ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના એક ધારાસભ્ય સામે વિરોધ કરવા મતદારો કમલમ પહોંચ્યા હતા. મતદારોએ ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે નેતા દોડતા થયા હતા.
શું છે સમગ્ર મામલો
માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ સામે તેમના જ મતવિસ્તારના ભાજપના કાર્યકરો અને સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો. જે.એસ. પટેલ સામે પક્ષના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો અને કમલમ ખાતે કેસરી ખેસ પહેરીને જ ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વેડા ગામના ચામુંડાનગર વિસ્તારમાં દાયકાઓથી પાકો રસ્તો બન્યો નથી. અહીં રહેતા ઠાકોર સમાજના અંદાજે 100 જેટલા પરિવારો કાચા અને ખરાબ રસ્તાઓથી પરેશાન છે. ખાસ કરીને ચોમાસામાં કાદવ-કીચડના કારણે રસ્તો બંધ થઈ જાય છે, જેથી નાના બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. તંત્ર અને સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
આ પહેલા ગામલોકોએ મામલદારને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતાં ભાજપનો ખેસ પહેરીને કમલમ પહોંચ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય જે. એસ. પટેલ અને તંત્ર સામે આકરા સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો.વિકાસની વાતો વચ્ચે પોતાના જ કાર્યકર્તાઓ અને રહીશો દ્વારા ભાજપનો ખેસ પહેરીને કરાયેલા આ ઉગ્ર વિરોધથી પક્ષ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.
કમલમ બહાર ગામલોકોએ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો અને રસ્તો બનાવવાની માગ સાથે ધરણા પર બેસી ગયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે આ નારાજ ગ્રામજનોની વાત શાંતિથી સાંભળી હતી અને તેમની સમસ્યાનો વહેલી તકે યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.