં પરિણામ ભોગવવાં પડે છે.

અગાઉ કશુંક ખોવાઈ જતું કે આડુંઅવળું મુકાઈ જતું તો તેને શોધવા ખૂબ પ્રયત્નો થતા. કોઈ વસ્તુ ખોવાઈ જાય, તે ન જડે અથવા આડે હાથે કશેક મુકાઈ જાય તો તેને શોધવા માટે આજે નામ પૂરતી કોશિશ થશે ને પછી તરત તેની જગ્યાએ નવી વસ્તુ ખરીદી લેવામાં આવશે. ઘણી વાર બૅન્કમાં નાણું નિષ્ક્રિય પડી રહે છે અને રોકાણોને સમયસર ઉપાડવામાં આવતાં નથી. કોઈ કાર્યક્રમ કે પ્રસંગની ઉજવણી વખતેય પૈસા ખર્ચવાની બાબતમાં વિશેષ સતર્કતા જાળવવામાં આવતી નથી. આ આદત એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઊતરે છે. પરિણામે સંપત્તિ ક્રમશ: ઓછી થતી જાય છે.

ચાલો, કબાટ ખોલીને ચેક કરીએ કે એવાં કયાં કપડાં અને એસેસરીઝ છે જે બે-ત્રણ મહિનાથી વપરાયાં વિના એમ ને એમ પડ્યાં છે? એવાં જૂતાં તરફ નજર દોડાવીએ જે વર્ષમાં માંડ દસ-બાર વખત પણ પહેરાયાં નથી.

આ જ પ્રમાણે પુસ્તકો, મ્યુઝિક સીડી અને અન્ય વણવપરાયેલી ચીજવસ્તુઓ ચકાસો. અમુક વસ્તુ કદાચ આપણે લાઈબ્રેરીમાંથી લાવ્યા હતા, પણ તે પરત કરવાની રહી ગઈ છે. હજુ આગળ વધો: શું ઘરમાં હેલ્થ કે એક્સરસાઈઝને લગતાં સાધનો પડ્યાં છે જેને કોઈ ઉપયોગમાં લેતું નથી? ગોલ્ફની કિટ અને સ્પોટર્સની અન્ય સાધનસામગ્રીનું શું? શું તમે હજુય તે રમતો સક્રિયપણે રમો છો અને પેલી બધી વસ્તુઓ વપરાશમાં લો છો? જવાબ ના હોય તો તમારા પૈસા આ બધી ચીજવસ્તુઓમાં વેડફાયા છે.

આપણાં શાસ્ત્રોમાં સંપત્તિના આગમન વિશે સરસ કહેવાયું છે કે લક્ષ્મી દેવી હંમેશાં વાજતેગાજતે આવશે. અને કેમ નહીં? ઘરે દેવીનું આગમન થયું હોય તો ઉજવણી થવાની જ. આ તો સુખનો અવસર કહેવાય.

જો આપણા પર લક્ષ્મીમાતાની કૃપા વરસી હોય તો આપણી જવાબદારી બને છે કે સંપત્તિને આપણે જ્યાંથી લાવ્યા છીએ તે જ્ઞાતિ, સમાજ, કુદરત અને સૃષ્ટિ સાથે વહેંચીએ. ઉજવણી ખરેખર આ રીતે કરવી જોઈએ.

આપણું જીવનધોરણ બદલાઈ શકે છે, પણ આપણો વ્યવહાર યથાવત્ રહેશે તો જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર નહીં થાય, બીજા કોઈને શારીરિક કે માનસિક રીતે હાનિ નહીં પહોંચે. જે લોકો પૈસેટકે આપણા જેટલા સુખી નથી એમને આપણે નીચી નજરે ન જોઈએ અને કુદરતી સંસાધનોને નુકસાન ન પહોંચાડીએ તો જીવનધોરણ ઉપર લાવવામાં કશું ખોટું નથી. 

વાસ્તવમાં, સંપત્તિ હોય તોય ઉજવણી ન કરવી, તેને છુપાવવી, ગુપ્ત રાખવી તે માંદી માનસિકતાની નિશાની છે. જો આપણે પૈસા વેડફીએ, સતર્ક ન રહીએ, ખરીદેલી ચીજવસ્તુઓને ન વાપરીએ, કબાટ-ડ્રોઅર-સ્ટોરરૂમ-ગેરેજમાં નકામી વસ્તુઓનો ખડકલો કરતાં જઈએ તો તે જરૂર સમસ્યાજનક ગણાય.

જો પરિવારમાં ખાસ કરીને યુવાનોને જીવનશૈલી સંબંધિત બીમારીઓ હોય, સંપત્તિના મામલે ઝઘડા થયા કરતા હોય, સમાજના લોકો પ્રત્યે અસહિષ્ણુતા હોય અને ઘર-મિત્રો-શોખ વગેરે માટે સમય ન હોય તો આ બધાં ધીમેધીમે ઓછી થઈ રહેલી સંપત્તિનાં સંકેતો છે.

બિનજરૂરી વસ્તુઓને વેચવામાં મદદ કરતી કેટલીય વેબસાઈટ્સ આજે સક્રિય છે. મોબાઈલ પર એની એપ ડાઉનલોડ કરી શકાય છે. આપણે શા માટે નકામી વસ્તુઓનો નિકાલ કરીને તે પૈસા જરૂરતમંદો પાછળ ખર્ચતા નથી? જ્યાં સુધી મારા કબાટમાંથી કમસે કમ એક જોડી કપડાંનો નિકાલ નહીં કરું અથવા જરૂરતમંદને આપી નહીં દઉં ત્યાં સુધી હું નવાં કપડાં નહીં ખરીદું એવો નિર્ધાર કરીએ તો? જ્યાં સુધી જૂનો મોબાઈલ ફોન કોઈને આપી ન દો યા તો બાય-બેક ઑફરમાં વાપરી ન નાખો ત્યાં સુધી નવો મોબાઈલ ન ખરીદો. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અથવા આડેઅવળે કશેક મુકાઈ ગઈ હોય તો એના વગર જીવતાં શીખીએ. નક્કી કરેલી સમયમર્યાદા પૂરી થાય પછી જ નવી ચીજ ખરીદીએ.

જો આપણી પાસે નાણું હોય તો એને જરૂર વાપરીએ, પણ વેડફાટ ન કરીએ. પૈસાના મામલામાં જવાબદારીપૂર્વક વર્તીએ આપણાં શાસ્ત્રોમાં કહેવાયેલી આ વાત યાદ રાખો- લક્ષ્મી વાજતેગાજતે આવે છે પણ ચૂપચાપ, ધીમેધીમે જતી રહે છે ત્યારે આપણને ખબર સુધ્ધાં પડતી નથી.                                                                                    
યોગિક વેલ્થ
વારસો મળે કે બીજી કોઈ અણધારી આવક
થાય તો તેને લાંબા ગાળાની સંપત્તિ ઊભી કરવામાં
વાપરીએ અને પછી લાંબા સમય સુધી એનાં મીઠાં ફળ
ખાઈએ. જો આ નાણું ઉડાવી મારીશું તો લાભ ટૂંકા
ગાળાના સબિત થશે. તેથી ઈચ્છાઓ પર અંકુશ રાખીએ.