Thu Sep 03 2026

Logo

Video: હાર્દિકની વિકેટ પર કૃણાલનું આક્રમક સેલિબ્રેશન, પંડ્યા બ્રધર્સના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચા

2026-04-13 14:13:00
Author: Mayur Patel
Video: હાર્દિકની વિકેટ પર કૃણાલનું આક્રમક સેલિબ્રેશન, પંડ્યા બ્રધર્સના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચા

મુંબઈઃ ક્રિકેટના મહાકુંભ આઈપીએલ 2026માં ગઈકાલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ધમાકેદાર મુકાબલો થયો હતો. આરસીબીએ મુંબઈને 18થી હરાવ્યું હતું.  આ મેચમાં હાર્દિક પંડ્યા આઉટ  થયા બાદ કૃણાલ પંડ્યાએ આક્રમક રીતે સેલિબ્રેશન કર્યું હતું. જેના પરથી બંને ભાઈઓના સંબંધમાં ખટાશ આવ્યાની અટકળો વેગીલી બની છે. જોકે હજુ સુધી પંડ્યા બ્રધર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.  

મેચમાં  હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 40 રન બનાવ્યા હતા. તે મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. રોમારિયો શેફર્ડે તેનો કેચ પક્ડયો હતો. વિકેટ પડતાં જ કૃણાલ પંડ્યા તેની પાસે ભાગ્યો હતો અને જશ્ન મનાવ્યો હતો. તેના આક્રમક સેલિબ્રેશન બાદ બંને ભાઈઓ વચ્ચે ખટરાગ હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી.

મેચ દરમિયાન હાર્દિક અનેક કૃણાલ પંડ્યા વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. બંનેએ મેચ પૂરી થયા બાદ હસ્તધનૂન પણ નહોતું કર્યું. જ્યારે કૃણાલ બોલિંગ કરતો હતો ત્યારે બંનેએ એકબીજા સામે જોયું પણ નહોતું. તેમજ કૃણાલે હાર્દિકને બોલિંગની શરૂઆત બાઉન્સરથી કરી હતી.  આ પહેલા બંને ભાઈઓ ઘણી વખત એકબીજા સાથે હસી મજાક કરતા જોવા મળતા હતા.

સોશિયલ મીડિયા પર ફેંસ પંડ્યા બ્રધર્સ વચ્ચે ખટરાગ હોવાની અટકળો પહેલાથી જ લગાવતા હતા. ટી20 વર્લ્ડકપ 2026માં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં કૃણાલે તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા નહોતા. હાર્દિકે ટુર્નામેન્ટમાં 217 રન બનાવ્યા હતા અને 9 વિકેટ લીધી હતી. આ પહેલા કૃણાલ હાર્દિકની નાની-મોટી સફળતા પર પોસ્ટ કરતો હતો. 

સોશિયલ મીડિયા પર ફેંસે કરેલા દાવા મુજબ, કૃણાલ અને તેની પત્ની પંખુડી શર્મા ટી20 વર્લ્ડકપ દરમિયાન સ્ટેડિયમમાં હાર્દિકને સપોર્ટ કરવા પણ નહોતા આવ્યા. હાર્દિકે પંખુડીના જન્મદિવસ પર પોસ્ટ પણ નહોતી કરી. આ ઉપરાંત  કૃણાલ અને પંખુડી  હાર્દિકની એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિચ સાથે જોવા મળ્યા હતા. જ્યારે હાર્દિક માહિકા શર્મા સાથે હતો. 

હાર્દિકે કૃણાલને લઈ અંતિમ પોસ્ટ 2025માં કરી હતી. હાર્દિકે કૃણાલને આરસીબી તરફથી રમતાં આઈપીએલ ખિતાબ જીતવા પર અભિનંદન આપ્યા હતા.